ગાંધીનગરઃ સત્યાગ્રહ છાવણી ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક સંઘે મહા પંચાયત યોજી છે. સરકારી શિક્ષકોની વિવિધ પડતર માંગણીઓ સંતોષાય તે માટે આ મહા પંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારે વિધાનસભા ચૂંટણી પહેલા શિક્ષક સંઘની માંગણીઓ માની લીધી હતી પરંતુ ચૂંટણી પરિણામો બાદ સરકાર દ્વારા માંગણીઓ અંગે કોઈ નક્કર નિર્ણયો લેવામાં આવ્યા નથી.
Teachers Oppose: ગાંધીનગરમાં વિવિધ પડતર માંગણી સંદર્ભે સરકારી શિક્ષકોએ મહા પંચાયત યોજી, ગરબા કરી વિરોધ નોંધાવ્યો - Gandhinagar Teachers Oppose
ગાંધીનગરમાં સરકારી શિક્ષકોએ વિવિધ પડતર માંગણીઓ સંદર્ભે સરકારની સામે બાંયો ચડાવી છે. લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે શિક્ષકોએ સત્યાગ્રહ છાવણી ખાતે સરકાર સામે મહા પંચાયત બોલાવી છે. તેમણે જૂની પેન્શન યોજના, 2005 પહેલાનો ઠરાવ અને શિક્ષક ભરતીમાં કોન્ટ્રાક્ટ પ્રથા અંગે માંગણી કરી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Gandhinagar Teachers Oppose

Published : Mar 9, 2024, 5:53 PM IST
|Updated : Mar 9, 2024, 6:04 PM IST
અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક સંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલે જણાવ્યું કે, શિક્ષકો છેલ્લા 3 વર્ષથી જુદી જુદી પડતર માંગણીઓને લઈને લડત ચલાવી રહ્યા છે. ગાંધી જયંતીના દિવસે જૂની પેન્શન યોજના લાગુ કરવા અને 2005 પહેલાનો ઠરાવ માટે શિક્ષક સંઘે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. ગુજરાતના દરેક જિલ્લામાં શિક્ષકોએ પ્રદર્શન કર્યું હતું. તમામ પ્રકારની રજૂઆત મુખ્યમંત્રી કાર્યાલય કરવામાં આવી હતી. પરંતુ સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં ન આવતા આજે ગાંધીનગરમાં શિક્ષક મહા પંચાયત યોજાઈ છે.
ગરબા કરી વિરોધ નોંધાવ્યોઃ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે યોજાયેલ આ મહાપંચાયતમાં ભાગ લેવા માટે હજારો શિક્ષકો ગાંધીનગર ખાતે ઉમટી પડ્યા છે. તેમણે કેસરિયા કરવા માટે કેસરી પટ્ટા પહેર્યા છે. ગુજરાત સરકાર સમક્ષ શિક્ષકોએ ન્યાયની માંગણી કરી છે. જે રીતે સરકારના વિકાસ કાર્યોમાં શિક્ષકો સહભાગી થાય તેવી જ રીતે સરકારે પણ શિક્ષકોની વર્ષો જૂની પડતર માંગણી અંગે વિચારવું જોઈએ તેવો શિક્ષકોનો મત છે. શિક્ષિકા બહેનોએ ગરબા કરીને સરકાર સમક્ષ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. આ ગરબામાં સરકાર સમક્ષ વર્ષો જૂની પડતર માંગણીઓની વિશિષ્ટ રજૂઆતો કરવામાં આવી હતી. સરકાર બાંહેધરી આપે છે પણ કોઈ નક્કર નિર્ણય લેતી ન હોવાનું અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક સંઘના પ્રમુખે જણાવ્યું હતું.