પોરબંદર :આગામી 7 મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 માટે મતદાન થવાનું છે. પોરબંદરમાં પણ ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે. આજે પોરબંદર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ વસોયા અને પોરબંદર વિધાનસભા બેઠકના ઉમેદવાર રાજુભાઈ ઓડેદરા ચૂંટણી માટે નામાંકન પત્ર ભર્યું છે.
ચૂંટણી જંગ માટે ઉમેદવારી : કોંગ્રેસના બંને ઉમેદવારોએ ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિર અને શ્રીનાથજી હવેલીમાં શીશ ઝુકાવ્યું હતું. બાદમાં બાબાસાહેબ આંબેડકર, માલદેવજી ઓડેદરા તથા માણેક ચોકમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને પુષ્પહાર કર્યા હતા. ત્યારબાદ સુદામા ચોક ખાતે જંગી જનસભા સંબોધી હતી. કોંગ્રેસ પક્ષના પોરબંદર લોકસભા ઉમેદવાર લલિત વસોયા અને વિધાનસભા ઉમેદવાર રાજુભાઈ ઓડેદરાના સપોર્ટમાં કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પક્ષપલટું પર નિશાન સાધ્યુ : જનસભા સંબોધતા લલિત વસોયાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેેતાઓને સંભળાવતા જણાવ્યું હતું કે, બાપને બાપ ન કહે એ પાડોશીને કાકા કોઈ દી ન કહે. કોંગ્રેસમાં ક્યાંય હાલ કકળાટ નથી, કોંગ્રેસનો કકળાટ ભાજપમાં ગયો છે. અમે નથી સાચવી શક્યા તેને તમે શું સાચવવાના છો.
ભાજપ પર ચાબખા માર્યા :લલિત વસોયાએ વધુમાં જણાવ્યું હતું કે, આજે જય શ્રી રામના નારા એટલા માટે લગાવ્યા છે કે હું સાચો સનાતની હિન્દુ છું. રામના નામે મત માંગવાવાળો નેતા નથી. હું રામના નામે નહીં મારા કામના નામે મત માંગીશ. ચૂંટણી પહેલા બે કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં ગયા છતાં મોટી સંખ્યામાં આજે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે, તે કોંગ્રેસની તાકાત બતાવે છે. 26 બેઠક પર 52 લોકો ફોર્મ ભરવાના છે. તેમની મિલકતના આંકડા લોકો સમક્ષ આવશે. હું સૌથી ગરીબ ઉમેદવાર છું અને પાણીદાર એટલા માટે કે આંદોલનના તાકાતથી નિર્ણય લાવવાની શક્તિ ધરાવું છું અને કુદરતે મને આ શક્તિ આપી છે.
લલિત વસોયાનો દાવો :ક્ષત્રિય સમાજના વિરોધ અંગે લલિત વસોયાએ જણાવ્યું હતું કે, પોરબંદર મત વિસ્તારમાં એક લાખથી વધુ ક્ષત્રિય સમાજના મતદારો છે. જો રૂપાલાને બદલવામાં નહીં આવે તો મને ફાયદો થશે. પોરબંદરમાં ઘણી બધી સમસ્યાઓ છે. પોરબંદરમાં ખુદ ભાજપના સાંસદથી પ્રશ્નો ઉકેલાયા નથી. હું ચૂંટણી જીતી જઈશ તો મારી તાકાતથી તમામ પ્રશ્નોના નિકાલ કરવાનો પ્રયત્ન કરીશ.
રાજુ ઓડેદરાનો ચૂંટણી પ્રચાર : પોરબંદર વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર રાજુ ઓડેદરાએ જણાવ્યું હતું કે, ચૂંટણીમાં સભાસ પેમ્પલેટ વિતરણ ટેકનોલોજીનો પ્રસાર પ્રચાર કરીશું. મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળેથી આજે આશીર્વાદ લઈ પોરબંદર વિધાનસભા બેઠકના ઉમેદવાર તરીકે મેં ફોર્મ ભર્યું છે. આજથી કોંગ્રેસના તમામ કાર્યકર્તા અને આગેવાનો સૌ કોઈ પ્રચાર પ્રસારમાં લાગી જશે.
- અપક્ષ ઉમદવારનો ઠાઠ સૌ કોઈને આકર્ષ્યો, ઉમેદવારી ફોર્મ ભરવા આવ્યા કે લોકો જોતા રહી ગયા...
- કૉંગ્રેસે પોરબંદર વિધાનસભા બેઠકના ઉમેદવાર તરીકે રાજુ ઓડેદરાની પસંદગી કરી