અમદાવાદ :આજે વહેલી સવારે 4 વાગ્યાથી જ શિવભક્તો ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. રાણીપ વિસ્તારમાં સ્થિત કેદારેશ્વરમાં વિશેષરૂપે મહાદેવનું શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. મંદિરના કપાટ ખૂલતાં જ ભક્તોએ મહાઆરતી કરી દર્શનનો લાભ લીધો હતો. સાથે મહામૃત્યુંજય યજ્ઞ, મંત્રોચ્ચાર અને મહા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
મહાશિવરાત્રીની ઉજવણી :આજે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે દેશભરના શિવાલયોમાં મહાદેવના નાદ સાથે કરોડો શ્રદ્ધાળુઓ શિવના દર્શન કરશે. જૂનાગઢમાં ભવનાથના મેળાનો ચોથો અને છેલ્લો દિવસ છે, તે નિમિત્તે ભવનાથ મંદિરમાં આજે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. સોમનાથ મંદિરમાં વહેલી સવારથી જ હર હર મહાદેવના નાદ ગૂંજી ઉઠ્યો છે.
શિવજીની ભક્તિનું મહત્વ :દરેક શિવ ભક્ત માટે મહાશિવરાત્રીનો પાવન તહેવાર ખૂબ જ મહત્વનો છે. આજનો દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીની આરાધના કરવા માટે સૌથી મોટો દિવસ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આજના દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. મહાશિવરાત્રીના નિમિત્તે ઘણા લોકો ઉપવાસ રાખે છે. ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશના દિવસે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે. ભક્તિ અને નિષ્ઠા સાથે વ્રત કરવાથી મહાદેવ તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે. મહાશિવરાત્રીનો દિવસ દરેક શુભ અને માંગલિક કાર્યો માટે ઉત્તમ માનવામાં આવે છે.
શુક્ર પ્રદોષ વ્રતનો ખાસ સંયોગ :આ વર્ષે આ તહેવાર વધુ ખાસ છે. કારણ કે મહાશિવરાત્રીના દિવસે એક ખૂબ જ દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે. હિન્દુ પંચાગ અનુસાર આ વખતે મહાશિવરાત્રી 8 માર્ચના રોજ ઉજવવામાં આવી રહી છે. સાથે જ આ દિવસે શુક્ર પ્રદોષ વ્રત પણ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર પ્રદોષ વ્રત રાખવાથી ભગવાન શિવ તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે અને ભક્તોને ખુશ રાખે છે. આ દિવસે જ મહાશિવરાત્રી પણ હોવાથી ભક્તોને શુભ સંયોગનો ખાસ લાભ મળશે.