ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સરકારના વર્ગ 4ના કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કર્મચારીઓને રૂ.7000ની મર્યાદામાં રાજ્ય સરકાર દ્વારા બોનસ ચુકવવામાં આવશે. સરકારે જાહેરાત કરતા કહ્યું છે કે આનાથી અંદાજીત વર્ગ 4ના 17700 થી વધારે કર્મચારીઓને લાભ થશે.
હાલમાં જ ગુજરાત સરકારે કર્યો હતો આ નિર્ણય
આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. જેમાં લોકો દ્વારા પરિવાર સાથે ખરીદી અને તહેવારની ઉજવણીઓ કરવામાં આવતી હોય છે. વર્ષોથી આપણે ત્યાં દિવાળીમાં બોનસ આપવાની એક પ્રથા ચાલી રહી છે. જેમાં મોટાભાગે કર્મચારીઓને વિવિધ પ્રકારની ભેટ અને બોનસની જાહેરાતો કરવામાં આવતી હોય છે. ગુજારત સરકાર દ્વારા પણ હાલમાં જ રાજ્ય સરકારના કર્મચારીઓ, નિવૃત્ત પેન્શનર્સ આગામી દિવાળીના તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસથી કરી શકે તે માટે તેમના પગાર અને પેન્શનની ચુકવણી એડવાન્સમાં કરવાનો નિર્ણય કર્યો છે. આ વર્ષે દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને કર્મચારીઓને મળતા માસિક પગાર તેમજ પેન્શનર્સને પેન્શનની રકમની ચુકવણી એડવાન્સમાં કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે નાણાં વિભાગને આપેલા દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકારના કર્મચારીઓ, પેન્શનર્સને ઓક્ટોબર માસની 23 થી 25 તારીખ દરમિયાન આ મહિનાના પગાર અને પેન્શનનું એડવાન્સ ચુકવણું કરવામાં આવશે.
ગત વર્ષથી વર્ગ 4ના કર્મચારીઓનું બોનસ એટલું જ, સંખ્યા ઘટી
રાજ્ય સરકારના વિભાગ દ્વારા 7 હજાર રૂપિયા સુધીના બોનસની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સરકારે જણાવ્યા પ્રમાણે 17700 જેટલા કર્મચારીઓને લાભ થશે. ઉલ્લેખનીય છે કે આવી જ જાહેરાત ગત વર્ષ 2023માં કરવામાં આવી હતી ત્યારે પણ 7 હજાર સુધીનું બોનસ જાહેર કરવામાં આવ્યું હતું. ફરક એટલો પડ્યો છે કે ગત વર્ષે આ બોનસનો લાભ 21000 જેટલા કર્મચારીઓને થશે તેવી જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. જ્યારે આ વર્ષે કર્મચારીઓની સંખ્યા ઘણી ઘટી છે તેવું આ આંકડાઓને જોતા અંદાજ લગાવી શકાય છે. ગત વર્ષે નાણા પ્રધાન કનુ દેસાઈ દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. એટલે કે સરકારે બોનસની રકમ ભલે તેટલી જ રાખી હોય પરંતુ કર્મચારીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વખતે પણ મુખ્યમંત્રી દ્વારા રાજ્ય સરકારના નાણા વિભાગને આ અંગે જરૂરી આદેશો આપ્યા છે.
- Ecozoneના વિરોધમાં મેંદરડામાં યોજાયું ખેડૂત સંમેલન: દિવાળીના તહેવારોમાં ઇકોઝોનના પૂતળાનું દહન કરશે
- ખેડૂતોની મહેનત પર પાણી ફર્યું, અમરેલી જિલ્લામાં વરસાદથી ખેતીપાકોને વ્યાપક નુકસાન