અમદાવાદ: મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ ૧૮ એપ્રિલે 'વિશ્વ વિરાસત દિન નિમિત્તે' અમદાવાદના ભદ્ર કિલ્લા ખાતે 'ઈલેક્ટોરલ હિસ્ટ્રી ઓફ ગુજરાત'ની થીમ પર આયોજીત એક દિવસીય પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી પી.ડી. પલસાણા, જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી પ્રવિણા ડી.કે. તેમજ નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી સી. એમ. ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.
પી. ભારતીએ 'ઈલેક્ટોરલ હિસ્ટ્રી ઓફ ગુજરાત'ની થીમ પર આયોજીત પ્રદર્શનને ખુલ્લું મૂક્યું ચૂંટણીગાથાની તસવીરોનું પ્રદર્શન : ભારતમાં ચૂંટણીનું મહાપર્વ ચાલી રહ્યું છે ત્યારે વિશ્વ વિરાસત દિન નિમિત્તે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના ઐતિહાસિક ભદ્ર કિલ્લા ખાતે મતદાન જાગૃત્તિ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતની ચૂંટણીગાથાને રજૂ કરતી તસવીરોનું અનોખું પ્રદર્શન આયોજીત કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં પ્રથમ ચૂંટણીથી લઇને સાંપ્રત ઇલેક્શન સુધીની; ફોટોગ્રાફર સુખદેવ ભચેચ અને કલ્પેશ ભચેચ દ્વારા કંડરવામાં આવેલી તસવીરોને પ્રદર્શિત કરવામાં આવી હતી. સાથો સાથ વર્ષ ૧૮૮૫માં પ્રથમ વખત ૧૫મી ઓગસ્ટે ચૂંટણી થઇ હતી અને અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન મતદાતાઓએ મતદાનનો પ્રયોગ કર્યો હતો તેનો ઇતિહાસ પણ આ પ્રદર્શનમાં દર્શાવવામાં આવ્યો હતો.
દસ્તાવેજી ઇતિહાસ રજૂ કરાયો: ૧૯મી સદીમાં મતદારોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા કેવા પ્રકારના જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવતા હતા તેની પણ ઝલક આ પ્રદર્શનમાં જોવા મળી હતી. આ ઉપરાંત, ૧૯૫૨ની પ્રથમ લોકસભાની ચૂંટણીમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા કેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા તેનો દસ્તાવેજી ઇતિહાસ પણ આ પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.આ પ્રદર્શનનું આયોજન મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ગાંધીનગર, અમદાવાદ કલેક્ટર કચેરી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ આર્કિયોલોજીકલ સરવે ઓફ ઇન્ડિયાના સહયોગથી કરવામાં આવ્યું છે. જ્યારે આ સમગ્ર પ્રદર્શનનું કો-ઓર્ડિનેશન હિસ્ટોરિયન ડૉ. રિઝવાન કાદરી દ્વારા કરવામાં આવ્યું હતું.
સમીક્ષા બેઠક યોજાઈ: ચૂંટણી દરમિયાન મતદારોને પ્રભાવિત કરવાના ઉદ્દેશથી થતી પ્રતિબંધિત વસ્તુઓ અને નાણાંની હેરફેર અટકાવવા કાર્યરત વિવિધ એજન્સીના અધિકારીઓ સાથે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. અમદાવાદ એરપોર્ટ ખાતે યોજાયેલી આ બેઠક બાદ મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તેમજ ચાર્ટર્ડ પ્લેનના આગમન (Arrival) અને પ્રસ્થાન (Departure) સ્થળનું જાત નિરીક્ષણ પણ કર્યું હતું.
માર્ગદર્શિકાઓ પ્રસિદ્ધ કરાઇ: મુક્ત, ન્યાયી અને પ્રલોભનમુક્ત ચૂંટણીઓ યોજવા પ્રતિબદ્ધ ભારતના ચૂંટણી પંચ દ્વારા સૂચનાઓ તથા માર્ગદર્શિકાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે. મતદારોને પ્રભાવિત કરવાના ઉદ્દેશથી થતી નાણાં, કિંમતી ધાતુઓ અને નશાકારક પદાર્થો સહિતની પ્રતિબંધિત વસ્તુઓની હવાઈ માર્ગે હેરફેર અટકાવવા અને નિયંત્રિત કરવા CISF, ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયા, બ્યુરો ઑફ સિવિલ ઍવિએશન, કસ્ટમ અને ઈન્કમટેક્ષ વિભાગ કાર્યરત છે. આ એજન્સીઓની કામગીરીની સમીક્ષા કરવા મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીના અધ્યક્ષસ્થાને અમદાવાદ એરપોર્ટના ગુજસેલ ખાતે બેઠક યોજાઈ હતી. આ દરમિયાન તેમણે એરપોર્ટ ઈન્ટેલિજન્સ યુનિટની કામગીરીનું પણ નિરિક્ષણ કર્યું હતું.
મુખ્ય નિર્વાચન અધિકારીએ કર્યુ નિરીક્ષણ: અમદાવાદ એરપોર્ટ ખાતે કાર્યરત વિવિધ એજન્સીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીનું જાત નિરીક્ષણ કરવા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તેમજ ચાર્ટર્ડ પ્લેનના આગમન (Arrival) અને પ્રસ્થાન (Departure) સ્થળની મુલાકાત કરી હતી. તેમણે પ્રસ્થાન પૂર્વેનું સુરક્ષા ચેકીંગ તથા આગમન બાદના સુરક્ષા ચેકીંગ માટેની વ્યવસ્થાઓનું પણ નિરિક્ષણ કર્યું હતું. આ મુલાકાત વેળા અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્યા પણ ઉપસ્થિત રહ્યા હતા.
- લોકસભા ચૂંટણીને લઈને પૂર્વોત્તર રાજ્યોમાં ધુંઆધાર મતદાન, પ્રથમ તબક્કામાં 21 રાજ્યો સામેલ - Lok Sabha election 2024
- ભારતમાં આજે લોકસભા ચૂંટણી 2024 પહેલા ચરણનું મતદાન, ગૂગલ ડૂડલની નોંધ - Google Celebrates