દાહોદ:દાહોદ તાલુકાના ભાટીવાડા ગામના નવાવાસ ફળિયામાં મકાન ભાડે રાખી ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને દાહોદ SOGની ટીમે ઝડપી પાડી તાલુકા પોલીસના હવાલે કર્યો છે. એસઓજી ટીમે બોગસ તબીબના ક્લિનિકમાંથી દવાઓ તેમજ ઇન્જેક્શનોનો મોટો જથ્થો કબ્જે કર્યો છે. આ બનાવ અંગે દાહોદ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદમાં નકલી તબીબ ઝડપાયો:દાહોદ તાલુકાના ભાટીવાડા ગામના નવાવાસ ફળિયામાં મકાનમાં બોગસ તબીબ દ્વારા દવાખાનું ચલાવીને આદિવાસી પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો હોવાની માહિતી એસઓજીને મળી હતી. જે માહિતીના આધારે સ્થાનિક પોલીસ મથકના સ્ટાફે મેડિકલ ટીમને સાથે રાખીને દાહોદ SOGએ તાલુકાના ભાટીવાડા ગામના નવાવાસ ફળિયામાં સોમા ભાભોરના ભાડાના મકાનમાં છાપો મારતાં નામ વગરનું દવાખાનું ચલાવતા ડોક્ટર તરીકે પોતાનું નામ અશિમ બિસ્વાસ હોવાનું કબૂલ્યું હતું. જેનું મૂળ વતન ખોરાગ્રામ, મહિસા મસ્લન્દપુર (તા. હાબડા, જી. ઉત્તર-24 પરગણા, કલકતા) રહેવાસી હોવાનું સામે આવ્યું હતું.
નકલી તબીબની ધરપકડ: ક્લિનિકમાં દાહોદ SOG પોલીસે ડોક્ટર તરીકે સેવા આપતા અશિમ બિસ્વાસ પાસે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવા કહેતા બોગસ તબીબે પોતાની પાસે પ્રમાણપત્ર કે ડિગ્રી ન હોવાનું જણાવ્યું હતું. જે બાદ પોલીસે બોગસ તબીબ બની મેડિકલ પ્રેક્ટિસ કરતા અશિમ બિસ્વાસની ધરપકડ કરી હતી તથા તેની પાસેથી જુદી જુદી જાતની દવાઓ, ઇન્જેક્શન તથા બોટલો તેમજ એક થેલામાં ડોક્ટરી પ્રેક્ટિસ કરવા માટેના સાધન-સામગ્રી મળી 18079.25 નો મુદ્દા માલજપ્ત કરવામાં આવ્યો હતો