સોમનાથ: સોમનાથમાં રાજ્યની 11મી ચિંતન શિબિરનું આજે વિધિવત રીતે સમાપન થયું છે. ત્રણ દિવસ સુધી ચાલેલી આ શિબિરના આજે અંતિમ અને ત્રીજા દિવસે સવારના સમયે રાજ્યના મુખ્યમંત્રીની સાથે પ્રધાનમંડળના સભ્યો અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓએ સોમનાથ મંદિર ત્રિવેણી સંગમ ઘાટ ભાલકા તીર્થ અને ગૌલોક ધામના દર્શન કરીને ચિંતન શિબિરના અંતિમ દિવસની શરૂઆત કરી હતી.
ચિંતન શિબિરના અંતિમ દિવસની શરૂઆત દર્શનથી: સોમનાથમાં રાજ્યની 11મી ચિંતન શિબિર આજે વિધિવત રીતે સંપન્ન થઈ છે. તારીખ 21, 22 અને 23 નવેમ્બર ત્રણ દિવસ સુધી રાજ્યનું સમગ્ર પ્રધાનમંડળ, સનદી અધિકારીઓ, જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓએ ત્રણ દિવસ સુધી ચિંતન શિબિરમાં ભાગ લઈને રાજ્યના વિકાસ અને લોકોની સુખાકારી માટે ચિંતન અને મનન કર્યું હતું. પહેલા દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ચિંતન શિબિર શરૂ થતા પહેલા સોમનાથ મહાદેવના દરબારમાં હાજરી લગાવીને શિબિરની શરૂઆત કરાવી હતી, તો આજે અંતિમ દિવસે વહેલી સવારે ગુજરાત સરકારના તમામ પ્રધાનમંડળના સભ્યો અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓએ પૂજા અને દર્શન સાથે ત્રીજા દિવસને ચિંતન શિબિરની શરૂઆત કરી હતી.
અધિકારીઓ અને પ્રધાનો થયા ભક્તિમય: આજે ચિંતન શિબિરના અંતિમ દિવસે વહેલી સવારે રાજ્ય પ્રધાન મંડળના સભ્યો, મુખ્યમંત્રીની સાથે જગદીશ પંચાલ, કુબેર ડીંડોર, કુંવરજી બાવળીયા, બચુભાઈ ખાબડ, પ્રફુલ પાનસેરીયા, મુકેશ પટેલની સાથે તમામ મંત્રીમંડળના સદસ્યો અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓમાં જયંતિ રવિ, રાહુલ ગુપ્તા, વિનોદ રાવ, બંછાનીધિ પાની, એસ.પી.ગુપ્તા, અશ્વિની કુમાર, આરતી ચંદ્રા, રાજકુમાર બેનીવાલ, આરતી કંવર, મમતા વર્મા, ટી. નટરાજન, પી. ભારતી અને કે.કે. નિરાલા સોમનાથ મંદિરમાં મહાદેવની સોમેશ્વર પૂજા કરી હતી.
ઉપરાંત બલવંતસિંહ રાજપૂત દ્વારા કરવામાં આવેલા ધ્વજારોહણમાં પણ તમામ અધિકારીઓ અને રાજ્ય સરકારના પ્રધાનો જોડાયા હતા. આજે વહેલી સવારે રાજ્ય પ્રધાન મંડળના સભ્યો અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રથમ ત્રિવેણી સંગમ ઘાટ સાથે પર પૂજા વિધિ કરી હતી. ત્યારબાદ ગૌલોક ધામના દર્શન પણ કર્યા હતા. અહીંથી અધિકારીઓ ભાલકાતીર્થ ક્ષેત્ર કે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ તેમના પ્રાણ ત્યજ્યા હતા. તે મંદિરમાં પણ દર્શન કર્યા હતા અને અંતે સોમનાથ મહાદેવ મંદિરમાં સોમનાથ દાદા સમક્ષ સોમેશ્વર મહાપૂજામાં જોડાયા હતા.
આ પણ વાંચો: