જુનાગઢ: ગઈકાલે રાત્રિના સમયે પ્રભાસ પાટણ વિસ્તારમાં લગ્ન પ્રસંગને લઈને વરરાજા સાથેનો વરઘોડો નીકળ્યો હતો, જે માર્ગ પરથી જાનૈયાઓ સાથેનો વરઘોડો પસાર થઈ રહ્યો હતો, બિલકુલ આ માર્ગ પર એક હોટલ આવેલી છે.
હોટલની બારીમાંથી કોઈએ વરઘોડા પર પાણી ફેંક્યું અને મામલો એટલી હદે બિચકી ગયો કે તમામ જાનૈયાઓ વરઘોડાને પડતો મુકીને હોટેલના સંચાલક માલિક અને હોટલમાં રોકાયેલા ટુરિસ્ટોને મારવા માટે પહોંચી ગયા. મામલો ખૂબ તંગ બન્યો હતો આજે પ્રભાસ પાટણ પોલીસ મથકમાં જાનૈયાઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
હોટલ સંચાલક સાથે મારામારી કરતા જાનૈયાઓનો CCTVમાં કેદ (Etv Bharat Gujarat) જાનૈયાઓએ કરી માથાકૂટ પોલીસે દાખલ કરી ફરિયાદ
લગ્નની ખુશી પોલીસ સ્ટેશનની હવા ખાવા સુધી પહોંચી ગઈ, મામલો ગત મંગળવાર રાત્રિના સમયનો છે. પ્રભાસ પાટણ વિસ્તારમાં એક પરિવારને ત્યાં લગ્ન સમારોહનો પ્રસંગ હતો. લગ્ન બાદ સૌરાષ્ટ્રની પરંપરા અનુસાર રાત્રીના સમયે વરરાજાનો વરઘોડો એટલે કે ફુલેકુ કાઢવામાં આવ્યું હતું. આ ફૂલેકું જે માર્ગ પરથી પસાર થઈ રહ્યું હતું તે માર્ગ પર એક હોટેલ આવેલી છે, જે સમયે ફૂલેકું હોટલની પાસેથી પસાર થયું ત્યારે બારી માંથી કોઈ પ્રવાસીઓએ વરઘોડા પર પાણી ફેંકીને તેનુ અપમાન કર્યું હતું અને ત્યાર બાદ મામલો એટલી હદે ઉગ્ર બની ગયો કે ફુલેકામાં સામેલ તમામ જાનૈયાઓનું 50 કરતાં વધારે લોકોનુ ટોળું હોટેલમાં ઘૂસી ગયું અને હોટેલના સંચાલકો અને હોટેલમાં રોકાયેલા પ્રવાસીઓ સાથે રીતસરની મારામારી કરી હતી અને આ સમગ્ર મામલો હોટલના સીસીટીવીમાં કેદ થયો હતો. આ અંગે પોલીસે આજે હોટેલ માલિકની ફરિયાદને આધારે પ્રભાસ પાટણ પોલીસે જાનૈયાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે.
હોટેલ સંચાલક અને ટુરિસ્ટોને માર મારવાનો આરોપ
વરઘોડા પર પડેલા પાણી જેવા સામાન્ય મામલાને લઈને ઉશ્કેરાઈ ગયેલા જાનૈયાઓ દ્વારા હોટલના સંચાલક અને માલિકને એવો માર્યો કે તેના કપડા પણ ફાડી નાખ્યા હતાં. વધુમાં આ જાનૈયાઓ હોટલમાં રોકાયેલા કેટલાક પ્રવાસીઓ સાથે પણ ખૂબ જ અણછાજતુ વર્તન કરીને કેટલાક પ્રવાસીઓ સાથે પણ માથાકૂટ કરી હોવાની ફરિયાદ પણ હોટલના સંચાલક અને માલિકે કરી છે. વરઘોડામાં સામેલ જાનૈયાઓ એટલી હદે મારામારી પર ઉતરી આવ્યા હતા કે જેના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. હાલ પ્રભાસ પાટણ પોલીસ મથકના પીઆઈ એમ.બી.પટેલ હોટેલ માલિકની ફરિયાદ લઈને સમગ્ર મામલામાં વધુ તપાસ શરૂ કરી છે. આગામી દિવસોમાં જે લોકોના નામ ફરીયાદમા સામેલ હશે તેને પકડી પાડવા માટે પોલીસ કાર્યવાહી શરૂ કરશે.
- વરરાજાએ 100 અશ્વો સાથે જાન જોડી, માર્ગો ઘોડાના ડાબલાના અવાજથી ગુંજ્યા, પૈસાનો પણ વરસાદ
- જાન લીલા તોરણે પાછી ફરી, વરરાજા અને તેના મિત્રોએ કર્યુ કંઈક આવું... દુલ્હનની માતાએ જોડ્યા હાથ