ગાંધીનગર :ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 (SSC) બોર્ડ પરિણામ જાહેર થયું છે. ગુજરાતમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 82.56 ટકા જાહેર થયું છે, જેમાં ગાંધીનગર જિલ્લામાં 87.22 ટકા સૌથી વધુ પરિણામ આવ્યું છે. જ્યારે 74.57 ટકા સાથે પોરબંદર સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો છે. ETV Bharat દ્વારા ગાંધીનગર જિલ્લાના સૌથી ઊંચા પરિણામ પાછળના કારણો જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેના તારણના આધારે જાણો શા માટે ગાંધીનગર અવ્વલ રહ્યું...
SSC બોર્ડ પરિણામમાં ગાંધીનગર અવ્વલ :ગુજરાતમાંથી કુલ 6,99,598 વિદ્યાર્થીઓએ ધોરણ 10 બોર્ડ પરીક્ષા આપી હતી, જેમાંથી 82.56 ટકા પરીક્ષાર્થી સફળ રહ્યા હતા. સૌથી વધુ પરિણામ ધરાવતા કેન્દ્રમાં દાલોદ (અમદાવાદ ગ્રામ્ય) અને તલગાજરડા (ભાવનગર) 100 ટકા પાસિંગ સાથે પ્રથમ છે. જ્યારે 87.22 ટકા પરિણામ સાથે ગાંધીનગર સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો રહ્યો છે.
- ધોરણ 10 માં 93.33 ટકા લાવનાર પ્રથમ ભાવસારે જણાવ્યું કે, અમે ટ્યુશન વગર આ પરિણામ હાંસલ કર્યું છે. મેં બોર્ડ પરીક્ષાની એક માસ પહેલા ટીવી અને મોબાઈલ જોવાનું નહીવત કરી દીધું હતું. દરરોજ સવારે ટાઈમ ટેબલ બનાવી સિલેબસ કમ્પ્લીટ કરતો હતો.
શિક્ષણ વિભાગની સતત દેખરેખ :જિલ્લા શિક્ષણાધિકારી એ. વી. પ્રજાપતિએ જણાવ્યું કે, ગાંધીનગર જિલ્લાનું પરિણામ ઉત્તમ આવે તે માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવ્યું હતું. એસયુએસની મીટીંગો નિયમિત થતી અને ગાંધીનગર જિલ્લામાં આવેલ શાળા સંચાલકો સાથે અમે નિયમિત સંપર્કમાં હતા. ગાંધીનગર જિલ્લામાં આવેલી ગ્રાન્ટેડ શાળાઓને રાજ્ય સરકાર તરફથી 72 નવા આચાર્ય મળ્યા છે. આ નવા આચાર્ય થકી શાળાની કામગીરી વેગવંતી બની છે.
- અન્ય એક વિદ્યાર્થિની નુરેસબાખાન પઠાણે જણાવ્યું કે, બોર્ડની પરીક્ષામાં મને 91.67 ટકા આવ્યા છે. મને માતા-પિતા અને શિક્ષકોનો સાથ ખૂબ જ મળ્યો છે. મેં પરીક્ષામાં સફળતા મેળવવા માટે માસિક આયોજન કર્યું હતું. દરરોજ ચોક્કસ ચેપ્ટરનો અભ્યાસ કરવાનું આયોજન કર્યું અને પરીક્ષા પહેલા એક મહિનાનું આગોતરું આયોજન કર્યું હતું.
નબળા વિદ્યાર્થીઓને આગળ લાવવા માટે પ્રયાસ :નબળા વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલી મહેનત અંગે માહિતી આપતા જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું કે, ગાંધીનગરમાં આ વર્ષે 100 ટકા પરિણામ લાવનાર શાળાની સંખ્યા 19 થી વધીને 54 થઈ છે. ગત વર્ષે બોર્ડની પરીક્ષામાં ઓછા પરિણામ લાવનાર શાળાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આ શાળાના આચાર્ય સાથે મીટીંગ કરીને નબળા વિદ્યાર્થીઓ માટે વિશિષ્ટ પ્રકારના વર્ગ પણ શરૂ કરવામાં આવ્યા હતા. નબળા વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે શિક્ષકો સતત સંપર્કમાં રહ્યા હતા. પરીક્ષાના અંતિમ સમયે નબળા વિદ્યાર્થીઓએ શું ધ્યાન રાખવું તે અંગે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
- નૂરેસબાખાનના પિતા રહીમખાને જણાવ્યું કે, અમે અમારી દીકરીને ભણવા માટે ખૂબ જ પ્રોત્સાહિત કરતા હતા. જ્યારે તે હતાશ થતી હતી ત્યારે અમે તેને હિંમત આપતા હતા. શિક્ષકોએ પણ અમારી દીકરીને ખૂબ મદદ કરી હતી. અમે પરિવારમાં પણ અમારી પુત્રીને મુક્ત વાતાવરણ આપ્યું હતું. અમે તેની પર બિનજરૂરી બંદીશ નાખતા નથી.