અંબાજી: યાત્રાધામ અંબાજી મંદિર એ અંબાજી ગામની વચ્ચોવચ સ્થિત છે, આથી મંદિર અને તેની આસ-પાસના વિસ્તાર એક બીજાથી જોડાયેલા હોઈ મંદિર પરિસર ઉપરાંત મંદિરમાં આવવા જવાના માર્ગ પરની દશા જોઈએ તેવી સારી નથી. મંદિર તરફ લઈ જતા અંબાજીના દરેક રસ્તાની હાલત ભાંગેલ-તૂટેલ છે. મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર શક્તિદ્વાર સિવાય ના અન્ય રસ્તાઓ પરથી મંદિર તરફ પહોંચવા માટેના રસ્તા દુર્ગમ હાલતમાં છે. રોડની સાઈડમાં ખુલ્લી ગટરો, કચરાના ઢગ અને ગટરની દુર્ગંધ વચ્ચે થી પસાર થવું પડે છે. ત્યારે મંદિરના વિકાસની સાથોસાથ મંદિરને જોડતા દરેક રોડ-રસ્તાઓની સ્થિતિ સુધારવી જરૂરી બની છે.
જાહેર રસ્તાઓ પર ઉભરાતી ગટરોનું દુર્ગંધયુક્ત પાણી રજૂઆતો છતાં કોઈ અસર નહીં:અંબાજી ગ્રામ પંચાયતના વહીવટદાર અને વોર્ડ મેમ્બરોને અંબાજીના અગ્રણી વ્યક્તિઓ દ્વારા અનેકો વાર મૌખિક તેમજ લેખિતમાં રજૂઆતો કરવા છતાં તંત્રની ઊંઘ અને આળસ જાણે ઉડતી જ ના હોય તેમ તંત્ર દ્વારા બેદરકારી પૂર્વક વહીવટ ચલાવાઈ રહ્યો છે. ગામના મુખ્ય માર્ગો પર કચરા, ઢાંકણા વગરની ખુલ્લી ગટર લાઇનો અને ચોક અપને લીધે ઉભરાયેલ ગટરોમાંથી વહેતું દુર્ગંધયુક્ત પાણી ગામને મંદિર સુધી જોડતા માર્ગો પર વહેતું હોય છે. તેવામાં યાત્રિકો અને સ્થાનિક રહેવાસીઓ ને પસાર થવું પડે છે. ત્યારે સુંદર અને પવિત્ર યાત્રાધામનો વહીવટ કેવો સુઘડ છે તે બહાર થી અંબાજી આવતા માઈ ભક્તો અને યાત્રિકોની નજરે ચડતા અંબાજી ગામની છાપ લઈને પાછા ફરે છે, તે વિશે ના તો તંત્ર સજાગ છે કે ના રાજ્યમાંથી આવતા સરકારી સત્તાધીશો. ત્યારે ગામ લોકોની સમસ્યાઓની રજૂઆતનો ઉકેલ કરે તો કરે કોણ ?
જાહેર રસ્તાઓ પર ઉભરાતી ગટરોનું દુર્ગંધયુક્ત પાણી અંબાજી ગામની સ્થિતિ: ગામના દરેક વોર્ડ વિસ્તારમાં સારા રસ્તા, સ્ટ્રીટ લાઈટ, ગટર લાઈન વગેરે જેવી પ્રાથમિક જરૂરિયાતો હોય છે. ત્યારે અંબાજી ગામની હાલત નાના ગામડા કરતા પણ બદતર બની ગઈ છે. આશરે ૨૦ હજાર ઉપરાંતની વસ્તી ધરાવતું અંબાજી ગામને ગ્રામ પંચાયતને બદલે નગરપાલિકાનો વહીવટ મળે તો ગામની સ્થિતિ બદલાઇ શકે તેમ છે. સરકાર દ્વારા અંબાજીના વિકાસ માટે હજારો કરોડના વિકાસ પ્રોજેક્ટ અપાયા છે. તેમ છતાં ગામમાં રોડ, ગટર, સ્વચ્છતા જેવી પાયાની પૂરતી વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે. ક્યાંક જે બાબતે યાત્રાધામ વિકાસ બોર્ડ અને સરકાર અંગત રસ લઈને કામગીરી કરે તો ગામની કાયા પલટ થઈ શકે તેમ છે.
અંબાજીની શેરીઓમાં ઠેર ઠેર ગંદકીના ઢગ ઠેર-ઠેર ગંદકીના ગંજ: અંબાજી ગામના ભાટવાસ, ઇન્દિરા કોલોની, ટેલિફોન એક્સચેન્જ, હોલી - ડે હોમ નીચે, ભવાની પેટ્રોલ પંપની પાછળ, ૮ નંબરના વિસ્તારની સ્થિતિ અનેક વર્ષો થી બિસ્માર બની છે. આ વિસ્તાર રહેણાક વિસ્તાર છે, તેમ છતાં અંહી તૂટેલા તો ક્યાંક કાચા રસ્તા, રોડ પર ગંદકી ના ઢગ અને પશુઓ, તૂટેલી અને દુર્ગંધ મારતી ખુલ્લી ગટરો અને તેમાંથી વહેતું દુર્ગંધયુક્ત પાણી અહીંના વોર્ડ મેમ્બર કે ગ્રામ પંચાયત ના સત્તા વાળાઓ ને કઈ દેખાતું જ ના હોય તેમ ફક્ત કાગળ ઉપર રસ્તા,ગટર બતાવી સરકાર દ્વારા ફાળવાતી ગ્રાન્ટ નો ઉપયોગ ક્યાં કેવી રીતે થઇ રહ્યો છે.તેનો કોઈ તાગ મળતો નથી.
વિકાસ કામગીરી ફક્ત કાગળ પર: સરકાર દ્વારા વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ગામના વિકાસ માટે ફાળવાય છે. ત્યારે સરકારી રૂપિયા વડે શું વિકાસ કામગીરી થઇ રહી છે ? ગામની પ્રત્યક્ષ દશા જોઈને કોઈપણ અંદાજો લગાવી શકે છે. ગામની અંદર આવેલ વોર્ડ વિસ્તારોના રસ્તાઓ, ખુલ્લી ઉભરાતી ગટરો, રસ્તા પર કચરાના ઢગ અને રસ્તે રખડતા ઢોર વિકાસના કાર્યોની ચાડી ખાય છે. ત્યારે સત્તાધીશો દ્વારા વિકાસના નામે આવતા કરોડો રૂપિયા ક્યાં કોણ ચાઉ કરી ગયું તેવા પ્રશ્નો લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.
''યાત્રાધામ અંબાજી ગ્રામ પંચાયતમાં વહીવટદાર તરીકેનું શાસન ચાલે છે, ચૂંટણી ન થવાના કારણે છેલ્લા બે વર્ષથી વહીવટદાર શાસન ચાલે છે, લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર એટલે અંબાજીમાં લાખો લોકોમાં અંબાના દર્શન માટે અંબાજી પધારતા હોય છે. ત્યારે વારંવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વચ્છતાની વાતો કરે છે તેના માટે ઘણાં બધા કાર્યક્રમો આપવા છતાં આ મુંગી બહેરી અંબાજી ગ્રામ પંચાયત ક્યારેય સફાઈના કામ કાજમાં ધ્યાન નથી આપતી. અંબાજીનાં મોટાં ભાગનાં ઇલાકા કે જે એરિયાઓ છે. આજ સુધી સકાઇથી ખુલ્લી ગટરો પડી છે. ઠેર ઠેર ગંદકી અને ઝુપડપટ્ટી જેવા વિસ્તારમાં આજ સુધી પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી. અંબાજી ગ્રામ પંચાયતનો વહીવટ ખાડે ગયેલો છે. પોતે લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં ઠેર ઠેર ગંદકી છે. સફાઈના ટેન્ડર આપવામાં આવે છે ખાલી મંદિર પૂરતા જ હોય છે. હાઇવે ઇન્ટરનેટ એરીયા જે અંબાજી વિસ્તાર છે ત્યાં સફાઈ થતી જ નથી''. દેવેન્દ્રભાઈ વ્યાસ, પૂર્વ સભ્ય, અંબાજી ગ્રામ પંચાયત
''ગ્રામ પંચાયતના વહીવટદાર સાથે ટેલીફોનિક વાત કરતા એમને જણાવ્યું કે, 'અમે આ ગંદકીનો નિકાલ કાયમી ધોરણે લાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ, જ્યાં જ્યાં પણ રસ્તા તૂટેલા હશે તેને સમારકામ કરવાની કામગીરી ટૂંક સમયમાં કામગીરી હાથ ધરવામાં આવશે. જ્યાં પણ ગટરો- નાળા ખુલ્લા છે તે ઢાંકવાની પણ કામગીરી હાથ ધરવામાં આવશે'' - વહીવટદાર, અંબાજી ગ્રામ પંચાયત
- Patan: રાધનપુરની સર્વોદય હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 7 દર્દીઓને ઇન્ફેક્શન થતાં ખળભળાટ
- New MSME rules : એમએસએમઇના નવા નિયમોની અસર, સુરતના કાપડ વેપારીઓ મંજીરા લઈ રામધૂન કરવા મજબૂર