કેરીના રસિકો માટે આ વર્ષ ફિક્કું રહેશે ! જૂનાગઢ :વાતાવરણની પ્રતિકૂળતા ફળના રાજા ગણાતા કેરીના આંબા પર સીધી અસર કરી રહી છે. નવેમ્બર મહિનામાં સામાન્ય રીતે આંબામાં મોર ફૂટવાની પ્રક્રિયા થતી હોય છે. પરંતુ આ વર્ષે બે મહિના બાદ આંબામાં મોર ફૂટવાની શરૂઆત થઈ છે. જે આગામી દિવસોમાં આગળ વધે તો કેરીનું ઉત્પાદન થશે, નહીંતર આ વર્ષે કેરીનું ઉત્પાદન ઘટવાને કારણે સ્વાદના રસિકો માટે કેરીની સીઝન નબળી રહે તેવું પૂર્વાનુમાન છે.
કેરીના રસિકો માટે માઠા સમાચાર :ફળોના રાજા કેરીનું આગમનને હવે બે ત્રણ મહિના બાદ થાય તેવી શક્યતા છે. પરંતુ આ વર્ષે વાતાવરણની પ્રતિકૂળતા અને ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે આંબામાં મોર ફૂટવાની પ્રક્રિયા બે મહિના પાછી ઠેલાતી જોવા મળી છે. સામાન્ય રીતે અનુકૂળ વાતાવરણની પરિસ્થિતિમાં આંબામાં મોર ફૂટવાની શરૂઆત નવેમ્બર મહિનાથી થતી હોય છે. પરંતુ આ વર્ષે વાતાવરણની પ્રતિકૂળતાના કારણે આંબામાં મોર ફૂટવાની પ્રક્રિયા જાન્યુઆરી માસ પૂર્ણ થવાના સમયે શરૂ થઈ છે. જેના કારણે આ વર્ષે કેરીની સિઝન પાછતરી રહેશે અને કેરીનું ઉત્પાદન પણ ઘટે તેવી શક્યતા છે.
વિપરીત વાતાવરણની માઠી અસર :આંબાના પાકને ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. વાતાવરણમાં થતો નાનો એવો વધારો કે ઘટાડો પણ આંબાને નુકસાન કરે છે. આંબામાં મોર ફૂટવાની સાથે તેમાં કેરીના બંધારણ માટે દિવસ અને રાત્રિનું તાપમાન પણ મહત્વનું બની રહે છે. આ વર્ષે દિવસના તાપમાનમાં ખૂબ જ વધારો જોવા મળે છે, જેના કારણે આંબામાં મોર ફૂટવાની સાથે કેરી બંધાવવાની પ્રક્રિયા ખૂબ જ પાછળ ચાલી રહી છે. આગામી દિવસોમાં વાતાવરણમાં કોઈ ચોક્કસ બદલાવ ન આવે તેના પરિણામ સ્વરૂપે આ વર્ષે 30 થી 40% જેટલું કેરીનું ઉત્પાદન થાય તેવી સંભાવના આજના દિવસે વ્યક્ત થઈ રહી છે.
ગીર પ્રખ્યાત કેરી :ગીરને કેરીનું હબ માનવામાં આવે છે. આ વિસ્તારમાં ફળ પાક તરીકે એક માત્ર કેરીનું ઉત્પાદન લેવામાં આવે છે. પરંતુ પાછલા કેટલાક વર્ષોથી વાતાવરણની જે પ્રતિકૂળતા સર્જાઈ રહી છે, તેના કારણે આંબામાં મોર ફૂટવાની સાથે કેરીનું બંધારણ અને યોગ્ય સમયે બજારમાં કેરી આવવાની પ્રક્રિયા ખોરંભે પડી રહી છે. જેના કારણે દર વર્ષે કેરીનું ઉત્પાદન અને તેની ગુણવત્તાની સાથે તેના ઉતારામાં અનઅપેક્ષિત અસરો જોવા મળી રહી છે.
- વાતાવરણમાં બદલાવને કારણે 75 ટકા કરતાં વધુ ગીરના આંબાવાડીયા ફ્લાવર રહિત
- પોરબંદરમાં કમોસમી કેસર કેરીનો રેકોર્ડ બ્રેક ભાવ 1551 રુપિયા, એક જ દિવસમાં ભાવ ડબલ