સુરતઃ સુરતના માંગરોળમાં નવરાત્રિ દરમિયાન થયેલા સગીરા પર ગેંગરેપના ચકચારી કેસમાં કોર્ટે ઝડપી ન્યાય આપતા બે આરોપીઓને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે. કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટનામાં પોલીસે માત્ર 48 કલાકમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાંથી એક આરોપીનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું હતું.
પોલીસે આ કેસમાં ચુસ્ત તપાસ કરી 24 ઓક્ટોબરના રોજ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. કેસમાં સગીરા અને તેના મિત્રની જુબાની ઉપરાંત સાયન્ટિફિક પુરાવા મહત્વપૂર્ણ સાબિત થયા હતા. ખાસ કરીને, આરોપીએ તેના માલિકને કરેલા કોલના ઓડિયો રેકોર્ડિંગમાં 13 કુકડાના બાંગથી ગુનો સાબિત થયો હતો. વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી રિપોર્ટમાં પણ આરોપીનો ગુનો સ્વીકાર સ્પષ્ટ થયો હતો.
ડીવાયએસપી આર. આર. સરવૈયાના નેતૃત્વમાં 50થી વધુ અધિકારીઓની ટીમે કેસની તપાસ કરી હતી અને કુલ 100થી વધુ અધિકારીઓએ આરોપીઓને પકડવામાં મદદ કરી હતી. FSL રિપોર્ટ અને વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી રિપોર્ટ માત્ર 15 દિવસમાં મેળવી લેવામાં આવ્યા હતા. કોર્ટે 15 ફેબ્રુઆરીના રોજ આરોપીઓને દોષી ઠેરવ્યા બાદ આજે તેમને કઠોર સજા ફટકારી છે. આ કેસમાં માત્ર 130 દિવસમાં ચુકાદો આવ્યો છે, જે ન્યાયિક પ્રક્રિયાની ઝડપી કાર્યવાહીનું ઉદાહરણ છે.

સરકારી વકીલે જણાવ્યું હતું કે, આરોપીઓએ કૃત્ય આચર્યા બાદ પોતાના માલિકને ફોન કરીને હકીકત જણાવી હતી અને સામે પૈસા આપી કેસને રફેદફે કરી દેવા માટે વાત કરી હતી. જે તમામ વાતનું રેકોર્ડિંગ આરોપીઓના માલિકે પોતાના ફોનમાં કરી પોલીસ સમક્ષ હાજર કર્યું હતું. જેમાં આરોપી જે સમયે નાસભાગ કરી રહ્યા હતા. ત્યારે જે સમયે રોકાયા હતા અને જે જગ્યાએથી તેઓ વાત કરી રહ્યા હતા. ત્યાંથી 13 વાર કુકડો બોલતો હતો, જેથી ઓડિયોગ્રાફી સાથે કોઈ છેડછાડ કરવામાં આવ્યું ન હોવાનું સાબિત થતા ગુનો આરોપીઓએ આચર્યો હતો તે 13 કુકડાની બાંગથી સાબિત થયો હતો. પોતાની સાથે થયેલા જઘન્ય કૃત્ય અંગે પીડિતાએ પોતાની આપવીતી એક-એક કરીને કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. તેણે જણાવ્યું હતું કે, કઈ રીતે આરોપીઓ તેને ખેંચીને ખેતરમાં લઈ ગયા હતા અને તેના મિત્રને નિવસ્ત્ર કર્યો હતો. આ સમગ્ર બાબત તેણે કોર્ટ સમક્ષ વર્ણવી હતી. સાથે, તેણે જણાવ્યું હતું કે, આરોપીઓના મોબાઈલના ફ્લેશલાઈટથી તે આરોપીઓને ઓળખી કરી શકી હતી.
