મહેસાણાઃ કડીના બાવલું પોલીસ સ્ટેશન હદમાં આવેલી નર્મદા કેનાલમાંથી મળી આવેલા મૃતદેહને કચરા ગાડીમાં લાવવામાં આવ્યાનો એક વીડિયો સામે આવ્યો છે. જેને લઈને કડીમાં કોંગ્રેસ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. માનવતા લજવાયા જેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કોઈને અંતિમ સમયમાં પણ આ પ્રકારે માનવતાહીન રીતે કાંધ મળે તે કેટલું દુઃખદાયી છે તે અંગે આપ પણ સમજો છો.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, "ગુજરાતમાં કડી નગરપાલિકામાં કેનાલ નજીક એક મૃતકની લાશ મળી આવી હતી અને મૃત્યુ પામેલા દિવંગતની લાશને કુંડાળ હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે લાવવામાં આવી હતી. ઉપરોક્ત વિષયે માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. મૃતકની લાશને નગરપાલિકા પ્રશાસન દ્વારા કચરાના ડબ્બામાં લાવવામાં આવી હતી અને નગરપાલિકાના અણઘડ વહીવટના કારણે દેશનો નાગરિક મૃત્યુ પામ્યો હોય અને કચરાના ડબ્બામાં લાશ લવાઈ હોય તેવી આ સૌપ્રથમ ઘટના જોવા મળી છે. એક તરફ ગુજરાત સરકાર આરોગ્ય બાબતે મોટા મોટા ફાંકા મારે છે. 108 એમ્બ્યુલન્સની વ્યવસ્થા સમગ્ર ગુજરાતમાં છે, તેવી ડંફાસોનો હવે કડી નગરપાલિકામાં બનેલી આ ઘટનાથી અંત આવી ગયો છે.
કોંગ્રેસે કરી આલોચના (Etv Bharat Gujarat) તેમણે કહ્યું કે, સ્થાનિકોના જણાવ્યા અનુસાર આવું તો અનેક વાર બનેલું છે કે જેમાં મૃતકોની લાશને કચરાના ડબ્બામાં વહન કરવામાં આવે છે. આ બાબતે સ્થાનિકોએ ચીફ ઓફિસરને રજૂઆત કરતા તેઓએ જણાવ્યું હતું કે, સારું હવે પછી કચરાના ડબ્બામાં લાશને નહીં લાવવામાં આવે. આમ કરીને તુમાખીભર્યા જવાબો આપીને દેશના નાગરિકના મોતનો મલાજો પણ સચવાયો નહીં તે અત્યંત ગંભીર બાબત છે. કડી નગરપાલિકાને કરોડોની ગ્રાન્ટ મળે છે પરંતુ મૃતકોને લાવવા માટે શબવાહિનીની પણ વ્યવસ્થા જો ના થઈ શકે તો નગરપાલિકાના ચૂંટાયેલા પ્રમુખને અને તેની કારોબારીને તાત્કાલિક રીતે ગુજરાત સરકાર સસ્પેન્ડ કરે તો જ દાખલો બેસશે.
તેમણે કહ્યું કે, આ અંગે નગરપાલિકાના પ્રમુખે રાજીનામુ આપી દેવું જોઈએ. જો મંત્રીઓના કાફલામાં બે બે એમ્બ્યુલન્સ દોડાવાતી હોય તો સામાન્ય નાગરિક માટે કેમ આવી જરૂરી સેવામાં પાછી પાની કરવામાં આવે છે?
આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપ પટેલ સાથે ટેલિફોનીક વાતમાં તેમણે કહ્યું કે, આ બાબતે જરૂરી સૂચનાઓ અપાઈ ગઈ છે. શબવાહીની જે જુની હતી તેને નિયમાનુસાર સ્ક્રેપમાં અપાઈ ગઈ હતી. દિવાળી સમયે તેને સ્ક્રેપમાં મુકાઈ હતી. નવી શબવાહીની માટેની પરવાનગીઓ મેળવવાની કામગીરી ચાલુ છે. હાલમાં અમે શક્ય તે રીતે ઓલ્ટરનેટ વ્યવસ્થા કરીએ છીએ. જોકે આ ઘટનામાં લાશ ઘણી સડી ગઈ હતી. લાશને કોઈ ખાનગી વાહનમાં પણ લઈ જવા તૈયાર થાય તેમ ન હતું. હાલમાં જ્યારે સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો ત્યારે જઈને મને આ ઘટનાની જાણ થઈ છે. જેને લઈને ત્વરિત કક્ષાએ વ્યવસ્થા ઊભી કરવાના આદેશ કર્યા છે. તથા રેગ્યુલર શબવાહીની પણ જલ્દીથી આવી જાય તેવા પ્રયત્નો કરવામાં આવશે.
- અમદાવાદમાં બેફામ દોડતી AMCની કચરાની ગાડીએ માસૂમ બાળકીનો જીવ લીધો, ટક્કર મારી ચાલક ફરાર
- નવા વર્ષને આવકારવા દીવમાં પ્રવાસીઓ ઉમટ્યા, હોટલો હાઉસફુલ, બીચ પર ભારે ભીડ