અમદાવાદ: શહેરના SG હાઈવે પર આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કે જ્યાં PMJAY યોજના હેઠળ નાણા પડાવી લેવાની નીતિ સાથે હોસ્પિટલ દ્વારા નિર્દોષ લોકોનું જીવ લેવામાં આવતો હતો. આ સમગ્ર કારસ્તાન બહાર આવતાની સાથે દેશભરમાં આ ખ્યાતિકાંડ ચર્ચાનું વિષય બન્યો હતો. ખ્યાતિ કાંડનું મુખ્ય સૂત્રધાર કહી શકાય એવો કાર્તિક પટેલ, જે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો ચેરમેન પણ છે. તેની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 2 દિવસ અગાઉ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી અને ગતરોજ કાર્તિક પટેલને ખ્યાતિ હોસ્પિટલ લઇ જઇને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
મોડી રાત્રે એરપોર્ટ પર અટકાયત: ખ્યાતિકાંડના મુખ્ય સૂત્રધાર અને ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ સામે લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. આ લુક આઉટ નોટિસના આધારે એરપોર્ટ પોલીસ દ્વારા ફ્લાઈટમાંથી નીચે ઉતરતાની સાથે જ કાર્તિક પટેલની અટકાયત કરી લેવામાં આવી હતી અને ક્રાઈમ બ્રાન્ચને સોંપી દેવામાં આવ્યો હતો. ત્યાંથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.
કાર્તિક પટેલના 10 દિવસના રિમાન્ડ મંજૂર: ધરપકડ કર્યાના બીજા જ દિવસે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે કાર્તિક પટેલને રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો. કેટલીક અગત્યની તપાસો બાકી હોય અને કાર્તિક પટેલની મુખ્ય સંડોવણી સમગ્ર ખ્યાતિ કાંડમાં હોય, તેવા મુદ્દાઓના આધારે ખાસ સરકારી વકીલ વિજય બારોટ દ્વારા કાર્તિક પટેલના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. બંને પક્ષની તમામ દલીલોને સાંભળીને કાર્તિક પટેલના 28 જાન્યુઆરી સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.
કાર્તિક પટેલ પાસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન: ગતરોજ 20 જાન્યુઆરી સાંજે 4:00 વાગ્યે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન, હોસ્પિટલના નાણાકીય વ્યવહાર અને ઓડિટ રિપોર્ટની તપાસ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્તિક પટેલને ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો.
આરોપીઓને સાથે બેસાડી પુછપરછ કરાશે: હવે આગામી દિવસોમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પહેલા પકડાયેલા આરોપીઓ અને કાર્તિક પટેલને સાથે બેસાડીને સમગ્ર ઘટના વિશે માહિતી મેળવવામાં આવશે. ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાની પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે.
કાર્તિક પટેલ પહેલા શું કરતો હતો ?: મળતી માહિતી પ્રમાણે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો ચેરમેન અને ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ વર્ષો પહેલા વિડીયો કેસેટની લાઇબ્રેરીનો વ્યવસાય કરતો હતો, ત્યારબાદ તેણે બાંધકામના વ્યવસાયમાં ઝંપલાવ્યું અને શાહીબાગ વિસ્તારમાં રેસીડેન્સીયલ અને કોમર્શિયલ સ્કીમો બનાવવાની શરૂઆત કરી હતી.
હોસ્પિટલ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો ?: તમને જણાવી દઇએ કે, જ્યારે દેશમાં કોરોના વાયરસનો કહેર હતો. તે સમય દરમિયાન કાર્તિક પટેલ પણ કોરોના વાયરસથી સંક્રમિત થયો હતો. તે સમયે કોઈપણ હોસ્પિટલમાં તેને જગ્યા મળતી ન હતી. ત્યારે જ તેણે હોસ્પિટલ બનાવવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ વર્ષ 2021માં એશિયન બેરિયાટિક ઍન્ડ કૉસ્મેટિક હૉસ્પિટલમાં ભાગીદાર તરીકે જોડાયો હતો. જે હોસ્પિટલને આજે ખ્યાતિ હોસ્પિટલ તરીકે આપણે જોઇ રહ્યા છીએ. હોસ્પિટલ કૌભાંડનાં મુખ્ય સૂત્રધાર સાથેના કાર્તિકનાં કનેક્શન અંગે તપાસ કરવાની બાકી હોય ત્યારે આરોપીની હાજરીની જરૂરિયાત રહેશે.
હવે કાર્તિક પટેલ અને તેના સહ આરોપીઓ ની પૂછપરછમાં નીચે પ્રમાણેના ખુલાસાઓ થશે.
- ખ્યાતિ હોસ્પિટલનો જે ખોટો ઓડિટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. તે કોના દ્વારા અને કેવી રીતે તૈયાર કરાયો હતો?
- હોસ્પિટલ દ્વારા કેમ્પની પરવાનગી કોણ આપતું હતું?
- ઓપરેશનની પરવાનગી તાત્કાલિક કેવી રીતે મળતી હતી?
- કાર્તિક પટેલ દ્વારા કોની કોની મદદથી આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું?
- આરોગ્ય વિભાગના કોણ કોણ અધિકારીઓ આ સમગ્ર કાંડમાં સંડોવાયેલા હતા?
- PMJAY હેઠળ 16 કરોડ 64 લાખનો જે વહીવટ થયો, તે પૈસાનું ક્યાં ક્યાં રોકાણ કર્યું?
- છેલ્લા 2 મહિનાથી તે વિદેશ ફરાર હતો. ત્યાં કોણે કોણે તેની મદદ કરી?
સૌથી અગત્યનું કાર્તિક પટેલનું મોબાઇલ ફોન રિકવર કરવાનો છે. તેમાંથી પણ કેટલીક અગત્યની બાબતો સામે આવી શકે છે. હવે આગામી દિવસોમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ વિષયો અંગે તપાસ કરવામાં આવશે. તમામ આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે અને સમગ્ર કારસ્તાન કેવી રીતે ઘડાયું અને હજુ પણ કોણ કોણ તેની સાથે સંકળાયેલા છે. તે તમામ પરથી પડદો હટશે.
આ પણ વાંચો: