આદિવાસીઓમાં સિકલસેલ રોગની 45 વર્ષથી સારવાર કરી રહ્યા છે વલસાડઃ ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મશ્રી પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાંથી ડૉ. યઝદી ઈટાલિયાને સારવાર ક્ષેત્રે પદ્મશ્રી અવોર્ડ મળ્યો છે. ડૉ. યઝદીએ આદિવાસી વિસ્તારોમાં જોવા મળતા પ્રમુખ રોગ સિકલસેલ એનિમીયામાં બહુ નોંધનીય અને પ્રશંસનીય કામગીરી કરી છે. તેમણે સતત 45 વર્ષથી આ રોગને આદિવાસી સમુદાયમાંથી દૂર કરવા અથાગ પરિશ્રમ કર્યો છે. તેમના સંઘર્ષને માન આપીને ભારત સરકારે તેમની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરી છે.
કોણ છે ડૉ. યઝદી ઈટાલિયા?: ડૉ. યઝદી ઈટાલિયા માઈક્રોબાયોલિસ્ટ છે અને છેલ્લા 45 વર્ષોથી સિકલસેલ એનિમીયા જાગૃતિ અને નિયંત્રણ અંગે વિશેષ કાર્યક્રમ અંતરિયાળ વિસ્તારમાં ચલાવી રહ્યા છે. તેઓ વલસાડ રકતદાન કેન્દ્રના સ્થાપક સભ્ય અને ગુજરાત સિકલસેલ એનિમીયા નિયંત્રણ કાર્યક્રમના પ્રણેતા છે. વલસાડમાં તેમણે અત્યાર સુધીમાં 95 લાખ જેટલા આદિવાસીઓનું સ્ક્રીનિંગ કરી 7.2 લાખ જેટલા સિકલસેલના કેસ શોધી કાઢ્યા છે. તેમણે કલર કોડના આધારે કાઉન્સલિંગ કરી સારવાર પણ કરી છે. મીઠી બોલી માટે જાણીતા પારસી સમુદાયમાંથી ડૉ. યઝદી બિલોન્ગ કરે છે. તેઓ સ્વભાવે વિનોદી પણ પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠાવાન છે. અગાઉ ગુજરાત સરકાર અનેકવાર ડૉ. યઝદીના કાર્યપ્રદાન બદલ તેમનું સન્માન કરી ચૂકી છે. હવે ભારત સરકારે તેમણે પદ્મશ્રી માટે નોમિનેટ કરતા સમગ્ર પંથક જ નહિ પરંતુ ગુજરાતમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ છે.
45 વર્ષનો સંઘર્ષઃ 1978થી ડૉ. યઝદી સતત સિકલસેલ એનિમીયા રોગની સારવાર પર કામ કરતા રહ્યા છે. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં સિકલસેલ એનિમીયા રાજરોગ ગણાય છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ધોડિયા પટેલ સમુદાયમાં સિકલ સેલ એનિમીયાનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ રોગ પર દર્દીઓનું કાઉન્સેલિંગ થાય તે બહુ જરુરી હતું. તેથી તેમને આ રોગને ડામવા તેમજ તેના નિરાકરણ માટે અલગ અલગ સંસ્થાઓ સાથે મળી કામ કર્યું છે. તેઓ આજે પણ આ રોગને ડામવા સતત પ્રયત્નશીલ છે. વલસાડ રક્તદાન કેન્દ્ર સાથે પણ તેઓ સંકળાયેલા છે. તેમની ટીમ સાથે સતત તેઓ સિકલસેલ એનિમીયાને લગતા પ્રોજેક્ટ પર કામ કરતા રહ્યા છે. માતા-પિતાના રંગસૂત્રોને લીધે બાળકોમાં આ રોગ વારસાગત ફેલાય છે. આ જાગૃતિ ફેલાય તે માટે તેમણે આદિવાસી વિસ્તારોમાં ખૂબ પરિશ્રમ કર્યો છે. લગ્ન પહેલા જેમ કુંડળી મેળવવામાં આવે તેમ યુવક અને યુવતીના બ્લડ રિપોર્ટ પણ કરાવવામાં આવે તેવી જાગૃતિ તેમણે આદિવાસીઓમાં ફેલાવી છે. આજે તેમની પાસે 2 લાખ કરતાં પણ વધુ આદિવાસીઓના ડેટા ઉપલબ્ધ છે.
પદ્મશ્રી એવોર્ડ માટે મારી પસંદગી થઈ તે ખુશીની વાત છે. જો કે આ સિદ્ધિનો શ્રેય મારી સમગ્ર ટીમ અને આદિવાસી સમુદાયને ફાળે જાય છે. વડા પ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે સિકલસેલ રોગની જાગૃતિ માટેના કાર્યક્રમોમાં તેમણે પ્રોત્સાહન અને સહયોગ આપ્યો હતો. આજે તે વડા પ્રધાન છે ત્યારે કેન્દ્રના સ્તરેથી આ રોગ વિષયક જાગૃતિના કાર્યક્રમો અને અભિયાન ચાલી રહ્યા છે...ડૉ. યઝદી ઈટાલિયા(પદ્મશ્રી માટે નોમિનેટેડ, વલસાડ)
- Padma Shri Award: પદ્મશ્રી મળવા પર હાસ્ય કલાકાર ડો.જગદીશ ત્રિવેદી પર શુભેચ્છાનો વરસાદ
- Valsad News: 31મુ આદિવાસી સાંસ્કૃતિક એક્તા મહાસંમેલન યોજાયું, 9 રાજ્યોના આદિવાસીઓ જોડાયા