જામનગર: આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, નૉર્થ-ઈસ્ટમાં આવેલ આસામના ભોઝાલી જિલ્લાથી 45 જેટલા યાત્રિકો સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ દ્વારકાના દર્શન કરવા નીકળ્યા હતા. ત્યારે ગત 27 સપ્ટેમ્બરે તમામ શ્રદ્ધાળુઓ દ્વારકા પહોંચ્યા હતા. જ્યાં ગત રાતે જમ્યા બાદ ખોરાકી ઝેરની અસર થતાં 65 વર્ષીય યાત્રિકનું મોત નીપજ્યું હતુ. જ્યારે અન્ય 8 યાત્રિકોને તાત્કાલિક સારવાર અર્થે જામનગરની જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જી.જી હોસ્પિટલના ડોક્ટર એસ.એસ. ચેટરજીએ જણાવ્યું હતું કે,' આજે વહેલી સવારે દ્વારકાથી કુલ 8 આસામના યાત્રિકોને ઝાડા-ઉલટી થવાથી દાખલ કરવામાં આવ્યા છે. આ આઠ દર્દીઓની ઉંમર 50 થી 70 વર્ષની વચ્ચે છે. તેઓને ત્રણથી પાંચ દિવસથી ઝાડાની તકલીક હતી. જેમાં બે પુરૂષો અને છ સ્ત્રીઓનો સમાવેશ થાય છે. એક પુરૂષની હાલત ખુબ ગંભીર છે. અન્ય દર્દીઓને કિડનીમાં અસર થઈ છે. દરેક દર્દીઓની સારવાર ચાલી રહી છે અને સ્થિતિ સુધરે તેવી આશા છે.'