કચ્છઃઉતરાયણને હવે માત્ર બે જ દિવસ બાકી રહ્યા છે ત્યારે ભુજમાં પતંગ અને દોરીના વેચાણમાં ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. કચ્છમાં પડી રહેલી કાતિલ ઠંડીના કારણે ગામડાની ઘરાકીમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. બપોર બાદ ઘરાકી વધારે જોવા મળે છે. ભુજના વેપારીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે શનિવાર સાંજથી સોમવાર સુધીમાં સારી ઘરાકી મળશે તેમજ આ વર્ષે નાના બાળકો માટે પણ ઢીંગલા જેવા પતંગની નવી વેરાયટી આવી છે. તો બજારમાં બરેલીની દોરીની અછત જોવા મળી રહી છે.
ભુજના બજારો રંગબેરંગી પતંગ અને ફીરકીઓથી સજજ
ભુજની પતંગ બજારમાં હાલમાં અવનવા પતંગ અને દોરીની પતંગ રસિયાઓ દ્વારા મનભરીને ખરીદી કરવામાં આવી રહી છે. તો ખંભાતિયા, ચિલ પતંગની ભારે ડિમાન્ડ જોવા મળી રહી છે. તો દોરીમાં બરેલી અને લાલ કિલ્લાની દોરની માંગ વધારે છે. કચ્છની કાતિલ ઠંડીના કારણે ગામડાના લોકો ખરીદી કરવા ઓછા આવી રહ્યા છે. આ વર્ષે લોકો ચીલ, ફુમ્મક, ઘેરા, ચાંદ, અડદિયા નાના બાળકો માટે કાર્ટૂન વાળા સહિતનાં પતંગોની પણ પતંગ રસિયાઓ ખરીદી કરી રહ્યા છે.
ગત વર્ષ કરતા 5થી 10 ટકા જેટલો ભાવ વધારો
શહેરી વિસ્તારોમાં સામાન્ય રીતે પતંગ રસિયાઓ કાગળના પતંગ ઉડાડવાનું વધારે પસંદ કરતા હોય છે પરંતુ ભેજ વાળા વાતાવરણના કારણે આ વખતે માલની અછત વર્તાઈ રહી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોના લોકો આજે પણ પ્લાસ્ટિકનાં તેમજ ઝાલર વાળા પતંગની વધારે માગ કરતા હોય છે. જેમાં મુખ્યત્વે કાર્ટૂન પ્રિન્ટ જેમાં છોટા ભીમ, બેન ટેન, ટોમ એન્ડ ઝેરી, ઇગલ, ખંભાત, જોધપુર અને જેતપુરની પતંગની માગ વધુ જોવા મળી રહી છે. ફીરકીની દોરીમાં લાલ કિલ્લા, ગ્લાઇન્ડર, કમાન્ડો, સુરતી, બરેલી જેવી દોરીની માગ વધુ જોવા મળી રહી છે. હાલમાં પતંગ-દોરાના ભાવમાં ગત વર્ષ કરતા 5 થી 10 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. તેમ છતા પણ ભાવને અગવણીને પણ ભુજની પતંગ બજારમાં સારી એવી ઘરાકી જોવા મળશે તો ભેજ વાળા વાતાવરણના કારણે કાચો માલ ઓછો આવી રહ્યો છે. જેથી આ વર્ષે માલની ખુબ અછત વર્તાઈ રહી છે, તો 37 વર્ષના વેપારના અનુભવમાં આવી માલની અછત પ્રથમ વાર જોઈ છે તેવું વેપારીઓએ જણાવ્યું હતું.
નાના બાળકો માટે ખાસ પતંગો: 3 KGનો ફીરકો
ઉતરાયણના પર્વની ઉજવણી માટે ભુજની બજાર રંગબેરંગી પતંગોથી સજ્જ થઈ ચૂકી છે. ગુજરાતીઓના માનીતા તહેવાર ઉત્તરાયણના પર્વને લઇને ભુજની બજારોમાં ઠે૨ ઠેર રંગબેરંગી પતંગો,નાની ફીરકીઓ, નાના પતંગો, ફેન્સી માસ્ક, સોલાર કેપ, બ્યુગ્લ, ગુબ્બારા, કાપડના પતંગો, લાઈટ વાળા માસ્ક, ફટાકડા, ફુગ્ગાઓ સહિતની વસ્તુઓની ડિમાન્ડ પણ વધતી જઈ રહી છે. નવી વેરાયટીમાં આ વખતે મોટા ઝરી વાળા કાગળના અને પ્લાસ્ટિકના પતંગો આવ્યા છે તો નાના બાળકો માટે ઢીંગલા વાળા પતંગો તો કાના (કિન્ના) બાંધેલા પતંગોની માગ પણ વધી છે. ભુજના પતંગ બજારમાં 3 કિલોના વજનનો મોટો ફીરકો પણ આવ્યો છે.