ગાંધીનગર : હાલમાં ગુજરાતમાં વીજ કંપનીઓ દ્વારા પરંપરાગત મીટરને બદલે સ્માર્ટ મીટર નાખવાની કામગીરી ચાલી રહી છે. સ્માર્ટ મીટરમાં ગ્રાહકે મોબાઇલની માફક પ્રીપેડ રિચાર્જ કરાવવું પડશે. પરંતુ વીજ કંપનીઓ દ્વારા લગાડવામાં આવેલ સ્માર્ટ મીટરમાં તોતિંગ વીજ બિલ આવતું હોવાની ફરિયાદો ઉઠી છે.
સ્માર્ટ મીટરનો વિરોધ :સામાન્ય રીતે બે માસમાં જે પરિવારનું બિલ અંદાજિત 4,000 રૂપિયા આવતું હોય, તેવા પરિવારનું 4,000 નું રિચાર્જ માત્ર 15 થી 20 દિવસમાં પૂર્ણ થઈ જાય છે. રાજ્યભરના વીજ ગ્રાહકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસે પણ મોડે મોડે આ પ્રકરણમાં ઝંપલાવી દીધું છે. વિધાનસભા કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડાએ સ્માર્ટ મીટર મુદ્દે ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી. આગામી દિવસોમાં આ મુદ્દાને જન આંદોલન સ્વરૂપે રાજ્યભરમાં ઉઠાવવાની હાકલ કરી છે.
કોંગ્રેસ નેતાએ આપી પ્રતિક્રિયા :અમિત ચાવડાએ જણાવ્યું કે, ગુજરાતમાં 1.64 કરોડ સ્માર્ટ પ્રી-પેઈડ મીટર લગાવવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. પ્રજાના 500 કરોડ રૂપિયા એડવાન્સ પડાવી લેવાનો કારસો છે. બીજા રાજ્યોમાં પ્રજાને 200 યુનિટ સુધી વીજળી ફ્રી આપવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં સ્માર્ટ મીટરના નામે સરકાર સ્માર્ટ લૂંટ ચાલી રહી છે. મોંઘવારીનો માર સહન કરતી ગૃહિણીઓનું કહેવું છે કે, સરકાર સ્માર્ટ મીટર નખાવીને "મંગળસૂત્ર" પણ વેચાવી નાખશે. સ્માર્ટ મીટર ફરજિયાત શું કામ ? ગ્રાહકો ઉપર છોડો, સ્માર્ટ મીટર મરજિયાત હોવું જોઈએ.
"સરકાર સ્માર્ટ મીટર લગાવવાની નીતિનો પુન:વિચાર નહીં કરે, પ્રજા ઉપર જબરજસ્ત થોપશે, તો અમે સ્માર્ટ મીટર લગાવતા અટકાવવા માટે પ્રજાની સાથે રહી સવિનય કાનૂનભંગની લડત લડીશું. જરૂર પડશે તો રસ્તા ઉપર પણ ઉતરીશું અને ગુજરાતની જનતાના અવાજને સડકથી લઈને સંસદ સુધી પહોંચાડીશું" -- અમિત ચાવડા (વિપક્ષ નેતા, ગુજરાત વિધાનસભા)
વીજ કંપની અને પ્રજા વચ્ચે સંઘર્ષ : ગુજરાતની જનતા મોંઘવારીમાંથી રાહતની રાહ જોઈને બેઠી છે. ઘર ચલાવવું મુશ્કેલ થઈ રહ્યું છે, બાળકોની ફી ભરવી મુશ્કેલ છે. ત્યારે સરકાર રાહત આપવાને બદલે સ્માર્ટ મીટરના નામે લૂંટવાનો કારસો ઘડી રહી છે. ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવાનો ઠેરઠેર વિરોધ થઇ રહ્યો છે. વડોદરા, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર અને જામનગર જ્યાં પણ મીટર લગાવવાની શરૂઆત થઇ છે, ત્યાં વ્યાપક ફરિયાદો, મીટરના છબરડા, લૂંટ સામે પ્રજાનો ઉગ્ર વિરોધ તેમજ વીજ કંપની અને પ્રજા વચ્ચે સંઘર્ષની સ્થિતિનું નિર્માણ થયું છે.
સરકારને વિપક્ષના સવાલ : પ્રજાની ફરિયાદ છે કે, સ્માર્ટ મીટર લગાવતા 1000 રૂપિયા માસિક બીલ આવતું, હવે રોજ 350 રૂપિયા કપાવવા લાગ્યા છે. પહેલા 2 મહિનાનું બીલ 4500 આવતું, એના બદલે 20 દિવસમાં 4 હજાર રૂપિયાનું રીચાર્જ પૂરું થઇ જાય છે. સ્માર્ટ મીટરનો વિકલ્પ કેમ નહીં ? સ્માર્ટ મીટર ફરજિયાત શું કામ ? મોબાઇલમાં પ્રી પેઈડ અને પોસ્ટ પેઈડનો વિકલ્પ હોય તો સ્માર્ટ મીટરમાં કેમ નહીં ? રિચાર્જ કરાવવા સ્માર્ટફોન જોઇશે, ગરીબો સ્માર્ટ ફોન ક્યાંથી લાવશે ? સરકાર સ્માર્ટ મીટર સાથે સ્માર્ટ ફોન આપશે ?
સરકાર પર ગંભીર આક્ષેપ : ગુજરાતમાં 1.64 કરોડ સ્માર્ટ પ્રી પેઈડ મીટર લગાવવાનો પ્રોજેક્ટ છે. તેમાં મીટર દીઠ 300 રૂપિયા ફરજીયાત બેલેન્સ તરીકે એડવાન્સ ભરવાના હોવાથી ગુજરાતની પ્રજાના 500 કરોડ રૂપિયા એડવાન્સ પડાવી લેવાનો કારસો રચ્યો છે. એક તરફ મોંઘી વીજળી છે તેમાં કોઈ રાહત મળતી નથી. ગ્રાહકોને જે સુવિધા મળવી જોઈએ તે સુવિધામાં કોઈ વધારો થતો નથી. પણ પોતાના માનીતા અને મળતીયાઓની કંપનીઓ માટે દિન-પ્રતિદિન આ તઘલખી નિર્ણય લઇ પ્રજાના ખિસ્સામાંથી લઇ ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે, તેનો સખત વિરોધ કરવામાં આવશે.
- પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ 300 રૂપિયા સુધીની ઉધારી મળશે, વીજ કનેક્શન પણ નહીં કપાઈ
- વડોદરામાં શહેરમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત રહેતા, કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખે કર્યો અનોખો વિરોધ