ગુજરાત

gujarat

"રજા" શબ્દ આ શિક્ષકની ડિક્શનરીમાં નથી : ભણતર બાદ બાળકોનું ઘડતર કરતા શિક્ષક હિંમતભાઈ - Teachers Day 2024

By ETV Bharat Gujarati Team

Published : Sep 5, 2024, 2:05 PM IST

"ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર" આવા ગુરુ મળવા મુશ્કેલ હોય છે. જોકે, ભાવનગરમાં ધ્રુપકા ગામના શિક્ષક એવા છે, જેમને રજા હોય કે વેકેશન એક પણ દિવસ શાળા વગર ચાલતું નથી. શાળાના અભ્યાસ સિવાય તેઓ બાળકોને વાસરીકા લખતા અને દીકરીઓને સ્કૂટર ચલાવતા શીખવે છે. ચાલો જાણીએ ગુલ્લીબાજ શિક્ષકોને શરમાવતા અને શ્રેષ્ઠ શિક્ષકના પર્યાય સમાન હિંમતભાઈ રાઠોડ વિશે...

શ્રેષ્ઠ શિક્ષકનો પર્યાય : હિંમતભાઈ
શ્રેષ્ઠ શિક્ષકનો પર્યાય : હિંમતભાઈ (ETV Bharat Gujarat)

ભાવનગર :શહેરથી અંદાજે 25 કિલોમીટર દૂર આવેલા ધ્રુપકા ગામ ડુંગરોની હારમાળા વચ્ચે વસેલું ગામ છે. 1954થી શરૂ થયેલી ધ્રુપકા ગામની શાળામાં 20 વર્ષથી સેવા આપતા શિક્ષક તન-મનથી બાળકોના સર્વાંગી વિકાસમાં ભોગ આપી રહ્યા છે. રજા દિવસે અને વેકેશનમાં દીકરીઓને સ્કૂટર અને વાસરિકા લખતા શીખવવું, શાળામાં સફાઈ કરવી વગેરે તેમની પ્રવૃત્તિ છે. જોકે સૌથી નવીન વાત તો એ છે કે, આ શિક્ષકની ડિક્શનરીમાં રજા નામનો શબ્દ નથી. જી હાં, આ શિક્ષકે આજદિન સુધી એક પણ રજા નથી લીધી.

"રજા" શબ્દ આ શિક્ષકની ડિક્શનરીમાં નથી (ETV Bharat Gujarat)

20 વર્ષનો વણથંભ્યો સેવાયજ્ઞ :શિક્ષક હિમતભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, અમારી શાળા 1954 માં શરૂ થઈ છે, ત્યારથી આજ દિન સુધીમાં અમારા ગામના ત્રણ બાળકો નોકરીએ લાગ્યા છે. અત્યારે ગળાકાપ સ્પર્ધાનો સમય છે, એટલે મને લાગ્યું કે સ્પર્ધાના યુગમાં બાળકોને ટકાવા હશે અને આપણે ટકવું હશે તો કંઈક વિશેષ મહેનત કરવી પડશે. એના માટે થઈને બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવા માટે હું રવિવાર કે વેકેશનમાં પણ શાળાએ આવું છું.

108 ગુજરાતી શબ્દોનું સંકલન (ETV Bharat Gujarat)

108 ગુજરાતી શબ્દોનું સંકલન :શિક્ષક હિમતભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, અમારી શાળાના મહિપાલસિંહ ગોહિલે 108 અંગ્રેજી શબ્દોનું સંકલન કરીને રાજ્યકક્ષા ઇનોવેશન કર્યું, પછી મને વિચાર આવ્યો કે ગુજરાતીમાં પણ આવું 108 શબ્દોનું સંકલન હોવું જોઈએ. આથી મેં 108 શબ્દોનું સંકલન કર્યું. એ શબ્દો એવા છે જે કોઈ પણ છાપા, પુસ્તકના ફકરામાં આ 108 માંથી એક શબ્દ અથવા એક થી પાંચ શબ્દો આવે છે. એટલે એ શબ્દો જો બાળકને આવડી જાય તો એનું વાંચન સરળ બની જાય છે.

દીકરીઓને સ્કૂટર ચલાવતા શીખવ્યું (ETV Bharat Gujarat)

દીકરીઓને સ્કૂટર ચલાવતા શીખવ્યું :શિક્ષક હિમતભાઈ રાઠોડે જણાવ્યું કે, ભાવેણાનું ગૌરવ ડો. નિમિત ઓઝા સાહેબે એક કાર્યક્રમમાં કહ્યું છે કે, સ્ત્રી સ્વતંત્રતાનું પ્રથમ પગલું બાઈક ચલાવતા આવડવું જોઈએ. મેં કાર્યક્રમનો વિડીયો જોયો અને મને લાગ્યું કે આપણા ગામડાની દીકરીઓ આ બાબતમાં પાછી કેમ રહી જાય. એટલે એ દિવસ પછી સાહેબના વાક્યને અનુસંધાને મેં પણ નિયમિત દીકરીઓને બાઈક ચલાવતા શીખવવાનું શરૂ કર્યું.

શિક્ષણ બાદ સેવા (ETV Bharat Gujarat)

365 દિવસ હાજર હિંમતભાઈ : ધ્રુપકા શાળામાં 20 વર્ષથી ફરજ બજાવતા હિમતભાઈ રાઠોડ વિશે શાળાના આચાર્ય અકબરભાઈ બાબીએ જણાવ્યું કે, હિંમતભાઈ રાઠોડ છેલ્લા 20 વર્ષથી સર્વિસ કરે છે અને અદભુત કામ કરે છે. રવિવાર અને વેકેશનમાં પણ શાળા ચાલુ હોય છે. કોઈપણ જાહેર રજા હોય તો પણ હિંમતભાઈ શાળામાં હાજર હોય અને બાળકોને અવનવી પ્રવૃત્તિઓ કરાવે છે.

શિક્ષણ બાદ સેવા :એમની ભાષા પરની પકડ ખૂબ સારી છે. બાળકોને વાંચન, વાસરીકા લખતા અને વ્યાકરણ શીખવવું તથા દીકરીઓને પોતાનું સ્કૂટર શીખવવું આ એમનો શોખનો વિષય છે. જીવનમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવાનો સતત પ્રયત્ન કરતા હોય છે, એટલે ખરેખર અમે ભાગ્યશાળી છીએ કે આવી સરસ મજાની ટીમ મળી અને આવા સરસ શિક્ષકો મળ્યા છે.

20 વર્ષનો વણથંભ્યો સેવાયજ્ઞ (ETV Bharat Gujarat)

શ્રેષ્ઠ શિક્ષકનો પર્યાય :ધ્રુપકા શાળાના બાળકો શિક્ષકની પ્રવૃત્તિને આવકારી રહ્યા છે. ધોરણ આઠની વિદ્યાર્થિની ખુશીએ જણાવ્યું કે, હિંમત સર જાહેર રજામાં પણ શાળાએ આવે છે. રવિવારે વિદ્યાર્થિનીઓને બાઈક ચલાવતા શીખવાડે છે. હિંમતભાઈ રાઠોડ બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવે છે. જેમ કે એમએમએસ, જવાહર નવોદય વગેરે પરીક્ષાની તૈયારી કરાવે છે. જે બાળકોનું વાંચન નબળું હોય તે બાળકોને વાંચતા અને લખતા શીખવે છે. લેપટોપ પણ શીખવે છે. હિંમતભાઈએ વિદ્યાર્થીઓને વાસરીકા લખતા શીખવાડ્યું છે, તેનાથી વાંચન ખૂબ જ સારું બન્યું છે.

  1. વર્ષમાં "બાર" વખત ઉજવવામાં આવશે શિક્ષક દિવસ, કઈ શાળાએ કર્યું આગવું આયોજન...
  2. BMC સંચાલિત શાળાઓમાં સ્કાઉટ ગાઈડ શરૂ કરનાર મહિલા શિક્ષક : અલ્પાબેન જાની

ABOUT THE AUTHOR

...view details