કચ્છઃ કચ્છના વેકરીયા રણમાં યોજાયેલી અશ્વ હરીફાઈને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રણમાં દોડતા ઘોડાઓએ પણ લોકોનું મન મોહી લીધું હતું. ભુજ અશ્વ પાલક ગ્રુપ દ્વારા આ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં કુલ છ હરીફાઈમાં અંદાજીત 150થી વધુ ઘોડેસવારોએ ભાગ લીધો હતો જેમાં મહારાષ્ટ્રનો ઘોડો મોટી રેવાલ રેસ જીતી ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો. જોકે આ ઘોડાની જીત સાથે તેની ડાયટની પણ ચર્ચાઓ શરૂ થઈ છે. તો આવો જાણીએ ઘોડા પાછળ મહિને દોઢ લાખ કેવી રીતે વપરાય છે.
40 KMની સ્પીડમાં ભાગ્યો આ ઘોડોઃ ઉલ્લેખનીય છે કે કચ્છી સિંધી ઘોડાને માન્યતા મળ્યા પછી ભારતના અન્ય રાજ્યોથી લોકો અહીં રેસમાં ભાગ લેવા આવે છે. ગુજરાતમાં ઘોડેસવારો અને અશ્વપાલકો દ્વારા હરીફાઈમાં ભાગ લેવાય છે. જેમાં મોટી રેવાલ જીતનાર મહારાષ્ટ્રના ખાગરિયા (khagaria) નસલના 'અલ સકબ' નામના ઘોડાએ મોટી રેવાલ રેસ જીતી રેસમાં મેદાન માર્યું હતું. મોટી રેવાલ કેટેગરીમાં આ ઘોડો પ્રથમ આવ્યો હતો અને તે 40 કિલોમીટરથી વધુ ઝડપે દોડ્યો હતો. ઇનામમાં ઘોડેસવારને બાઈક મળી હતી. પોતાનો ઘોડો હરીફાઈ જીતતા માલિકે નોટોના બંડલ પણ હવામાં ઉછાળ્યા હતા.
ઘોડા પાછળ મહિને 1.5 લાખ જેટલો ખર્ચ: AR સ્ટડ ફાર્મ ગ્રુપના ઘોડેસવાર આફતાબ પઠાણે માહિતી આપતા જણાવ્યું હતું કે, AR સ્ટડ ફાર્મ પાસે કુલ 10 ઘોડા છે જે પૈકી 'અલ સકબ' પણ છે. આઅ ઘોડો ખાગરિયા (Khagaria) નસલનો ઘોડો છે તેની ઉંમર 5 વર્ષની છે. તેની ઊંચાઈ 61 ઇંચની છે. તે દરરોજ રેવાલ ચાલની પ્રેક્ટિસ પણ કરે છે અને દરરોજનું 2000 રૂપિયાનું ડાયટ ફોલો કરે છે. આ ડાયટમાં ડ્રાયફ્રુટસ પણ હોય છે. આ ઘોડાની દેખરેખ 4 લોકો કરે છે જેનો મહિનાનો પગાર 15000 થી 20000 છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ ઘોડો અગાઉ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને બિહારમાં યોજાયેલી ઘોડા દોડમાં ચેમ્પિયન થઈ ચૂક્યો છે. આમ દરરોજના 2 હજાર લેખે મહિને 60 હજારની ડાયટ અને ઉપરથી સાર સંભાળ માટે 4 માણસો કે જે 20 હજાર સુધીનો પગાર લે છે. આમ કુલ મળી અંદાજે લાખથી દોઢ લાખ રૂપિયાનો ખર્ચ આ ઘોડા પાછળ કરવામાં આવી રહ્યો છે.
માન્યતા પ્રાપ્ત 7 નસલમાં કચ્છી સિંધી ઘોડોઃ સામાન્ય રીતે રણમાં ઊંટ જ ચાલતા હોય છે તેવું સાંભળ્યું હશે પરંતુ કચ્છના વેકરીયાના રણમાં ઘોડા દોડ યોજાઈ હતી. પરિણામે ભારતભરમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં ઘોડા હરીફાઈમાં જોડાયા હતા. ભારતમાં ઘોડાની માન્યતા પ્રાપ્ત હોય એવી 7 નસલ છે. જેમાં 7મી નસલ તરીકે માન્યતા પ્રાપ્ત કરનાર કચ્છી સિંધી ઘોડાની નસલ છે. આ ઘોડાઓ અલગ અલગ રાજ્યમાં જઈ અને ત્યાં ટ્રેનિંગ લેતા હોય છે.
- VIDEO: ચાલુ શાળામાં સિંહણ ઘુસી ગઈ, મારણ કર્યું, શિક્ષકો-વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં પૂરાઈ ગયા
- કચ્છમાં યોજાઈ અશ્વદોડ 2025: મહારાષ્ટ્રના 'અલ સકબે' બાજી મારી, ઘોડાની ખાસિયત જાણી તમે પણ ચોંકી જશો