ગાંધીનગરઃ આજે પાટનગરમાં કેબિનેટ બેઠક બાદ મીડિયાને સંબોધતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, 1 જુલાઇ થી સમગ્ર દેશમાં IPC, CrpC અને પુરાવા અધિનિયમ સંબંધિત સંસદ દ્વારા નવા કાયદા બનાવી નવીન જોગવાઇઓ લાગુ કરવામાં આવી છે. જેના સંદર્ભે રાજ્યપાલના વટહુકમ દ્વારા આ જોગવાઇઓ સંબંધે ગુજરાત રાજ્યના કાયદાઓ માં સંબંધિત સુધારા કરી તેને લાગુ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે.
કેન્દ્ર સરકારે સુધારા કરેલા 3 કાયદાઓનો અમલ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું - Gandhinagar News
ગુજરાતમાં 1 જુલાઇથી Gujarat Laws (Amendment of Provisions) Ordinance, ૨૦૨૪ લાગુ કરાયો છે. IPC, CrpC અને પુરાવા અધિનિયમની નવીન જોગવાઇઓ સંદર્ભે વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે. રાજ્યપાલના વટહુકમ દ્વારા આ જોગવાઇઓને લાગુ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે. રાજ્યના અંદાજીત 137 જેટલા કાયદાઓમાં ઉપરોક્ત કાયદાઓ સંબંધિત જોગવાઇઓમાં ફેરફાર કરાયો છે.
Published : Jul 3, 2024, 9:18 PM IST
રાજ્ય સરકારના વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગ દ્વારા તમામ વહીવટી વિભાગોને સંબંધિત આવા કાયદાઓની જોગવાઇઓ ગુજરાત રાજ્યના કાયદાઓમાં ઓળખી તેને એકત્રિત કરવા સુચના આપવામાં આવી હતી. જે મુજબ અત્યાર સુધીમાં રાજ્યમાં ૧૩૭ જેટલા કાયદાઓમાં ઉપરના કાયદાઓની વિવિધ જોગવાઇઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્યના જુના કાયદાઓમાં સંસદ દ્વારા નવા લાગુ કરાયેલ કાયદાઓની જે કલમોનો ઉલ્લેખ હશે તે નવા કાયદાના નામ અને જોગવાઇ સાથે ગુજરાતના કાયદાઓમાં ફેરફાર કરાયા હોવાનું પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું.
IPC (ભારતીય દંડ સંહિતા) હવે ભારતીય ન્યાય સંહિતા, 2023 CrpC ( ક્રિમિનલ પ્રોસિજર કોડ) હવે, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023 અને India Evidence Act ( ભારતીય પુરાવા અધિનિયમ ) હવેથી ભારતીય સાક્ષ્ય અધિનિયમ, ૨૦૨૩ ના સ્વરૂપમાં બનાવવામાં આવ્યો છે તેથી અગાઉના IPC, CrpC અને Evidence Act ના નામ અને કેટલીક જોગવાઇઓ રદ્દ કરવામા આવી છે. રાજ્ય ના કાયદાઓમાંથી આ કાયદાઓના નામ જ નહીં પરંતુ તે કાયદાઓની કેટલીક કલમો પણ રદ્દ કરવામાં આવી છે કે તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે.