દાહોદ: દાહોદમાં નકલી NA પ્રકરણમાં શંકાસ્પદ સર્વે નંબરોમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લાના રળીયાતી ગામે સરકારી પડતર જમીનમાં કૌભાંડિયો દ્વારા બાંધકામ કરીને 130થી વધુ દુકાનો બનાવી વેચી દીધી હોવાની ઘટના સામે આવી છે. હાલ તમામ દુકાન ધારકોને દાહોદ તંત્ર તરફથી ખાલી કરવાની નોટિસ ફટકારતા શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
સર્વે નંબરમાં ફેરફાર કરી સરકારી જમીન પચાવી
દાહોદ જિલ્લામાં નકલી NA પ્રકરણ બાદ કૌભાંડીઓ દ્વારા દાહોદના રળીયાતી ગામે આવેલા સાંગા ફળિયામાં સર્વે નંબર 376ના માપમાં ફેરફાર કરીને સર્વે નંબર 1003ની સરકારી પડતર જમીન પચાવી પાડીને 130 થી વધુ દુકાનો અને ગોડાઉન બનાવી માર્કેટ ઉભું કરી દેવામાં આવ્યું હતું. જે બાદ વિવિધ વેચાણ લેનારી પાર્ટીઓ અને સરકાર સાથે પણ છેતરપિંડી કરાઈ હોવાનું સામે આવ્યું હતું. બાદમાં નકલી NA પ્રકરણ તપાસમાં દાહોદ મામલતદાર સહિતની ટીમ દ્વારા માપણી કરતા દાહોદમાં કૌભાંડીઓ દ્વારા સરકારી પડતર જમીનમાં 400 ગૂંઠા જેટલી જમીન પોતાની જમીનમાં ઉમેરીને 130થી વધુ દુકાન અને ગોડાઉન બનાવી વેચાણ પણ કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.
તંત્રએ દુકાન પર ચોકડી મારતા વેપારીઓમાં ખળભળાટ
હાલમાં દાહોદ મામલતદારની ટીમોએ ચકાસણી કરીને 130 જેટલી દુકાનો પર લાલ રંગની ચોકડી મારી દેતા વેપારીઓ મુજવણમાં મુકાયા હતા. તથા દુકાન ખાલી કરવાનો હુકમ તંત્ર તરફથી કરવામાં આવતા મારે ખળભળાટ મચી જવા પામ્યો છે.