કચ્છ :દર વર્ષે ઉનાળામાં આમ તો પાણીની સમસ્યા નાના મોટા પાયે સર્જાય છે. ભુજ નગરપાલિકા પાસે પણ પૂરતા પ્રમાણમાં પાણીના સ્ટોરેજ માટેના ટાંકા નહીં હોવાને કારણે ગરમીના દિવસોમાં પાણી વિતરણ વ્યવસ્થા હંમેશા ખોરવાતી હોય છે, જેની સામે ટેન્કર મારફતે પાણી પહોંચાડવું પડતું હોય છે. શું આ વર્ષનો ઉનાળો પણ આવો જ રહેશે?
પીવાના પાણીની સમસ્યા સર્જાશે ?હાલ ઉનાળાની શરૂઆત પહેલા જ વિપક્ષ દ્વારા એક ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉનાળાની શરૂઆત સાથે જ ભુજમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. જોકે એક બાજુ પાલિકા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ઉનાળામાં પાણીની કોઈ સમસ્યા નહીં સર્જાય, બીજી બાજુ કોંગ્રેસ પક્ષે ઉનાળામાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવી ચિંતા વ્યક્ત કરી છે.
ભુજ શહેરની જરૂરિયાત અને સંગ્રહ :ઉનાળાના શરૂઆત બાદ ધીરે ધીરે પીવાના પાણીની સમસ્યા વિકટ બનતી જશે તેવો કોંગ્રેસ પક્ષનો દાવો છે. ભુજ શહેરમાં પીવાના પાણીની દૈનિક જરૂરિયાત 55 MLD છે, જેની સામે ભુજ નગરપાલિકાને નર્મદાનું પાણી 10 MLD ઓછું મળી રહ્યું છે. આ ઘટ પૂર્ણ કરવા માટે ભુજ નગરપાલિકા પાસે બોર સિવાય કોઈ વિકલ્પ નથી. આ બોર પૈકી કેટલાક બોર બંધ હાલતમાં છે. જેથી દર વર્ષની જેમ આગામી સમયમાં પાણી વિતરણ માટે ટેન્કર રાજ જોવા મળશે.
ભુજ નગરપાલિકા પર "પાણી ચોરી"નો આરોપ :કોંગ્રેસ પક્ષે ભુજ નગરપાલિકા સામે પાણી ચોરીનો ગંભીર આરોપ મૂક્યો છે. ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીનું કહેવું છે કે, શહેરને નર્મદાનું પાણી પૂરતા પ્રમાણ મળી રહ્યું છે, પરંતુ ભુજ નગરપાલિકા ઔધોગિક એકમો તેમજ હોટલમાં પાણી વેચી રહી છે. જેના કારણે ભુજમાં પાણીની સમસ્યા સર્જાય છે. ઘરે ઘરે 4-4 દિવસે પાણી આવે છે. જો નગરપાલિકા આગોતરું આયોજન કરે તો લોકોને જરૂરિયાત મુજબ પાણી મળી રહે અને કોઈને પણ પૈસા ખર્ચીને ટેન્કર મારફતે પાણી મંગાવવું નહીં પડે.