સુરત:ભારે વરસાદ બાદ શાંતિ મળતા જ હવે રોગચાળો ફરી નીકળ્યો છે. ત્યારે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ડેન્ગ્યુના કેસ વધી રહયા છે. સુરતમાં ડેન્ગ્યુના કારણે એક પરિણીતાના તેમજ તેના સહિત ચારના મોત થયાના સમાચાર સામે આવ્યા છે.
ડેન્ગ્યુની અસર હોવાનું સામે આવ્યું: સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર મૂળ ઓરિસ્સાના ગંઝામના વતની અને હાલ કાપોદ્રા સ્થિત રાધાકૃષ્ણ સોસાયટી ખાતે રહેતા ચંદનભાઈ બહેરા એમ્બ્રોઈડરી કારખાનામાં કામ કરતો હતો. તેમના પત્ની સંગીતાબેનને છેલ્લા એક સપ્તાહથી તાવ આવતો હતો. સ્થાનિક ક્લિનિકમાંથી સારવાર બાદ તેણીની તબિયત વધુ લથડતાં રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં ડેન્ગ્યુની અસર હોવાનું સામે આવ્યું હતું. આ દરમિયાન રવિવારે સવારે સંગીતાબેનની તબિયત લથડતાં બેભાન થઈ ગઈ હતી. જેથી તાત્કાલિક સારવાર માટે સ્મીમેરમાં લઈ ગયા થતાં. જ્યાં તેણીનું મોત થયું હતું.
બીજો ડેન્ગ્યુનો કેસ:બીજા બનાવમાં મૂળ મધ્ય પ્રદેશમાં મુરેનાના વતની અને હાલ અશ્વિની કુમાર રોડ પર આવેલ ભવાની સર્કલ પાસે રહેતા 21 વર્ષીય શ્રીકૃષ્ણા અમૃત કુશવાહા જે ખાનગી કંપનીમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદ રૂપ થતો હતો. બે દિવસથી શ્રીકૃષ્ણાને તાવ આવતો હતો. ત્યારે શ્રીકૃષ્ણા શનિવારે સાંજે કાપોદ્રા બંબાગેટ પાસે આવેલ પંજાબી ધાબા પાસે અચાનક ઢળી પડયો હતો. જેથી તાત્કાલિક સારવાર માટે સ્મીમેરના હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તેનું મોત થયું હતું.