કચ્છ:જિલ્લામાં જૂન મહિનાના પ્રથમ અઠવાડિયાથી જ બિનવારસુ ડ્રગ્સ મળી આવવાનો સિલસિલો શરૂ થયો હતો.જેમાં સરહદી વિસ્તારમાં બીએસએફના જવાનો, જખૌ પોલીસ, જખૌ મરીન પોલીસ, જખૌ મરીન કમાન્ડો, માંડવી પોલીસ, માંડવી મરીન પોલીસ, સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ, ગુજરાત એટીએસ, સ્ટેટ આઇબી, નેવી ઇન્ટેલિજન્સ વગેરે જેવી સુરક્ષા એજન્સીઓ દ્વારા વિવિધ વિસ્તારમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં જખૌના દરિયાઈ વિસ્તારમાંથી બીએસએફના જવાનો દ્વારા 181 જેટલા ડ્રગ્સના પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે.
ગાંધીધામમાંથી 130 કરોડનું કોકેઇન: જુન મહિનાની શરૂઆતમાં જ ગુજરાત એટીએસ દ્વારા ગાંધીધામ તાલુકાના ખારીરોહર પાસેથી 130 કરોડની કિંમતના કોકેઇનના 13 પેકેટ ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં એટીએસ દ્વારા ગુનો પણ નોંધવામાં આવ્યો હતો, પણ કોઈ પણ આરોપી પકડાયા ન હતા. કંડલા પોર્ટ પર ઇરાન અફઘાનથી આવતા કન્ટેઇનર મારફતે આ ડ્રગ્સ ગાંધીધામ સુધી પહોંચ્યું હતું અને બાદમાં ખારીરોહર પાસેની ખાડીમાં છુપાવી દેવાયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.આવી જ રીતે અગાઉ સપ્ટેમ્બર 2023માં મીઠીરોહર પાછળ આવેલ દરિયાની ખાડીમાંથી 800 કરોડની કિંમતના 80 પેકેટ હેરોઇનના મળી આવ્યા હતા.
દરિયામાં વહેણ વધારે હોતા તણાઈ આવે છે ડ્રગ્સના પેકેટો: કચ્છના દરિયાઈ કાંઠેથી છેલ્લાં એક મહિનામાં સતત ચરસના પેકેટ મળતા આવ્યા છે. દરિયામાં ઇન્ટરનેશનલ મેરીટાઈમ બોર્ડર લાઇનથી પાણીનું વહેણ છેલ્લા કેટલાક સમયથી કચ્છના જખૌ અને સરહદી તાલુકા લખપત તરફ વહી રહ્યું છે. ત્યારે અબડાસાના જખૌ અને પિંગલેશ્વરના દરિયામાં વહેણ વધારે જોવા મળી રહ્યો છે. જેથી આ વિસ્તારમાં દરિયામાં ચરસના પૅકેટ તણાઈને કિનારા પર પહોંચી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચરસના પેકેટ મળતા હોવાથી જ કચ્છમાં અગાઉ 21 જેટલા માનવરહિત ટાપુઓ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો અને આવા નિર્જન ટાપુઓ પર સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે.
મોટા ભાગે ટાપુઓ પરથી મળે છે ડ્રગ્સ:કચ્છના ખાસ કરીને લુણા, શેખરણપીર, સિંધોડી, સૈયદ સુલેમાન પીર, સુથરી, શિયાળબારી ક્રિક સહિતના વિસ્તારમાં 10-10ની પેકિંગમાં મોટા કોથળામાં ડ્રગ્સના પેકેટ મળી આવતા હોય છે. કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી મળી આવતા બિનવારસુ ડ્રગ્સના પેકેટો સ્થાનિક પોલિસ સ્ટેશનમાં રાખવામાં આવેલ છે. જેથી જખૌ, જખૌ મરીન, કંડલા મરીન, નારાયણ સરોવર સહિતના સરહદી પોલિસ સ્ટેશનમાં અબજો રૂપિયાનું ડ્રગ્સ બિનવારસુ હાલતમાં જમા થયેલું પડ્યું છે.
આખરે કોણ છે ડ્રગ્સનો ડીલીવર, રીસીવર અને મિડલ મેન?કચ્છની દરિયાઇ સીમામાંથી ઝડપાતા ડ્રગ્સના પેકેટ કચ્છમાં કોણ રિસિવ કરે છે? અને ક્યાં સપ્લાય કરે છે? કે ક્યાં લઇ જાય છે? તેને લઇને સુરક્ષા એજન્સીઓને આજ દિવસ સુધી ખાસ કોઈ મોટી સફળતા મળી નથી. આથી આ ડ્રગ્સની હેરાફેરી કરનાર મિડલ મેન વિશે જો આગામી સમયમાં કોઇ માહિતી સામે આવે તો ઝડપાયેલા ડ્રગ્સના જથ્થા સામે ન પકડાયેલો જથ્થો કેટલો હશે તે પણ જાણી શકાશે. તમને જણાવી દઈએ કે, કચ્છમાં એમડી ડ્રગ્સ, કોકેઇન, હેરોઇન, એમફેટામાઈન અને ચરસ જેવા ડ્રગ્સ મળી આવતા હોય છે.
- ફોરેન પોસ્ટ ઓફિસમાથી ઝડપાયો 1.15 કરોડનો હાઇબ્રીડ ગાંજો - drags seized from Foreign Office
- "ડ્રગ્સના કાળા કારોબાર પર પોલીસ તંત્રની મીઠી નજર" લલિત વસોયાએ સરકાર પર કર્યા ગંભીર આક્ષેપ - Gujarat drug case