સુરત :નવી સિવિલ હોસ્પિટલમાં માત્ર દર્દી જ બીમાર નથી, પરંતુ હોસ્પિટલમાં પંખો પણ બિમાર હાલતમાં જોવા મળી રહ્યો છે. એક દર્દીની માતા ઉપર અચાનક જ પંખો પડતા તેમના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. પુત્રની સાથે તેમને પણ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થવું પડ્યું હતું. આ ઘટના બાદ નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું છે. સંબંધિત વિભાગને જાણ કરી હોસ્પિટલના તમામ પંખા-ટ્યુબલાઈટ સહિતની વસ્તુ તાત્કાલિક રીપેર કરવા માટે આદેશ આપ્યા છે.
દુર્ભાગ્યપૂર્ણ ઘટના :સિવિલ હોસ્પિટલના ચોથા માળે J4 વોર્ડમાં 25 વર્ષીય જીગ્નેશ રાઠોડને ટીબીની સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. જીગ્નેશની સંભાળ કરવા માટે હોસ્પિટલમાં તેની માતા હતી. ગુરુવારે બપોરે જ્યારે તેઓ વોર્ડમાં આરામ કરી રહ્યા હતા ત્યારે અચાનક બોર્ડના સીલીંગ પર લાગેલો પંખા તૂટીને 55 વર્ષીય વર્ષાબેન ઉપર પડ્યો હતો. જેના કારણે તેમના માથાના ભાગે ઈજા થઈ હતી. તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. અગાઉ પણ સિવિલ હોસ્પિટલમાં આવી ઘટના બની હતી, જ્યાં પંખો તૂટી પડ્યો હતો. પરંતુ સદનસીબે કોઈને ઇજા થઈ નહોતી.