નવી દિલ્હીઃ રેલવેમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. કારણ કે, રેલ્વે ભરતી બોર્ડ (RRB) એ લેવલ 1 ની 32 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. રેલ્વે ભરતી બોર્ડે આ સૂચના 21 જાન્યુઆરી 2025ના રોજ બહાર પાડી છે.
રેલ્વેએ તેની આધિકારીક જાહેરાતમાં જણાવ્યું છે કે, વિવિધ પોસ્ટ્સ પર 7મા CPC પે મેટ્રિક્સના લેવલ 1 માં ઘણી ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. રેલ્વે લેવલ 1માં 32,438 જગ્યાઓ ભરશે. અરજી નોંધણી પ્રક્રિયા 23 જાન્યુઆરી 2025 થી શરૂ થવા જઈ રહી છે, જ્યારે અરજી માટેની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી 2025 નક્કી કરવામાં આવી છે.
પસંદગી પ્રક્રિયા
પસંદગી પ્રક્રિયા ચાર તબક્કામાં કરવામાં આવશે, જેમાં કોમ્પ્યુટર ટેસ્ટ, ફિઝિકલ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ તપાસનો સમાવેશ થાય છે. લેખિત પરીક્ષામાં 100 પ્રશ્નો હશે, જેના જવાબો 90 મિનિટની અંદર આપવાના રહેશે. જેમાં નેગેટિવ માર્કિંગ પણ હશે, જ્યાં દરેક ખોટા જવાબ માટે 1/3 માર્ક્સ કાપવામાં આવશે.
ક્યારથી ભરી શકાશે ફોર્મ ?
ઉમેદવારો 23 જાન્યુઆરી 2025 થી 22 ફેબ્રુઆરી 2025 સુધી અધિકૃત વેબસાઇટ rrbahmedabad.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આ પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 1 જાન્યુઆરી 2025 ના રોજ ઓછામાં ઓછી 18 વર્ષ અને મહત્તમ 36 વર્ષની હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
કેટલી છે અરજી ફી ?
જનરલ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ 500 ચૂકવવાના રહેશે. PwBD / મહિલા / ટ્રાન્સજેન્ડર / ભૂતપૂર્વ સૈનિકો અને SC / ST / લઘુમતી / આર્થિક રીતે પછાત વર્ગ (EBC) ઉમેદવારો માટે અરજી ફી 250 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ફીની ચુકવણી ઓનલાઈન કરી શકાશે.
કેવી રીતે કરવી અરજી ?
- ઈચ્છુક ઉમેદવારોએ અરજી કરવા માટે rrbahmedabad.gov.in વેબસાઇટની મુલાકાત લેવી.
- ત્યાર બાદ હોમપેજ પર 'Recruitment' વિભાગ પર ક્લિક કરો.
- ત્યાર બાદ, માંગવામાં આવેલી માહિતી આપો અને પછી અરજી ફી ચૂકવો.
- હવે અરજી સબમિટ કરો.
- જરૂરિયાત માટે અરજીની પ્રિન્ટઆઉટ સાથે રાખવી.