વલસાડઃ ધરમપુર એ ભવ્ય રાજવી વારસો ધરાવે છે. આ ધરમપુરના રાજા સાથેના સંકળાયેલા વિવિધ સ્મરણો તેમજ ધરમપુરની શાનો શૌકત અને જાહોજલાલીથી અવગત કરાવતું પુસ્તક વનરાજ કોલેજના પ્રોફેસર ડોક્ટર ચંદ્રહાસ નાયક દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. પુસ્તકનું નામ જ તેમાં રહેલ વાંચન સામગ્રીને સુપેરે ઉજાગર કરે છે. પુસ્તકનું નામ છે 'ધરમપુર ધ ગલોરી ઓફ ગુજરાત'.
સરળ રજૂઆતઃ 'ધરમપુર ધ ગલોરી ઓફ ગુજરાત' પુસ્તકના લેખક અને વનરાજ કોલેજના પ્રોફેસર ડોક્ટર ચંદ્રહાસ નાયક આ પુસ્તક વિશે જણાવતા કહે છે કે, તેઓ નાનપણથી જ ધરમપુરમાં રહ્યા છે પરંતુ ધરમપુરનો જે ઈતિહાસ છે તે અંગ્રેજી પુસ્તકોમાં સચવાયેલો છે. જેને તેમણે સંશોધન કરી અનેક વિગતો મેળવી અને ત્યારબાદ આ પુસ્તકમાં ધરમપુરના ઈતિહાસને ગુજરાતીમાં સરળ રીતે રજૂ કર્યો છે. જેથી સામાન્યમાં સામાન્ય લોકો ધરમપુરના રાજવી સમયના સ્મરણોને જાણી શકે અને ઈતિહાસને માણી શકે. તે સમયના રાજા કેટલી દીર્ઘદ્રષ્ટિ વાળા હતા તેમજ કેવા પ્રકારનું તેમનું શાસન અને વહીવટ હતો. સાથે જ તે સમયે થયેલા લગ્ન પ્રસંગ કે કરવામાં આવેલી સતત 12 થી 14 દિવસની ઉજવણી અંગેની વિશેષ રજૂઆત આ પુસ્તકમાં કરવામાં આવી છે.
ઈ.સ. 1262માં સ્થાપનાઃ ઈ.સ. 1262માં સિસોદિયા કુળના રાજકુમાર અને રાજપૂત શાસકોના વંશજ મેવાડના રાણા રાહપના વંશજ દ્વારા ધરમપુર રાજ્યની સ્થપાના કરવામાં આવી હોવાનું મનાય છે. ધરમપુર રાજ્ય વસાઈથી થાણા સુધી અને પૂર્વમાં નાસિક સુધી વિસ્તરેલું હતું. સન 1672માં શિવાજી એ ધરમપુરની મૈત્રી મુલાકાત કરી અને ધરમપુરને એક સ્વતંત્ર રાજ્ય તરીકેની ઓળખ આપી. શિવાજીએ કોઈપણ પ્રકારના વેરામાંથી બાકાત પણ રાખવામાં જણાવ્યું હતું. જેથી ધરમપુર રાજ્ય એક સ્વતંત્ર રાજ્ય તરીકે જાહેર થયું હતું.