વિનોદ ચાવડાએ લોકસભા ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંક્યું કચ્છ :લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. તમામ રાજકીય પક્ષો ઠેર-ઠેર કાર્યકર મિટિંગ અને લોકસંપર્ક યોજીને ચૂંટણીમાં જંગી મતની લીડ સાથે વિજયી બનવા રણનીતિ ઘડી રહી છે. કચ્છ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ પણ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. વિનોદ ચાવડાએ ઇસ્ટ દેવો અને વડીલોના આશીર્વાદ પણ મેળવ્યા હતા.
લોકસભા ચૂંટણી પ્રચાર : કચ્છમાં ત્રીજી ટર્મ માટે ફરી એકવાર કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડાને ટિકિટ મળતા કચ્છ મોરબીના ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્તમાન સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદ ચાવડા કચ્છના વિવિધ વિસ્તારોમાં પ્રજા સમક્ષ જઇને પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. ઉપરાંત જિલ્લામાં વિવિધ દેવાલયો અને ધાર્મિક સ્થાનોની મુલાકાત લઈને આશીર્વાદ પણ મેળવી રહ્યા છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિનોદ ચાવડા પ્રચાર પ્રસારના ભાગરૂપે પ્રજા સમક્ષ જઈ રહ્યા છે તથા લોકસંપર્ક કરી રહ્યા છે.
મંદિર-દેવસ્થાનોના દર્શન :ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, કચ્છમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર ચાલુ કરવામાં આવ્યો છે. વિવિધ વિસ્તારોમાં મંદિર સહિતના અનેક ધર્મસ્થાનોમાં દેવ દર્શનના કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે. આજે ભુજ સ્વામિનારાયણ મંદિર મણિનગર ગાદી સંસ્થાનના દર્શન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કાળો ડુંગર જઈને દત્તાત્રેય ભગવાનના દર્શન કરીને ખડીરથી માંડીને રાપર સુધીનો આજનો પ્રવાસ છે.
કચ્છની જનતાને અપીલ :વિનોદ ચાવડાએ વધુમાં જણાવ્યું કે, પ્રચાર-પ્રસાર દરમિયાન પ્રજા સમક્ષ જઈને જોવા મળ્યું કે મતદારો અને કચ્છની જનતામાં એક ઉત્સાહ અને આનંદ છે. ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીએ કચ્છની સેવા કરવાનો અવસર આપ્યો છે. હું કચ્છની જનતાને આહવાન કરું છું કે કચ્છના તમામ લોકો સાથે મળીને આવનારી લોકસભાની ચૂંટણીમાં ખૂબ ઉમંગ સાથે આ લોકશાહીના પર્વને ઉજવે. કચ્છની અને મોરબીની જનતાને અપીલ છે મતદાન કરે.
લાભાર્થી સંપર્ક અભિયાન :લોકસભા ચૂંટણી પ્રચાર અંગે માહિતી આપતા વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અનેક યોજનાઓ બની છે. જેમાં એક ઘરની અંદર એક વ્યક્તિને બે થી ચાર યોજનાઓનો લાભ મળ્યો છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી દ્વારા લાભાર્થી સંપર્ક અભિયાન પણ ચાલી રહ્યું છે. જેમાં અનેક કેન્દ્ર સરકારની યોજનાનો લાભ લાભાર્થીઓને મળી રહે છે એની પણ વાત કરવામાં આવી રહી છે.
ભાજપ ઉમેદવારનો દાવો :કચ્છના વિકાસ માટે છેલ્લા 10 વર્ષમાં કચ્છની અંદર રેલવે હોય કે રોડ રસ્તાનું કામ હોય, ટુરીઝમ હોય કે પછી એગ્રીકલ્ચર હોય અથવા ઉદ્યોગ હોય દરેક બાબતનો વિકાસ થયો છે. કચ્છમાં આવા નાના-મોટા અનેક વિકાસ કાર્યો થયા છે એ પણ પ્રજા વચ્ચે મૂકવામાં આવી રહ્યા છે. આવનાર સમયમાં જે વિકાસના કાર્યો કરવાના છે એ અંગે પણ લોકોને સંપૂર્ણપણે વિશ્વાસ અને ખાતરી આપવામાં આવી રહી છે.
- Lok Sabha 2024: કચ્છ લોકસભા બેઠક માટે કુલ 19,35,338 મતદારો, 2139 મતદાન મથકો પર કરશે મતદાન
- Kutch Loksabha Seat : કચ્છ લોકસભા બેઠક કોંગ્રેસ ઉમેદવાર નિતેશ લાલનની આશા કચ્છની જનતા આ વખતે કોંગ્રેસને જીતાડશે