જૂનાગઢ: કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ માણાવદરના ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા છે. માણાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે જેમાં કોંગ્રેસે આજે હોટેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા અને મૂળ માણાવદરના વતની હરિભાઈ કણસાગરાને ઉમેદવાર બનાવ્યા છે. માણાવદર બેઠક પર હરિભાઈની સામે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અને ભાજપમાંથી ચૂંટણી લડી રહેલા અરવિંદ લાડાણી સામે મુકાબલો થશે. માણાવદર તાલુકાના વડા ગામમાં જન્મેલા હરિભાઈ કણસાગરા કડવા પાટીદાર સમાજમાંથી આવે છે અને તેઓએ ઓલ્ડ એસએસસીનો અભ્યાસ કર્યો છે. તેઓ રાજકોટ ખાતે આવેલ હોટેલ ક્રિષ્ના પાર્કના માલિક પણ છે જે ખેતી, રીયલ એસ્ટેટ હોસ્પિટાલીટી અને હોટેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે હાલ તેઓ રાજકોટમાં પરિવાર સાથે રહે છે.
સામાજિક અને રાજકીય કારકિર્દી: હરિભાઈ પટેલ ઉદ્યોગની સાથે સામાજિક કાર્યો અને રાજકારણમાં પણ ખૂબ સક્રિય જોવા મળે છે. સરદાર સરોવર ડેમના સમર્થનમાં મેઘા પાટકરના આંદોલન સામે હરિભાઈ પટેલે સૌરાષ્ટ્ર યુથ સરદાર એકતા સમિતિના ઉપપ્રમુખ તરીકે પણ કામગીરી કરી છે. આ સિવાય તેમણે જુનાગઢ જિલ્લા કોંગ્રેસના કારોબારી સભ્ય તરીકે પણ ફરજ બજાવી છે. જુનાગઢ જિલ્લા કોંગ્રેસના પ્રભારી હરિભાઈ કણસાગરા રહી ચૂક્યા છે. આ સિવાય હરિભાઈ કણસાગરાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જૂનાગઢ જિલ્લાના ઇન્ચાર્જની સાથે સંગઠન અને બુથ કમિટીની જવાબદારીઓ પણ રાજ્ય સ્તરે નિભાવી છે. વર્ષ 2021 માં જુનાગઢ જિલ્લામાં યોજાયેલ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં પણ તેઓ ખૂબ જ સક્રિય રીતે કોંગ્રેસ પક્ષનો દાવો જિલ્લામાં રજૂ કરતા હતા.