કચ્છ :આફ્રિકામાં નિકાસ કરવામાં આવી રહેલા ફાઇટર ડ્રગ તરીકે કુખ્યાત ટ્રામાડોલ ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ ઝડપાયું છે. મુન્દ્રા કસ્ટમ વિભાગની SIIB બ્રાન્ચે રાજકોટના નિકાસકારના બે કન્સાઇનમેન્ટ અટકાવ્યા હતા. આ કન્ટેનરમાંથી ટ્રામાડોલની આશરે 68 લાખ ટેબ્લેટ મળી આવી હતી, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે રુ. 110 કરોડ છે. આ કેસ અંગે રાજકોટ, ગાંધીનગર અને ગાંધીધામમાં ઓપરેશન ચાલુ છે.
આફ્રિકામાં નિકાસ થતું ડ્રગ :મુન્દ્રા કસ્ટમ વિભાગની અખબારી યાદી મુજબ મુન્દ્રા કસ્ટમ્સની SIIB (સ્પેશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ) દ્વારા બાતમીના આધારે રાજકોટ સ્થિત વેપારી નિકાસકારના બે નિકાસ કન્સાઇનમેન્ટ અટકાવવામાં આવ્યા હતા. આ કન્સાઇનમેન્ટ પશ્ચિમ આફ્રિકાના દેશો સિએરા લિયોન અને નાઇજર માટે ડિક્લોફેનાક ટેબ અને ગેબેડોલ ટેબ તરીકે ઘોષિત વર્ણન સાથે હતા. તેની તપાસ કરવામાં આવી તો મોટો ઘટસ્ફોટ થયો.
110 કરોડનું ડ્રગ :મુન્દ્રા કસ્ટમ વિભાગે અટકાવેલ કન્સાઇનમેન્ટની તપાસ વખતે ઘોષિત વસ્તુ કન્ટેનરના આગળના ભાગમાં મળી આવી હતી. વિગતવાર તપાસમાં અઘોષિત દવાની સ્ટ્રીપ્સ ધરાવતા બોક્સ બહાર આવ્યા હતા. જેમાં "ટ્રામેકિંગ 225 અને રોયલ-225" તરીકે ચિહ્નિત થયેલ બંને ટ્રામાડોલ હાઇડ્રોક્લોરાઇડ ટેબ્લેટ 225 મિલિગ્રામ હતા. આશરે રૂ. 110 કરોડની કિંમતની ટ્રામાડોલની આશરે 68 લાખ જેટલી ટેબ્લેટ મળી આવી હતી.
કુખ્યાત "ફાઈટર ડ્રગ" :"ટ્રામાડોલ" એક ઓપીયોઇડ પીડા દવા, એક સાયકોટ્રોપિક પદાર્થ છે અને NDPS એક્ટ, 1985 ની કલમ 8(c) હેઠળ ટ્રામાડોલની નિકાસ પ્રતિબંધિત છે. 2018 માં NDPS એક્ટ હેઠળ ટ્રામાડોલને સાયકોટ્રોપિક પદાર્થ તરીકે સૂચિત કરવામાં આવ્યું હતું. ISIS લડવૈયાઓ લાંબા કલાકો સુધી જાગતા રહેવા માટે તેનો ઉપયોગ કરતા હોવાના અહેવાલ બાદ ટ્રામડોલ તાજેતરના સમયમાં "ફાઇટર ડ્રગ" તરીકે પ્રખ્યાત થઈ છે.
આફ્રિકન દેશોમાં ઊંચી માંગ :ઉલ્લેખનીય છે કે, આ કૃત્રિમ ઓપીયોઇડ દવા લોકપ્રિય છે અને નાઇજીરીયા, ઘાના વગેરે જેવા આફ્રિકન દેશોમાં તેની ઊંચી માંગ છે. મુન્દ્રા કસ્ટમ વિભાગ દ્વારા કરવામાં આવેલી આ જપ્તી NDPS એક્ટ હેઠળ સૂચિત કરવામાં આવી ત્યારથી ટ્રામાડોલની સૌથી મોટી જપ્તીમાંની એક છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
- પલસાણાના કારેલીમાં ડ્રગ્સ બનાવતી ફેકટરી ઝડપાઇ, બે આરોપીના રીમાન્ડ મંજૂર કરાયા
- ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 9,249 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, જાણો સૌથી વધુ ડ્રગ્સ ક્યાં ઝડપાયું?