કચ્છઃસરહદી જિલ્લા કચ્છમાં અવારનવાર ભૂકંપના નાના મોટા આંચકાઓ નોંધાતા હોય છે. તો વર્ષ 2001માં આવેલા ભૂકંપ બાદ કચ્છમાં હવે નાના નાના ભૂકંપના કંપનો તો સામાન્ય બની ગયા છે, તો મહિનામાં 2થી 4ની તીવ્રતાના આંચકાઓ સતત અનુભવતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી વાગડ વિસ્તારની ફોલ્ટ લાઈન વધારે સક્રિય હોતા ક્યારેક અહીં નોંધાતા આંચકા છેક જિલ્લા મથક ભુજ સુધી અનુભવાતા હોય છે. ત્યારે કયા કારણોસર કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ આવે છે જાણીએ કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગના પ્રોફેસર ડૉ. ગૌરવ ચૌહાણ પાસેથી.
વર્ષ 2001માં આવેલા ગોઝારા ભૂકંપ બાદ આંચકાઓ યથાવત
ધરતીના પેટાળમાં બે પ્લેટો વચ્ચે હલનચલન થાય ત્યારે ભૂકંપના આંચકા આવતા હોય છે. સામાન્ય રીતે પ્લેટો વચ્ચેની ધ્રુજારી આપણે અટકાવી શકતા નથી, પરંતુ હા ભૂકંપથી થતી નુકસાનીને રોકી શકાય છે. જેથી ભૂકંપના આંચકાથી બચવા લોકોએ સતર્ક રહેવું તેમજ જરૂરી ગાઈડલાઈનને અનુસરવું જરૂરી છે. કચ્છમાં વર્ષ 2001માં આવેલા ગોઝારા ભૂકંપ બાદ કચ્છમાં નાના મોટા કંપનનો દોર યથાવત રહ્યો છે. તો વર્ષ 2015માં મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ દ્વારા કચ્છની ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીને ભૂકંપના સંશોધન માટે સૂચનાઓ આપવામાં આવી હતી.
ફોલ્ટલાઈનોમાં સંશોધન
કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગના પ્રોફેસર ડૉ. ગૌરવ ચૌહાણે જણાવ્યું હતું કે, ફોલ્ટ લાઈન્સમાં સંશોધન માટે જુદા-જુદા 8 જેટલા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ દરમિયાન સમગ્ર કચ્છમાં ખાસ તો કઈ ફોલ્ટ લાઈનમાં કયા સમયે કેટલી તીવ્રતાનો આંચકો આવે છે, કઈ ફોલ્ટલાઈન વધુ સક્રિય છે, તેની આસપાસના વિસ્તારોમાં કેટલી નુકસાનીની તીવ્રતા છે તે સહિતના તારણનો અભ્યાસ કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો હતો.
વાગડ ફોલ્ટલાઈન પર વધુ નોંધાય છે આંચકાઓ
કચ્છના વાગડ વિસ્તારમાં અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે. વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છ મેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે, જેથી આ બે લાઈનો ભેગી થતી હોવાથી વાગડ વિસ્તાર એવા રાપર, ભચાઉ પાસે અવાર-નવાર ભૂકંપના આંચકાઓ નોંધાતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી વાગડ વિસ્તારમાં જે ફોલ્ટ લાઈન છે તે વધુ સક્રિય થઈ અને તેના પર જ આંચકાઓ નોંધાઈ રહ્યા છે. વાગડ આ ફોલ્ટ લાઈન જ્યાંથી પસાર થાય છે, તે ફોલ્ટ લાઈન બંધ કરી શકાય નહીં. કારણ કે, આ એક કુદરતી ઘટના છે, જેથી આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારના બાંધકામ કરતા પૂર્વે ફોલ્ટલાઈનને ધ્યાનમાં રાખવામાં આવે તો નુકસાનીથી બચી શકાય છે.
બે પ્લેટો સામસામે અથડાતા 75 કિ.મી. સુધી પ્લેટો તૂટી ગઈ
કચ્છના વાગડ વિસ્તારમાં જે ફોલ્ટ લાઈનના કારણે આંચકાઓ આવે છે. તે મોટાભાગે વર્ષ 2001ના ધરતીકંપના એપીસેન્ટરની આસપાસ જ આવે છે. ઉલ્લેખનીય છે કે, વાગડ વિસ્તારમાં જ મુખ્ય બે ફોલ્ટ લાઈન ભેગી થતી હોવાથી નવા આંચકાઓ નોંધાતા હોય છે. આ ફોલ્ટલાઈન પર જે સમયે ભૂકંપ આવ્યો, ત્યારે જમીનમાં ભંગાણ સર્જાયો હતો, જેના કારણે 6 મીટર જેટલી બે પ્લેટો સામસામે અથડાતા 75 કિ.મી. સુધી પ્લેટો તૂટી ગઈ હતી. જેની નુકસાની આજે પણ યથાવત રહેતા આ ફોલ્ટ લાઈન પર આંચકા નોંધાતા હોય છે. આ જ કારણે તો કચ્છમાં નાના નાના ભૂકંપના આંચકા નોંધાવા સામાન્ય બની ગયું છે.
ભારત પાકિસ્તાન સરહદ સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ નોંધાતા રહે
કચ્છમાં નાના નાના ભૂકંપના આંચકા આવતા રહેતા હોય છે. જેમાં અવાર-નવાર વાગડ વિસ્તારના ભચાઉ, રાપર, દુધઈ, ધોળાવીરા, ખડીર આ તરફ પશ્ચિમ કચ્છમાં ખાવડા, સુખપર, લખપત તેમજ ભારત પાકિસ્તાન સરહદ સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ નોંધાતા હોય છે. કચ્છમાં આવતા ભૂકંપના આંચકાની માહિતી સરકારની વેબસાઈટ પર નિયમો મુજબ અપલોડ કરવામાં આવતા હોય છે. જોકે હવે તો 2.5ની તીવ્રતાથી વધુનો આંચકો નોંધાય છે ત્યારે જ તેની વિગતો જાહેર કરવામાં આવે છે. કચ્છમાં 1 થી 2ની તીવ્રતા વચ્ચેના જે આંચકા નોંધાતા હોય છે તેને હળવા કંપન તરીકે ઓળખવામાં આવે છે. આમ તો હવે કચ્છમાં 3.5થી વધુનો આંચકો હોય તો જ ગંભીર ગણવામાં આવે છે.