ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરનો 'પંકજ' પાકિસ્તાનની 'રિયા'ને આપતો આવી માહિતી..! ગુજરાત ATS સામે થયા ચોંકાવનારા ઘટસ્ફોટ - ESPIONAGE CASE GUJARAT ATS

પાકિસ્તાનિ રિયા સાથે ચેટિંગમાં મોકલી સંવેદનશીલ માહિતી, એકાઉન્ટમાં રૂપિયા પણ મળ્યાનો ઘટસ્ફોટ થતા ATSની કાર્યવાહી...- espionage case Gujarat ATS

ગુજરાત ATS એ જાસૂસી મામલે શખ્સને ઝડપ્યો
ગુજરાત ATS એ જાસૂસી મામલે શખ્સને ઝડપ્યો (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 26, 2024, 7:31 PM IST

અમદાવાદઃ ગુજરાત ATS દ્વારા જાસૂસી કરવાના મામલામાં પોરબંદરથી એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સ પોરબંદરથી પાકિસ્તાન ગુપ્ત માહિતી આપતો હતો. તે મોબાઈલથી પાકિસ્તાની મહિલાને માહિતીઓ પહોંચાડતો હતો. ગુજરાત ATSની પુછપરછમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે.

ગુજરાત ATS દ્વારા પોરબંદરથી પંકજ કોટીયા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સ તમાકુની ફેક્ટરીમાં કામ કરતો હતો. તે છેલ્લા આઠ મહિનાથી પાકિસ્તાનની કોઈ મહિલા સાથે સંપર્કમાં હતો. તેણે આ મહિલાને ઘણી ગુપ્ત વિગતો પહોંચાડી હતી. અહીં સુધી કે તેણે જાસૂસી કરીને કોસ્ટ ગાર્ડની વિગતો પણ સીમા પાર એક મહિલાને પહોંચાડી હોવાના આરોપ છે.

માહિતી મળતા પોલીસ અધિકારીઓએ શું કર્યું? ગુજરાત ATSના પીએસઆઈ આર આર ગરચરને માહિતી મળી હતી કે પોરંબદરના કે કે નગર ખાતે રહેતો પંકજ દિનેશભાઈ કોટીયા છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના કોઈ અધિકારી કે એજન્ટના સંપર્કમાં છે. તેમને વિગતો મળી હતી કે તેણે ભારતીય કોસ્ટગાર્ડની બોટ્સ અંગેની સંવેદનશીલ માહિતી મોબાઈલથી સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ થકી પાકિસ્તાન પહોંચાડી હતી.

તેમણે આ મામલે પોતાના સિનિયર અધિકારીઓ સાથે વાત કરી અને તેમની સૂચના પ્રમાણે નાયબ પોલીસ અધિક્ષક વી કે પરમાર દ્વારા અપાયેલા માર્ગદર્શન સાથે પંકજની પુછપરછ કરવામાં આવી હતી. તે દરમિયાન તેણે કહ્યું કે છેલ્લા એકાદ વર્ષથી પોરબંદર જેટી પર કોસ્ટગાર્ડની શીપ પર વેલ્ડીંગ અને અન્ય મજુરી કામ અને હેલ્પર તરીકે તે કામ કરવા જાય છે. આઠેક મહિના પહેલા તે ફેસબુક પર એક રિયા નામની મહિલાના સંપર્કમાં આવ્યો હતો.

આવી ગુપ્ત માહિતી શેર કર્યાના આરોપઃ તેણે પુછપરછ દરમિયાન કહ્યું કે, આ રિયા મુંબઈની હોવાનું કહેતી હતી. અને તે હવે પાકિસાની નેવી માટે કામ કરતી હોવાનું કહેતી હતી. તે પછી તેઓ વ્હોટ્સ એપ પર વાત કરવા લાગ્યા. તેણીએ તેનો સંપર્ક કરીને રૂપિયાની લાલચ આપી પોરબંદર જેટી પર હાજર હોય તેવા શીપના નામ, કોસ્ટ ગાર્ડના શીપ લોકેશન વગેરે માહિતી માગી હતી. જે પ્રમાણે આ પંકજે માહિતી આપી હતી.

એકાઉન્ટમાં રૂપિયા મોકલતી હતી રિયાઃ તેણે પુછપરછમાં એવું પણ કહ્યું કે, આ બધી માહિતીઓ આપવાની સામે અત્યાર સુધી રિયા નામની મહિલાએ ટુકડે ટુકડે તેને અલગ અલગ યુપીઆઈથી 26,000 રૂપિયા પણ તેના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. પોલીસે આ માહિતીનું તથ્ય તપાસવાનું નક્કી કર્યું અને એટીએસના પીએસઆઈ ગરચર અને વાયરલેસ પીએસઆઈ ભૌમિક પટેલે તપાસ આરંભતા આ બાબતમાં તથ્ય હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેની સોશ્યલ મીડિયા ચેટ પાકિસ્તાનથી જ ઓપરેટ થતી હોવાનું મેળવ્યું. જેથી પોલીસે દેશની રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરિક સલામતીને જોખમ જોતા કલમ 61 અને 148 ભારતીય દંડ સંહિતા મુજબ તેની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  1. ફેન્સી ફટાકડાની ધૂમ પણ ઘરાકી ગૂમ, કેવો છે અમદાવાદની ફટાકડા બજારનો માહોલ ?
  2. વડોદરામાં PM મોદી સ્પેનના PMની કરશે મહેમાનગતિ, રીંગણ-વટાણાની શબ્જી સહિત શું હશે જમવામાં? જાણો

ABOUT THE AUTHOR

...view details