ગાંધીનગર:રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જ (India International Exchange) ના સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપશન્સ કોન્ટ્રાકટ્સ ઓપરેશન્સ (Sensex Futures and Options Contracts Operations) નો બેલ રિંગીંગ સેરિમનીથી પ્રારંભ કર્યો હતો. આ દરમિયાન તેમણે નાણાંકીય નવીનતાના ક્ષેત્રોમાં સતત અગ્રણી રહેલા ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જ (IIE) ના આ નવા લોન્ચિંગથી વૈશ્વિક રોકાણકારોને ભારતીય બજારમાં રોકાણ માટે સરળતા થશે તેવી અપેક્ષા દર્શાવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે,'ઇન્ડિયા INX પર સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપશન્સ કોન્ટ્રાકટ્સ ઓપરેશન્સથી વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં સરળતાથી રોકાણ કરી શકશે.'
તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, 'ઇન્ડિયા INX પર યુ.એસ. (US) ડોલર આધારિત સેન્સેક્સ ફ્યુચર એન્ડ ઓપશન્સ કોન્ટ્રાક્ટસ (SFOCO) એક મહત્વપૂર્ણ પગલું છે. એટલું જ નહીં, ભારતીય નાણાંકીય બજારોને વૈશ્વિક રોકાણ વ્યવસ્થા સાથે વધુ નજીકથી જોડાવાની તક પણ પૂરી પાડનારું આ કદમ છે.' મુખ્યમંત્રીએ કહ્યું કે, ગિફ્ટ સિટીમાં સતત નવા આયામો ઉમેરાઈ રહ્યા છે.
તેમણે ઉમેર્યું કે, ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર (IFSC) અને બુલિયન એક્સચેન્જ સફળતાપૂર્વક અપરેશનલ છે. આ ઉપરાંત બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, એસેટ મેનેજમેન્ટ અને કેપિટલ માર્કેટ સર્વિસીઝનું પણ સંચાલન થાય છે. તેમણે કહ્યું કે, 'નાના-મોટા અનેક ફિનટેક સાથે ગિફ્ટ સિટી દેશનું ફિનટેક હોમ બનવા તરફ જઈ રહ્યું છે.'
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બેલ રિંગીંગ થયો પ્રારંભ (CMO Gujarat) ગિફ્ટ સિટીની ગ્લોબલ ઓળખ:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, તાજેતરમાં રજૂ થયેલા મોદી 3.O સરકારના વર્ષ 2025-26 ના બજેટમાં ગિફ્ટ સિટી ખાતે IFSCમાં કાર્યરત ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ માટે એક્ઝમ્પશન, ડિડક્શન અને રિલોકેશનના જે પ્રાવધાનો કે જોગવાઇઓ કરવામાં આવી છે તેના પરિણામે IFSCમાં ફાઇનાન્સિયલ ઇકો સિસ્ટમ વધુ સંગીન અને ગિફ્ટ સિટીની ગ્લોબલ ઓળખ વધુ સુદ્રઢ બનશે.
તમને જણાવી દઈએ કે, આ અવસરે BSE લિમિટેડના એમ.ડી. અને સી.ઈ.ઓ સુંદરરામન રામમૂર્તિએ કી નોટ એડ્રેસ આપ્યું હતું, જ્યારે ઇન્ડિયા INXના એમ.ડી. અને સી.ઈ.ઓ વિજય કૃષ્ણમૂર્તિએ સ્વાગત પ્રવચનથી સૌને આવકાર્યા હતા અને લોન્ચિંગની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. ઉપરાંત ગિફ્ટ સિટીના એમ.ડી. તપન રે તથા ફિનટેક, ઇનોવેશન્સ, ફાઇનાન્સ અને બેન્કિંગ સેક્ટરના અગ્રણીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો:
- કેન્દ્રીય બજેટ 2025-26માં ગુજરાતને મળી અનેક ભેટ, ગુજરાત ભારત@2047માં પણ અગ્રેસર રહેવા સજ્જ
- 'અમે મધ્યમવર્ગનો અવાજ સાંભળ્યો', 12 લાખ સુધીની કમાણી કરમુક્ત કરવા પર નાણામંત્રી શું બોલ્યા?