ગુજરાત

gujarat

ગાંધીનગરમાં ભાજપના 23 હજાર કરોડના વિકાસના વાયરા વચ્ચે પણ પાણીની સમસ્યા યથાવત - gandhinagar water crisis

By ETV Bharat Gujarati Team

Published : May 4, 2024, 11:52 AM IST

ભાજપ લોકસભા ચૂંટણીમાં દસ લાખથી વધુ મતથી જીતવાના દાવા કરે છે. વિધાનસભામાં સરકાર સેમિકન્ડક્ટર, ગ્રીન હાઈડ્રોજન, ઈવી અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટના દાવાઓ કરે છે. બીજી બાજુ આ જ વિકાસના દાવાઓ કરતી સરકાર વિધાનસભાની થોડા કિલોમીટર દૂર વસવાટ કરતા નાગરિકોને શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી પૂરું પાડવામાં પણ નિષ્ફળ રહી છે. ઉનાળાની ગરમીમાં સત્તા પક્ષ અને વિપક્ષના આક્ષેપો અને પ્રતિઆક્ષેપો વચ્ચે રાજનીતિમાં ગરમ થઈ છે.gandhinagar water crisis

ગાંધીનગરમાં ભાજપના 23 હજાર કરોડના વિકાસના વાયરા વચ્ચે પણ પાણીની સમસ્યા યથાવત
ગાંધીનગરમાં ભાજપના 23 હજાર કરોડના વિકાસના વાયરા વચ્ચે પણ પાણીની સમસ્યા યથાવત (etv bharat gujarat desk)

ગાંધીનગર: ગુજરાતની 25 બેઠકો પર મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. એક તરફ ભાજપ ગાંધીનગર લોકસભામાં થયેલા 23 હજાર કરોડથી વધુના વિકાસ કાર્યો પર મત માંગે છે જ્યારે, વિપક્ષ કોંગ્રેસ મૂળભૂત પાયાની સુવિધાને લઈને લોકોને પડતી મુશ્કેલીની વાત કરે છે. ભાજપ લોકસભા ચૂંટણીમાં દસ લાખથી વધુ મતથી જીતવાના દાવા કરે છે. વિધાનસભામાં સરકાર સેમિકન્ડક્ટર, ગ્રીન હાઈડ્રોજન, ઈવી અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટના દાવાઓ કરે છે. બીજી બાજુ આ જ વિકાસના દાવાઓ કરતી સરકાર વિધાનસભાની થોડા કિલોમીટર દૂર વસવાટ કરતા નાગરિકોને શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી પૂરું પાડવામાં પણ નિષ્ફળ રહી છે. ઉનાળાની ગરમીમાં સત્તા પક્ષ અને વિપક્ષના આક્ષેપો અને પ્રતિઆક્ષેપો વચ્ચે રાજનીતિમાં ગરમ થઈ છે.

સરકાર નાગરિકોને શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી પૂરું પાડવામાં નિષ્ફળ રહી (etv bharat gujarat desk)

લોકોના પાણી માટે વલખા:રાજ્યની રાજધાની ગાંધીનગરમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો નાગરિકોની મૂળભૂત જરૂરિયાત પાણીની સમસ્યા દૂર કરવામાં નિષ્ફળ ગયા છે. ગાંધીનગરના અનેક સેક્ટરોમાં પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. ઉનાળાની કાળજાળ ગરમીમાં ગાંધીનગરના નાગરિકો પાણી માટે વલખા મારી રહ્યા છે. મે મહિનાની ગરમી વચ્ચે રાજ્યની રાજધાનીમાં પાણીની પળોજણ શરૂ થઈ છે. ગાંધીનગરમાં અનેક સેકટરમાં પૂરતા ફોર્સથી પાણી આવતું નથી. સેક્ટર 1, 2, 3, 4 અને 5માં પાણીના પોકારના પગલે તંત્રની ઉંઘ ઉડી ગઈ છે. ગાંધીનગરના અનેક સેક્ટરમાં પાણીનું પ્રેશર ઓછું આવે છે. ગાંધીનગરમાં પાણીનો કુલ 60 એમએલડીનો વપરાશ છે. શહેરમાં અંદાજિત 32000 જેટલા નળના કનેક્શન છે. 30 એમએલડી સેક્ટર 1 થી 14 ને સરિતા પંપીંગ સ્ટેશનમાંથી સપ્લાય કરવામાં આવે છે. બીજું 30 એમએલડી સેક્ટર 15 થી 30 ને ચરેડી વોટર પ્લાન્ટમાંથી સપ્લાય થાય છે. ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા ગાંધીનગરને કેનાલ મારફતે પાણીનો પુરવઠો આપવામાં આવે છે. પાણીની લાઈનમાં શરૂઆતમાં બોરિંગનું અને બાદમાં નર્મદાનું પાણી આવે છે.

ગાંધીનગરની વસ્તી વધી:ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના ઉપપ્રમુખ પ્રદીપસિંહ બિહોલાએ જણાવ્યું કે, ગાંધીનગરની વસ્તી સતત વધી રહી છે. પહેલા માત્ર જુના સેક્ટરોમાં સરકારી વસાહતમાં જ લોકો વસવાટ કરતા હતા. આજે ગાંધીનગર રાયસણ, કુડાસણ, ભાટ અને બીજી બાજુ પેથાપુર, પીપળજ સુધી વિકસ્યું છે. તેથી વસ્તીનું પ્રમાણ વધ્યું છે. ગાંધીનગરની વસ્તી વધી છે, પરંતુ તેના પ્રમાણમાં પાણીના પુરવઠામાં વધારો થયો નથી. સરકાર 24 કલાક પાણી પૂરું પાડવાની વાત કરે છે. તેના બદલે બે કે ત્રણ કલાક પૂરતા પ્રેશરથી પાણી આપે તો પણ બહુ છે. ભૂતકાળમાં ગાંધીનગરમાં બીજા કે ત્રીજા માળે પણ પાણીની મોટર વગર પાણી ચડતું હતું હાલમાં અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પણ અડધો કલાક ધીમે ધીમે પાણી આવે છે. ખાલી 24 કલાક પાણીના દાવાઓ કરવાથી કશું નકર કામગીરી થઈ નથી. અમારે 24 કલાક પાણીની જરૂર નથી બે ત્રણ કલાક પૂરતા પ્રેસરથી આપવામાં આવે તો પણ બહુ છે.

સરકાર પાસે પાણીનો પૂરતો જથ્થો: ગાંધીનગરમાં છેલ્લા ઘણા દિવસોથી પાણીનો ફોર્સ ઓછો આવે છે. સેક્ટરોમાં પૂરતું પાણી મળતું નથી. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 250 કરોડના ખર્ચે પાણીની લાઈનો બદલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નવી પાણીની લાઈન નાખવાની કામગીરી બે વર્ષથી ચાલે છે. કેટલાક સેક્ટરોમાં પાણીના મીટર નાખી દેવામાં આવ્યા છે. જ્યારે કેટલાક સેક્ટરોમાં હજી સુધી મીટર નાખવામાં આવ્યા નથી. થોડા દિવસ પહેલા જ પ્રસાર માધ્યમોમાં એવો અહેવાલ આવ્યો હતો કે, પ્રેશરને કારણે પાણીની પાઇપ ફાટી ગઈ છે. ત્યારૈ 250 કરોડ ક્યાં ગયા તે મોટો પ્રશ્ન ઉભો થાય છે. જે ગતિથી કામ ચાલુ છે તે અનુસાર હજી વધુ બે ત્રણ વર્ષ સુધી પૂરતું પાણી મળે તેવી આશા નથી. સરકાર પાસે પાણીનો પૂરતો જથ્થો છે. પરંતુ વિતરણ વ્યવસ્થાની ખામીને કારણે નાગરિકોને પૂરતું પાણી નથી મળી રહ્યું. એક બાજુ સરકાર 24 કલાક પાણીની આપવાની વાત કરે છે. જ્યારે બીજી બાજુ અનેક ઘરોમાં પૂરતું પીવાનું પાણી પણ મળતું નથી. ગાંધીનગરમાં કેટલીક જગ્યાએ પાણીના ટેન્કરો મંગાવવા પડે છે. સેક્ટર પાંચમાં પાણીની ટાંકી હોવા છતાં પાણીનું પ્રેશર મળતું નથી.

તંત્ર દ્વારા ખરાબ કામગીરી:ગાંધીનગર ઉત્તર વિધાનસભા કોંગ્રેસ કન્વીનર અને જનરલ સેક્રેટરી અશ્વિન સુહાને જણાવ્યું કે, ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી પાણીનો ફોર્સ ઓછો આવે છે અને પાણી ડહોળું આવે છે. એક બાજુ સ્માર્ટ ગાંધીનગરની વાત કરવામાં આવે છે જ્યારે બીજી બાજુ પાણી જેવી જીવન જરૂરી વસ્તુ માટે પણ ગૃહિણીઓ વલખા મારી રહી છે. પાણીની સમસ્યાને કારણે લોકો પરેશાન છે. સેક્ટર 27 માં ગાયત્રી સોસાયટીમાં રહેતા કીર્તિકુમાર વ્યાસે જણાવ્યું કે, અમારી સોસાયટીમાં ડ્રેનેજ, પાણી અને રસ્તાનું કામ શરૂ કર્યું તેને લગભગ એક વર્ષ થયું છે. રોડ ખોદી નાખવામાં આવ્યો છે. પૂરતું લેવલિંગ કરવામાં આવ્યું નથી. પાણીની પાઇપલાઇન અને મીટર બોક્સ હલકી ગુણવત્તાનું છે. રસ્તા પર ખાડા હોવાથી રાત્રે અકસ્માત થવાની સંભાવના છે. પાણી પણ ફોર્સથી આવતું નથી અને ખૂબ જ ધીમા ફોર્સથી પાણી આવે છે.ગાયત્રી સોસાયટીમાં રહેતા અન્ય એક રહી છે ચંપાબેન પટેલે જણાવ્યું કે અમારી સોસાયટીમાં રોડ રસ્તા ગટર પાણીની સમસ્યા છે. પાણી અને ડ્રેનેજ લાઈનનું જે કામ કરવામાં આવ્યું છે તે ખૂબ જ હલકી ગુણવત્તાનું છે પાણીના કનેક્શનનો પણ ગમે તેમ આપી દેવામાં આવ્યા છે. પાણીનું ફોર્સ ઓછું હોવાથી ટેન્કરથી પાણી મંગાવવામાં આવે છે અને ઘણીવાર પાણી બાબતે સોસાયટીમાં ઝઘડાઓ પણ થાય છે.

લોકો બોરિંગનું પાણી પીવા મજબૂર: ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ 18 ગામના કન્વીનર અને વાવોલ ગામના વતની ઘનશ્યામસિંહે જણાવ્યું કે, ગાંધીનગર શહેરની વાત તો દૂર રહી પરંતુ ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ 18 ગામડાઓમાં પાણીની હાલત ખૂબ જ ખરાબ છે. ગામડાઓમાં કેટલીક જગ્યાએ પાણી આવે છે. કેટલીક જગ્યાએ નથી આવતું. ગામતળમાં કેટલીક જગ્યાએ પાણીની અનેકવાર ફરિયાદો કરી છે. છતાં કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી. તંત્ર દ્વારા ઓનલાઇન ફરિયાદ કરવાનું જણાવવામાં આવે છે. ગામડાના લોકો ઓનલાઈન ફરિયાદ કરી શકતા નથી. પાટનગર યોજના વિભાગના ડેપ્યુટી ઇજનેર હર્ષદભાઈ દવેએ જણાવ્યું કે, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 24 કલાક પાણી આપવાનો પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટનું હાલમાં ટેસ્ટિંગ થઈ રહ્યું છે. ટેસ્ટિંગ સમયે કેટલીક વાર પાણીની લાઈનમાં એર આવે છે. આ એરને કારણે કેટલાક સેક્ટરોમાં પાણીનું પ્રેશર ઘટી જાય છે. પાણીનું પ્રેશર ઘટતા ઊંચાઈવાળા વિસ્તારોમાં પાણીનો પુરવઠો પહોંચી શકતો નથી.

પાણી પુરવઠા બોર્ડ પાણી ઓછું આપે છે: તેમણે વધુમાં જણાવ્યું કે, ઘણીવાર બોર્ડ દ્વારા પણ ઓછું પાણી આપવામાં આવે છે. કેટલીક વાર બોર્ડ દ્વારા ૬૦ MLDને બદલે 55 56 MLD જ પાણી આપવામાં આવે છે. તેના કારણે પણ ઉનાળામાં પાણીની તંગી સર્જાય છે. ગાંધીનગરમાં સવારે 6 થી 8 વાગ્યા સુધી પાણી આપવામાં આવે છે. નર્મદાનું પાણી સપ્લાય થાય છે. ગાંધીનગરના સેક્ટરોમાં પાણી સપ્લાય કરતી લાઈન અંદાજી 30 થી 40 વર્ષ જૂની છે. શહેરમાં જમીનનો ઢાળ પણ આડા-અવળો હોવાથી નીચાણવાળા વિસ્તારમાં પાણીની લાઈન ખાલી થઈ જાય છે. પાટનગરમાં કેટલાક સેક્ટરમાં પાણીની લાઈનો ખાલી થઈ જાય છે. તેથી આ પાણીની ખાલી લાઈનો બોરિંગના પાણીથી ભરવી પડે છે. આ લાઈનો જો ખાલી રહી જાય તો નર્મદાના પાણીનું પ્રેશર ઓછું આવે છે. તેથી રાત્રે 1 કે 2 વાગ્યે બોરિંગ શરૂ કરવામાં આવે છે. સવારે અંદાજિત 8:30 વાગે બોરિંગ બંધ કરવામાં આવે છે. બોરિંગના પાણીની સાથે નર્મદાનું પાણી પણ લાઈનમાં છોડવામાં આવે છે. જો બોરિંગના પાણીથી લાઈન ભરવામાં ન આવે તો કેટલાક સેક્ટરમાં પ્રેશર ઓછું થઈ જાય છે અને પાણી પહોંચતું નથી. સરકારના વિકાસના દાવો વચ્ચે સામાન્ય નાગરિકોને રસ્તા, ડ્રેનેજ અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ માટે હજી કેટલા વર્ષો સુધી રાહ જોવી પડશે તે જોવું રહ્યું.

  1. હીરાના યુનિટમાં પહોંચી રત્નકલાકારોને મળતા નિમુબેન : ક્યાં મુદ્દાઓ રજૂ કર્યા મત મેળવવા જાણો - Bhavnagar Lok Sabha seat
  2. સમગ્ર વિશ્વમાં 2000 ભારતમાં 1000 અને સૌરાષ્ટ્ર કચ્છમાં 25 જેટલી કેરીની જાતોનું વાવેતર થાય છે - Mango Cultivation

ABOUT THE AUTHOR

...view details