જુનાગઢ:આજે ગાયત્રી જયંતિની ઉજવણી થઈ રહી છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અને અથર્વવેદમાં ગાયત્રી માતાને લઈને વિસ્તૃત વર્ણન પણ કરવામાં આવ્યું છે. ગાયત્રી માતાને વેદ માતા તરીકે પણ ધર્મગ્રંથોમાં આલેખવામાં આવ્યા છે. સર્વે વૈદોની જનની હોવાને કારણે પણ માતા ગાયત્રીને ત્રિપદા કહેવામાં આવે છે.
આજે ગાયત્રી જયંતિ: આજે ગાયત્રી જયંતિનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. જેઠ સુદ અગિયારસના દિવસે ગાયત્રી જયંતિની ઉજવણી થતી હોય છે. માતા ગાયત્રીને સર્વ વેદોની જનની એટલે કે પરબ્રહ્મા સ્વરૂપ કામદા, મોક્ષદા અને ત્રિપદાના સ્વરૂપે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર ગાયત્રી માતા સર્વે પાપોનો નાશ કરતી હોવાને કારણે માતા ગાયત્રીને ત્રણેય દેવ બ્રાહ્મણ, વિષ્ણુ અને મહેશના સ્વરૂપ સમાન પણ માનવામાં આવે છે. હિન્દુ ધર્મની લોક વાયકા અનુસાર, તમામ છંદોમાં જો માત્ર ગાયત્રી મંત્રનું રટણ કરવામાં આવે તો આ મંત્ર થકી માતા ગાયત્રી રક્ષણ કરનારી દેવી પણ બને છે.
સૂર્યના તેજ જેટલી મંત્રની અનુભૂતિ: હિન્દુ ધર્મના ગ્રંથોમાં ગાયત્રી મંત્રને લઈને પણ એક વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે મુજબ સૂર્યના તેજ જેટલી જ પ્રખરતા ગાયત્રી મંત્રમાં સમાયેલી છે. જેના કારણે ગાયત્રી મંત્રનો જાપ કરનાર પ્રત્યેક આસ્તિકનું ચારિત્ર પવિત્ર બને છે. ધર્મ ગ્રંથોમાં થયેલા ઉલ્લેખ મુજબ વિશ્વામિત્ર, વશિષ્ઠ જેવા અનેક ઋષિઓએ પણ ગાયત્રી મંત્રની સાધના કરીને આધ્યાત્મિક અને સિદ્ધિના અનેક સોપાનો હાંસલ કરેલા હતા. ગાયત્રી મંત્રમાં સામેલ 24 અક્ષરોમાં 25 તત્વનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પૃથ્વી, જળ, વાયુ, આકાશ અને અગ્નિ સામેલ છે. જેનો સવિસ્તાર ઉલ્લેખ સંખ્યામાં છે. ધર્મગ્રંથો અનુસાર, ગાયત્રી મંત્રમાં અસંખ્ય રહસ્યો પણ છુપાયેલા છે. જે પ્રત્યેક સાધકની સાધના અને તેની આસ્થા અનુસાર ગાયત્રી મંત્રનું જાપ કરવાથી તેમને પ્રાપ્ત થતા હોય છે.
ત્રિપદા ગાયત્રી: ગાયત્રી મંત્રમાં ત્રણ ચરણ હોવાને કારણે તેને ત્રિપદા ગાયત્રી કહેવામાં આવે છે. આ પ્રત્યેક ત્રણ ચરણમાં આઠ અક્ષરનો સમાવેશ થાય છે. જેથી ગાયત્રી મંત્ર 24 અક્ષરોનો બનેલો છે. ઋગ્વેદમાં ગાયત્રીનું ઐક્ય અગ્નિ સાથે કલ્પિત કરવામાં આવ્યું છે. ઉપરાંત ઋગ્વેદમાં આવેલ અગ્નિસૂક્ત ગાયત્રી છંદમાં આપવામાં આવ્યું છે. કહેવાય છે કે, ગાયત્રી મંત્રના દ્રષ્ટા ઋષિ વિશ્વામિત્ર છે, અને દેવતા સવિતા સૂર્ય છે. વિશ્વામિત્ર દ્વારા રચાયેલા ગાયત્રી મંત્રનો ઉલ્લેખ યજુર્વેદનમાં 36માં અધ્યાયમાં પણ વિશેષ રીતે છણાવટ સાથે આપવામાં આવ્યો છે. તે મુજબ ગાયત્રી મંત્રને સાધના માટેનો સર્વશ્રેષ્ઠ મંત્ર માનવામાં આવે છે. 24 અક્ષરના આ મહામંત્રમાં દિવ્ય શક્તિ છુપાયેલી છે, જેને કોઈ પણ સાધક પોતાની સાધના થકી સિધ્ધ કરીને તેમનું જીવન ધન્ય બનાવી શકે છે.
- જૈન ધર્મની સ્થાપનાને આજે 2580 વર્ષ થયા પૂર્ણ, જાણો કોણે કરી હતી? જૈન ધર્મની સ્થાપના - mahavir swami jain dharm
- બુદ્ધ પૂર્ણિમા શા માટે મનાવવામાં આવે છે ?, ગૌતમ બુદ્ધ સાથે કેવી રીતે જોડાયો આ દિવસ ? - birth anniversary of lord buddha