ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છની પ્રકૃતિ સોળે કળાએ ખીલી : આશાપુરા ટેકરીએ લીલી ચાદર ઓઢી, જોઈને મોઢામાંથી નીકળી જશે વાહ.... - Kutch Ashapura Hill

કચ્છમાં વરસાદ બાદ અનેક પ્રવાસન સ્થળોએ પ્રકૃતિ ખીલી ઉઠી છે અને નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભુજ તાલુકામાં આવેલ ખાત્રોડ ડુંગર પર જાણે લીલી ચાદર છવાઈ હોય તેવું લાગી રહ્યું છે. ભુજના પ્રકૃતિપ્રેમીએ આ અદભુત દ્રશ્યને ડ્રોન કેમેરામાં કેદ કર્યું હતું.

આશાપુરા ટેકરી
આશાપુરા ટેકરી (ETV Bharat Reporter)

By ETV Bharat Gujarati Team

Published : Jul 20, 2024, 12:22 PM IST

કચ્છ :ચોમાસાની શરૂઆત સાથે જ કુદરત પોતાના નયનરમ્ય રંગ વીખેરે છે. કચ્છના વિવિધ ડુંગર પ્રવાસીઓ માટે ચોમાસાની ઋતુમાં આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. ત્યારે ભુજના પ્રકૃતિ પ્રેમી અભિષેક ગુસાઈએ ખાત્રોડ ડુંગર કે જે આશાપુરા ટેકરી તરીકે પણ ઓળખાય છે, તેનો અદભુત નજારો પોતાના ડ્રોનમાં કેદ કર્યો છે.

આશાપુરા ટેકરીએ લીલી ચાદર ઓઢી, જુઓ આકાશી દ્રશ્યો (ETV Bharat Reporter)

ખાત્રોડ ડુંગરનો અદ્ભુત નજારો :ભુજ-અંજાર હાઇવે પર કુકમા ગામ આવેલું છે, જે જિલ્લામથક ભૂજથી 18 કિલોમીટર દૂર છે. જ્યાં મોમાઈ માતાજી, આશાપુરા માં અને રવેચી માંનું મંદિર છે. ચોમાસામાં વરસાદ બાદ કુકમામાં પૂર્વ દક્ષિણે હરિયાળીથી ભરપુર ડુંગરોની ગિરિમાળા જોવા મળે છે, જેને ખાત્રોડ ડુંગર કહેવામાં આવે છે. આ ડુંગર કચ્છમાં આવેલા ડુંગરો પૈકી બીજા નંબરનો સૌથી ઊંચો ડુંગર છે. ચોમાસાની ઋતુમાં અહીંનો નજારો અદભુત હોય છે. આ જગ્યાએ પહોંચવા માટે બે રસ્તા છે, જેમાં વાહનો માટે રસ્તો અને બીજી બાજુ પગપાળા જવા માટે પગથિયા પણ બનાવવામાં આવ્યા છે.

ખાત્રોડે લીલી ચાદર ઓઢી:સામાન્ય રીતે ડુંગર પથ્થરો, કાંટા કે જંગલી વનસ્પતિ અને જંગલી પ્રાણીઓ માટે જ ઓળખતા હોય છે. પરંતુ કચ્છમાં વરસાદ બાદ વેરાન ડુંગરો પણ હરિયાળા થયા છે. હાલમાં જ વરસેલા સારા વરસાદ બાદ કચ્છના ખાત્રોડ ડુંગરની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. વરસાદ બાદ ડુંગર પર ઠેરઠેર ઊગી નીકળેલ લીલપ ડુંગર પર કુદરતી લીલી ચાદર ઓઢાડ્યા જેવી લાગી રહી છે.

ખાત્રોડ ડુંગરનો અદ્ભુત નજારો (ETV Bharat Reporter)

390 મીટર ઊંચે સ્વયંભૂ શિવલિંગ:ઉલ્લેખનીય છે કે, આ ડુંગર ફોલ્ટલાઇનથી સર્જાયેલો છે. ખાત્રોડ ડુંગરની ઊંચાઈ અંદાજિત 390 મીટર જેટલી છે. પહેલા અહીં માત્ર નાનકડું મંદિર હતું અને ત્યાં અંદાજે 550 જેટલા પગથિયાં ચડીને જવું પડતું હતું. ડુંગરની ટોચ પર આવેલા મંદિરની આથમણી બાજુ ઉપર એક સ્વયંભૂ શિવલિંગ પણ મળી આવતા તેની પણ સ્થાપના કરવામાં આવી હતી.

રાજાશાહી વખતનું મંદિર:ઉલ્લેખનીય છે કે, આ મંદિરના નવનિર્માણના ખાતમુહૂર્ત સમયે પ્રસાદીમાં મુકેલા નારિયેળ અને ફળ પૂજા સંપન્ન થયા બાદ તેમાં તરત જ તિરાડ પડી હતી. એટલે માં આશાપુરાએ મંજૂરી આપી દીધી એમ માનીને નવનિર્માણનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જૂનું મંદિર રાજાશાહી વખતનું હતું અને અહીં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટે છે.

ખાત્રોડે લીલી ચાદર ઓઢી (ETV Bharat Reporter)

આશાપુરા ટેકરીનો આકાશી નજારો :

પ્રવાસી અભિષેક ગુસાઈએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે વરસાદ બાદ લોકો ફરવાનું વધારે પસંદ કરતા હોય છે. ત્યારે હિલ સ્ટેશન જેવી જગ્યા મળી જતી હોય છે, જેનો અલગ જ અનુભવ મળતો હોય છે. કચ્છના ખાત્રોડ ડુંગર કે જે આશાપુરા ટેકરીથી પણ ઓળખાય છે, જેની ટોચ પર આશાપુરા માતાજીનું મંદિર છે.

અમે વરસાદ બાદ અહીં મુલાકાત લીધી, ત્યારે ડ્રોનથી અદભુત નજારો જોવા મળ્યો હતો. જાણે કે કુદરતે લીલી ચાદર ઓઢી હોય. અહીં છેલ્લે સુધી વાહન જઈ શકે તેવો રસ્તો બનાવવામાં આવ્યો છે, પરંતુ તે રસ્તા જોખમી છે. સાવચેતીપૂર્વક આ રસ્તા પર વાહન ચલાવવું જરૂરી છે.

આ ઉપરાંત લોકો કુદરતના ખોળે પ્રકૃતિને માણવા જતા હોય છે, ત્યારે ફૂડ પેકેટ્સનો કચરો ત્યાં ફેંકતા હોય છે. તેવું ના કરવું જોઈએ અને ખાસ કરીને પ્રકૃતિના ખોળે જતા હોઈએ ત્યારે ત્યાં કોઈ પણ જાતનું નુકસાન ન કરવું જોઈએ.

  1. કચ્છ જીલ્લામાં અસહ્ય ઉકળાટ, માત્ર 34 ટકા જેટલો જ વરસાદ નોંધાયો...
  2. કચ્છી નવું વર્ષ એટલે કે અષાઢી બીજ, જાણો શું છે ઈતિહાસ અને મહત્વ...

ABOUT THE AUTHOR

...view details