દમણ : દમણ અને દિવ, પ્રવાસન સ્થળ અને સુંદર બીચ, ગાર્ડન, પોર્ટુગીઝ સમયના કિલ્લાઓ માટે જાણીતું દમણ-દિવ કેન્દ્રશાસિત પ્રદેશ છે. 7મી મે 2024ના આ બેઠક પર લોકસભા ચૂંટણી 2024નું મતદાન થવાનું છે. દમણ દિવ લોકસભા બેઠક કબજે કરવા ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારે ભરપૂર ચૂંટણી પ્રચાર કર્યો છે. મતદારોને અનેક વાયદા કર્યા છે.
કુલ 7 ઉમેદવારો મેદાનમાં: દમણ દિવ લોકસભા બેઠક પર વર્ષ 2024ની સામાન્ય લોકસભા ચૂંટણીમાં કુલ 7 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 1, કેતન ડાહ્યાભાઈ પટેલ જેઓ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર છે. જેમનું નિશાન પંજો છે. 2, પટેલ લાલુભાઈ બાબુભાઇ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. જેમનું નિશાન કમળ છે. 3, પટેલ ઉમેશભાઈ બાબુભાઇ અપક્ષ ઉમેદવાર છે. જેમનું નિશાન પ્રેશર કુકર છે. 4, પટેલ ઉમેશકુમાર ઉત્તમભાઈ નવસર્જન પાર્ટીના ઉમેદવાર છે. જેમનું નિશાન વહાણ છે. 5, પટેલ ઉમેશભાઈ બાબુભાઇ અપક્ષ ઉમેદવાર છે. જેમનું નિશાન બેટરી ટોર્ચ છે. 6, મુલ્લા મોહમ્મદ ઈંદ્રિસ ગુલામ રસુલ અપક્ષ ઉમેદવાર છે. જેમનું નિશાન બેટ છે. 7, શકીલ લતીફ ખાન અપક્ષ ઉમેદવાર છે. જેમનું નિશાન ઓટો રીક્ષા છે.
મહત્ત્વની વિગતો : દમણ દિવ લોકસભા બેઠક પર આંખે ઉડીને વળગે એ વાત મુજબ જોઈએ તો, આ બેઠક પર ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ ચોથી વાર ચૂંટણી લડી રહ્યા છે. હાલમાં તે દમણ-દિવના સીટીંગ સાંસદ છે. બીજું આ બેઠક પર અપક્ષ ઉમેદવાર અને પ્રેશર કુકરનું નિશાન ધરાવતા ઉમેશ બાબુભાઇ પટેલ ભાજપ-કોંગ્રેસને ટક્કર આપનાર ઉમેદવાર મનાય છે. જેના નામ પર મતદારોને કન્ફ્યુઝ કરવા ઉમેશ નામધારી બીજા 2 ઉમેદવારો પણ ભાજપ-કોંગ્રેસ પક્ષના ઈશારે ચૂંટણી લડી રહ્યા છે.
મતદારોની સંખ્યા : દમણ દિવ લોકસભા બેઠક પર મતદારોની વિગતો જોઈએ તો, દમણ દિવ લોકસભા બેઠક પર કુલ 1,34,201 મતદારો છે. જે પૈકી દમણમાં 50900 પરુષ, 46262 મહિલા મતદારો મળી કુલ 97172 મતદારો છે. દિવમાં 16748 પરુષ, 20229 મહિલા મતદારો મળી કુલ 37029 મતદારો છે. દમણમાં કુલ 93 પોલિંગ બુથ છે. દિવમાં કુલ 47 પોલિંગ બુથ છે. બન્ને મળીને દમણ દિવમાં કુલ 140 પોલિંગ બુથ છે. લોકસભા ચૂંટણી ને લઈ ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ ડૉર ટૂ ડૉર ચૂંટણી પ્રચારને પ્રાધાન્ય આપ્યું હતું. ભાજપના ઉમેદવાર લાલુભાઈ માટે અહીં અમિત શાહે ચૂંટણી સભા ગજવી હતી. કોંગ્રેસના ઉમેદવાર માટે દમણમાં રાહુલ ગાંધીએ ચૂંટણી સભા ગજવી મતદારોને રીઝવવા પ્રયાસ કર્યો હતો.
ચૂંટણી પ્રચારમાં મુદ્દાઓ :દમણ દિવ લોકસભા બેઠક પર ભાજપ વિકાસના મુદ્દાઓ મતદારો સમક્ષ રજુ કરી મત માંગી રહ્યા છે. ભાજપ સરકાર દ્વારા દમણ-દિવને વિશ્વકક્ષાનું પ્રવાસન સ્થળ બનાવ્યું હોવાનું, મેડિકલ કોલેજ, સુંદર બીચ, રસ્તાઓ, માછીમારો માટે જરૂરી સગવડો આપી હોવાનું જણાવી મતદારોને રીઝવવા પ્રયાસ કર્યો છે. કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ બેરોજગારી, મોંઘવારી, પ્રશાસનિક તાના શાહી, વીજળી દર વધારો, વીજળીનું ખાનગીકરણ, સ્પોર્ટ્સ સંકુલનું ખાનગીકરણ, સ્થાનિક નોકરીમાં યુવાનોને વંચિત રાખવા, શિક્ષણક્ષેત્રે શિક્ષકોની હકાલપટ્ટી જેવા મુદ્દાઓ પર ચૂંટણી પ્રચાર કરી મતદારોને રીઝવવા પ્રયાસ કર્યો હતો.
ત્રિપાંખીયો જંગ : ન પર કુલ 7 ઉમેદવારો મેદાને છે. પરંતુ ચૂંટણી જંગ ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે ત્રિપાંખીયો જંગ રહ્યો છે. ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ છેલ્લી 3 ટર્મથી આ બેઠક જીતતા આવ્યા છે. આ ચોથી વખતની ઉમેદવારી તેમના માટે અને ભાજપ માટે શાખનો સવાલ છે. કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ વર્ષ 2014 અને 2019 વખતે પણ કોંગ્રેસના ઉમેદવાર હતાં. જેઓએ બન્ને ટર્મમાં હાર નો સામનો કર્યો છે. અપક્ષ ઉમેદવાર ઉમેશ બાબુભાઇ પટેલ 2019માં પણ અપક્ષ ઉમેદવારી કરી ચૂંટણી લડ્યા હતાં. આ બીજી વખત તેઓ અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે.
ઉમેશ પટેલ દમણ દિવના યુવા નેતા : પ્રેશર કુકરના નિશાન સાથે લોકસભા ચૂંટણી 2024માં અપક્ષ ઉમેદવારી કરી રહેલા ઉમેશ પટેલ દમણ દિવના યુવા નેતા છે. દમણ દિવના અનેક પ્રશ્નોને લઈ તેમણે પ્રશાસન સમક્ષ આંદોલનો કર્યા છે. ઉમેશ પટેલ યુથ એક્શન ફોર્સ નામની સંસ્થાના પ્રેસિડેન્ટ છે. સ્વામી વિવેકાનંદ યુવક મંડળના પ્રમુખ છે. સ્વામી વિવેકાનંદ વિદ્યાલયના ચેરમેન છે. શ્રી દમણ-દિવ જિલ્લા કોળી સમાજના વાઇસ પ્રેસિડેન્ટ છે. ભગત સિંગ સ્પોર્ટ્સ કલબના ચેરમેન છે. જય જલારામ પીડા ગ્રસ્ત ગૌશાળા ના ફાઉન્ડર છે. રાજકીય પંડિતોના મતે આ બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ ભાજપ-કોંગ્રેસ બન્નેને મોટું નુકસાન કરી સારા મતો અંકે કરી શકે છે. ભાજપ માટે તેઓ મુખ્ય પ્રતિસ્પર્ધી છે. જે ભાજપના ઉમેદવાર ની લીડ પર રોક લગાવી શકે છે.
જ્ઞાતિ સમીકરણ : દમણ દિવ લોકસભા બેઠકમાં જ્ઞાતિ સમીકરણ જોઈએ તો 35 ટકા માછી ખારવા સમાજના મતદારો છે. બાદમાં 25 ટકા કોળી પટેલ, 12 ટકા મુસ્લિમ, 10 ટકા એસસી - એસટી, 15 ટકા પ્રાંતિય, 2.5 ટકા ખ્રિસ્તી મતદારો છે. જેમાં સૌથી મહત્વનાં કોળી પટેલ મતદારો ગણાય છે, દમણ - દીવમાં મહિલા મતદાન હંમેશા ઉંચું રહે છે.
ગત ચૂંટણીમાં મતદાન : દમણ દિવ લોકસભા બેઠક પર પાછલી 2 ચૂંટણીના મતદાનની ટકાવારી જોઈએ તો, 2014માં દમણ દિવ લોકસભા બેઠકની ચૂંટણીમાં 78.01 ટકા મતદાન નોંધાયું હતું. 2019ની ચૂંટણીમાં દમણ દિવ બેઠક પર 71.85 ટકા મતદાન નોંધાયું હતું. આ વર્ષે 2024ની ચૂંટણીમાં 80 ટકા મતદાન થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. વધુમાં વધુ મતદાન થાય એ માટે ચૂંટણી પંચ દ્વારા વિશેષ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યા છે. એ ઉપરાંત ભાજપ-કોંગ્રેસ-અપક્ષ ઉમેદવારોએ પણ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે. દમણ-દિવ લોકસભા સીટ પર છેલ્લી 3 ટર્મથી ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે. એક સમયે દમણ કોંગ્રેસનો ગઢ હતું. જો કે હવે કોંગ્રેસ સદંતર હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. ભાજપ સામે પણ કોંગ્રેસ કરતા અપક્ષ વધારે મજબૂત મનાય છે.
1987માં લોકસભા સીટ મળી હતી : ભારતની આઝાદી પછી છેક 1961માં પોર્ટુગીઝ શાસનમાંથી આઝાદ થયેલ દમણ દિવ ગોવાને સંઘપ્રદેશનો દરજ્જો અપાયો હતો. જે બાદ ગોવાને 1987માં રાજ્યનો દરજ્જો મળતા દમણ-દિવનો કેન્દ્રશાસિત પ્રદેશ તરીકેનો દરજ્જો યથાવત રાખી 1987માં લોકસભા સીટ ફાળવી છે. શરૂઆતમાં અપક્ષ ત્યાર બાદ કોંગ્રેસ, ભાજપની બદલાતી સત્તાએ દમણ-દિવને રાજકીય દ્રષ્ટિએ એક અલગ ઓળખ આપી છે.