જાણીતા ફેશન ડિઝાઈનર પૌરવી જોશી (ETV BHARAT GUJARAT) અમદાવાદ: નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે ખેલૈયાોમાં નવરાત્રિને લઇને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રિમાં ખેલૈયાઓ નવા નવા ટ્રેન્ડી કપડાઓ પહેરતા હોય છે અને યુવતીઓ નવી નવી ચણિયાચોળી પહેરતી હોય છે. દર વખતે કોઈક અલગ અલગ પ્રકારની ચણિયાચોળીઓ બજારમાં જોવા મળતી હોય છે અને અલગ અલગ પ્રકારનો ટ્રેન્ડ પણ જોવા મળતો હોય છે, ત્યારે જાણીતા ફેશન ડિઝાઈનર પૌરવી જોશી એ ETV BHARAT સાથે વિશેષ વાત કરતા જણાવ્યું કે, આ વખતે લોકો કયા પ્રકારના કપડાં અને ચણીયાચોળી લેવાનું પસંદ કરી રહ્યા છે.
નવરાત્રિમાં વિન્ટેજ કપડાનો ટ્રેન્ડ:ડિઝાઈનર પૌરવી જોશી જણાવે છે કે, દર વખતે અલગ અલગ પ્રકારના કપડાઓની માંગ ઉઠતી હોય છે. ખેલૈયાઓને બધા કરતા અલગ લાગવા માટે કંઈક હટકે પહેરવું હોય છે, ત્યારે આ વખતે વિન્ટેજ લુકનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. મોટાભાગે કોલેજમાં ભણતા યુવાનો કંઈક અલગ પ્રકારના કપડાઓ અને ટ્રેડિંગ કપડાં પહેરવાનું પસંદ કરતા હોય છે, ત્યારે આ વખતે વિન્ટેજ ચણિયાચોળીએ આકર્ષણનું કેન્દ્ર બની છે.
લોકો પોશાક ભાડે લેવું વધુ પસંદ કરે છે:ડિઝાઇનર પૌરવી જોશી જણાવે છે કે, લોકો હવે ચણિયાચોળી ખરીદવા કરતાં ભાડે લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. કેમકે ચણિયાચોળી તે માત્ર નવરાત્રી જેવા તહેવારમાં જ પહેરવાની હોય છે અને મોટાભાગે તેઓ એકવાર જે ચણિયાચોળી પહેરે બીજી વખત તેના કરતા વખત કંઈક અલગ પહેરવા ઈચ્છતા હોય છે. ખરીદેલી મોંઘીદાટ ચણિયાચોળી એકવાર પહેરીને ઘરમાં પડી રહે છે. ત્યારે જો ચણિયાચોળી ભાડે લેવામાં આવે તો બધા દિવસે કંઈક અલગ અલગ પહેરી શકાય અને સસ્તું પણ પડે આથી લોકો હવે ભાડે લઈને પહેરવા તરફ ટેવાઈ રહ્યા છે.
ખેલૈયાઓ 1 વર્ષ પહેલા બુકિંગ કરાવી જાય છે: આપણે બધાને ખ્યાલ છે કે, નવરાત્રિમાં ખેલૈયાઓ પૂરા ઉત્સાહમાં જોવા મળતા હોય છે. ત્યારે પૌરવી જોશી જણાવે છે કે, લોકો 1 વર્ષ પહેલા તેમની પાસે બુકિંગ કરાવી જાય છે કે આવતી વખતે નવરાત્રિમાં મારે આ પ્રકારના કપડાં પહેરવા છે. બજારમાં તો 3-4 મહિના અગાઉ નવરાત્રિની તૈયારીઓ જોવા મળતી હોય છે. પરંતુ ખેલૈયાઓનો એટલો ઉત્સાહ હોય છે કે તેઓ આવતા વર્ષે શું પહેરશે તે માટેની તૈયારીઓ પણ તે આ વર્ષે કરવા લાગે છે.
કેટલું હોય છે ચણિયાચોળીનું ભાડું: જ્યારે ચણિયાચોળીનો ભાવ 1500 થી માંડી 15,000 કે 20,000 સુધી જતો હોય છે. ત્યારે તે ચણિયાચોળી ભાડે લેતા 500 થી 2 હજાર સુધીમાં 1 દિવસ માટે ભાડે મળી જતી હોય છે. એટલે 1 ચણીયાચોળીના ભાવમાં યુવતીઓ નવરાત્રિના 9 દિવસ અલગ-અલગ ચણિયાચોળી પહેરી શકે છે. આથી લોકો હવે ભાડે લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
ચણીયાચોળી માટે જાત-જાતની ડિમાન્ડ આવે છે:ફેશન ડિઝાઇનર પૌરવી જોશી જણાવે છે કે, જાતજાતની ચણિયાચોળી અને કપડા માટે તેમની પાસે ડિમાન્ડ આવતી હોય છે. કોઈ કહેતું હોય છે કે આ જૂની ચણિયાચોળી છે. તેમાં કંઈક નવું કરી આપો. તો કોઈ કહે છે કે, અમારું 20 લોકોનું ગ્રુપ છે. અમારે બધાને સરખા કપડા પહેરવા છે. આથી તે પ્રકારના ડિઝાઇન કરી આપો. ઘણી ડિમાન્ડ એવી આવે છે કે બીજા લોકો કરતા તેને અલગ પાડે તે પ્રકારની ડિઝાઈનની લોકો માંગ કરતા હોય છે.
આ પણ જાણો:
- ત્રીજીવાર વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમવાર ગુજરાત પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ - PM MODI GUJARAT VISIT
- અસામાજિક તત્વોને હર્ષ સંઘવીની ટકોર 'કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો' - Ganesh Visarjan 2024