ભાવનગરના ઢોરવાડામાં પશુઓની સ્થિતિ, ETV Bharat ગ્રાઉન્ડ રિપોર્ટ (ETV Bharat Desk) ભાવનગર : ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાયો છે. ભાવનગર શહેરમાં પણ પારો 44 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. લોકો ઘરમાં અને બહાર પશુ-પંખીઓ અકળાયા છે. તેવામાં ETV BHARAT ટીમે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પકડવામાં આવેલા ઢોરની પરિસ્થિતિને જાણવાની કોશિશ કરી હતી. જુઓ ભાવનગરના ઢોરવાડામાં પશુઓની સ્થિતિ અને વ્યવસ્થા...
ભાવનગરના ઢોરવાડા : ભાવનગર શહેરમાં અંદાજે ત્રણ થી ચાર હજાર ઢોર રસ્તા પર રખડતા હોવાનું અનુમાન લગાવવામાં આવેલું છે. ભાવનગર મનપાના પશુ નિયંત્રણ વિભાગ દ્વારા ઢોર પકડવાની કાર્યવાહી અંતર્ગત ત્રણ ઢોરવાડા બનાવવામાં આવ્યા છે. પશુ નિયંત્રણ અધિકારી એમ. એમ. હિરપરાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાવનગરના એરપોર્ટ રોડ પર બાલા હનુમાન પાસે સ્થિત ઢોરવાડામાં માત્ર આખલાઓને રાખવામાં આવ્યા છે. જ્યારે અખિલેશ સર્કલ અને ચિત્રા વિસ્તારમાં સ્થિત ઢોરવાડામાં ગાયોને રાખવામાં આવી છે. દરેક વાડામાં અંદાજે 2000 જેટલા ઢોર રાખવામાં આવ્યા છે.
ઢોરવાડામાં પશુઓની સ્થિતિ :ભાવનગર શહેરમાં ગરમીનો પારો 43 પાર થઈ ચૂક્યો છે. આકરી ગરમી વચ્ચે બપોરે 1 વાગ્યે ETV BHARAT ટીમે ભાવનગરના એરપોર્ટ રોડ પર બાલા હનુમાનજી મંદિર પાસેના ઢોરવાડાની મુલાકાત કરી હતી. આ ઢોર ડબ્બામાં માત્ર આખલાઓ નજરે પડ્યા હતા, જેમાં અંદાજે 600 થી 700 જેટલા આખલાઓ હોવાનું જાણવા મળ્યું હતું. અહીં શેડ બનાવવામાં આવ્યા છે, પરંતુ આખલાઓની સંખ્યાની સામે આ સેડ અપૂરતા જણાયા હતા. પીવાનું પાણી અને ઘાસચારો પણ પૂરતો નાખવામાં આવી રહ્યો હતો.
ઢોરવાડામાં પશુઓ માટેની વ્યવસ્થા :ભાવનગરમાં આવેલા ત્રણેય ઢોરવાડામાં પશુઓને ગરમીથી રાહત મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે પશુ નિયંત્રણ અધિકારીએ જણાવ્યું હતું કે, ઢોરને પણ ગરમીમાં રાહત મળી રહે તે માટે સમયાંતરે પાણીના ફુવારા કરીએ છીએ. અખિલેશ વિસ્તાર સ્થિત ઢોરવાડામાં લીલી નેટ બાંધવામાં આવી હતી, પરંતુ પશુઓએ તેને તોડી નાખી હતી. જ્યારે ચિત્રા સ્થિત વાડામાં પણ લીલી નેટ બાંધવામાં આવી છે. જોકે એક પણ ઢોરવાડામાં પંખા જેવી વ્યવસ્થા જોવા મળતી નથી.
- ભાવનગર જિલ્લામાં ગરમી 40 ડીગ્રીને પાર, લૂથી લોકો થયા પરેશાન - ડાયેરીયાના કેસોમાં થયો વધારો
- ભાવનગર મનપાએ પ્રિ-મોન્સૂન કામગીરી આરંભી, રજવાડા સમયની ડ્રેનેજ સિસ્ટમ ફરી શરૂ થશે, ખર્ચ 50 ટકા ઘટશે