અમદાવાદ: શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર, અમદાવાદ કેન્દ્ર અને શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ અને વિહારભવન ટ્રસ્ટ (અમદાવાદ- વડવા - ઇડર)ના ઉપક્રમે અમદાવાદમાં પૂજ્ય ગુરુદેવ રાકેશજીની પધરામણીના 20 વર્ષ પૂરા થવાના અવસરે આયોજીત ત્રી- દિવસીય કાર્યક્ર્મમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદમાં ત્રિ- દિવસીય ઉજવણીનો અવસર છે. અહી સૌ કોઈ ભાવી ભક્તો પૂજ્ય ગુરુદેવજી રાકેશજી પાસેથી કંઇકને કંઈક જ્ઞાન લેવા માટે આવ્યા છીએ અને એમાં હું પણ આજે સહભાગી થયો છું.
યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજી પ્રત્યે અહોભાવ વ્યક્ત:આ અવસરે તેમણે વધુમાં કહ્યું કે, મોહભંગ થયા વગર અંતર્મુખ થવું કઠિન છે. જેટલો વધારેમાં વધારે સમય પૂજ્ય ગુરુદેવ જેવા સત્પુરુષોના ચરણોમાં ગાળીશું. તો જ આપણું આ મોહભંગનું કામ થશે. સાથે જ ભારતના અમૂલ્ય રત્ન સમાન સંત, યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજી પ્રત્યે અહોભાવ વ્યક્ત કરી મુખ્યમંત્રીએ દેશ સેવા માટે પૂજ્ય ગુરુદેવ પાસે આશીર્વાદની યાચના કરી હતી. વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પની વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનો સંકલ્પ કર્યોં છે, એ સંકલ્પમાં ગુજરાત મોટી લીડ લેશે.
અમદાવાદમાં ગુરુદેવ રાકેશજીની 20 વર્ષની પધરામણી નિમિત્તે કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાં હાજરી આપી (INFORMATION DEPT) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ' મોહશત્રુનો પરાજય' પુસ્તકનું વિમોચન:આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પૂજ્ય ગુરુદેવ લિખિત એક કલ્યાણકારી પુસ્તક ' મોહશત્રુનો પરાજય' પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર એક અનોખી ઉજવણીનું સાક્ષી બન્યું હતું. શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવ રાકેશજી વર્ષ 2005 થી 2024 એમ 20 વર્ષથી અમદાવાદમાં ધર્મયાત્રા અર્થે પધારી જિજ્ઞાસુ જીવોને શાશ્વત સુખના માર્ગે દોરી રહ્યા છે. આ પ્રસંગને ઉજવતાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર, અમદાવાદ કેન્દ્ર અને શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ અને વિહારભવન ટ્રસ્ટના ઉપક્રમે તા. 6 થી 8 ડિસેમ્બર દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એક ત્રિ દિવસીય કાર્યક્રમનું ભવ્ય આયોજન કર્યું હતું. આ ત્રિ દિવસીય કાર્યક્રમમાં પૂજ્ય ગુરુદેવ રાકેશજીએ ‘શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત’ આધારિત અંતઃકરણના ત્રણ દોષોની નિવૃત્તિ વિષય પર અત્યંત સરળ અને રોચક શૈલીમાં જાગૃતિપ્રેરક પ્રવચનો આપ્યા હતા અને અન્ય ભક્તિવર્ધક સાંસ્કૃતિક કાર્યક્રમો જેમ કે સાઉન્ડ બાથ મેડિટશન, ભક્તિ સંધ્યા વગેરેએ આ ઉત્સવના ઉમંગમાં ઉમેરો કર્યો હતો.
અમદાવાદમાં ગુરુદેવ રાકેશજીની 20 વર્ષની પધરામણી નિમિત્તે કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાં હાજરી આપી (INFORMATION DEPT) મહાન સંત શ્રીમદ્ રાજચંદ્રજી એક પ્રબુદ્ધ સંત હતા: 19મી સદીમાં થયેલ મહાન સંત શ્રીમદ્ રાજચંદ્રજી એક પ્રબુદ્ધ સંત હતા. જેમણે નવા યુગ માટે આધ્યાત્મિકતાનો પાયો નાખ્યો. આત્માની સર્વોચ્ચ સ્થિતિમાં જીવન વ્યતીત કરનાર તેઓશ્રી જૈન ધર્મના પ્રવર્તક અને ઉદ્ધારક હતા, જેમને સરળ શબ્દોમાં મુક્તિનો સમગ્ર માર્ગ ઉજાગર કર્યો છે. શ્રીમદ્ રાજચંદ્રજીના ધર્મસંદેશના જ્યોતિર્ધર પૂજ્ય ગુરુદેવ રાકેશજી વિશ્વમાં સૌને સુખ અને શાંતિની સંપ્રાપ્તિ થાય એ માટે ધર્મયાત્રા દ્વારા સત્સંગ અને ધ્યાનશિબિરોના માધ્યમથી લોકોને ઉચ્ચ ધ્યેય તરફ દોરી રહ્યા છે. અમદાવાદ એ રીતે સૌભાગ્યશાળી છે કે તે 20 વર્ષથી આ લાભ પામી રહ્યું છે. આ 20 વર્ષોમાં તેઓએ આપેલ સત્સંગ, શિબીરો, પધરામણીઓ, પ્રતિષ્ઠાઓ, મુમુક્ષુઓને વ્યક્તિગત આપેલ માર્ગદર્શન-મુલાકાતોના પ્રેમ પરિશ્રમે હજારો લોકોના જીવનમાં આંતરિક રૂપાંતરણ આવ્યું છે. અધ્યાત્મની સમજણે તેમના જીવનમાં નીતિમત્તા અને સેવાભાવનાનો વધારો કર્યો છે જે સમાજ માટે પણ લાભદાયી છે. તેઓ આજના યુવાનોને અધ્યાત્મ અને સેવા તરફ વાળી રહ્યા છે, જે મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે મહત્વનું છે.
અમદાવાદમાં ગુરુદેવ રાકેશજીની 20 વર્ષની પધરામણી નિમિત્તે કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાં હાજરી આપી (INFORMATION DEPT) ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુરુદેવની ખાસ મુલાકાત કરી:આમ પૂજ્ય ગુરુદેવ રાકેશજી જેવા સંતોની પધરામણીથી ધન્ય બનેલ અમદાવાદ સત્સંગ અને સાધનાનો અમૃતકાળ અનુભવે છે. આવી ઉજવણીઓ એ પણ દર્શાવે છે કે ભારતવર્ષમાં હજી પણ જ્ઞાન અને સેવાનું જીવનમાં અનેરું મહત્વ છે. આ ત્રિ-દિવસીય કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂજ્ય ગુરુદેવના દર્શનાર્થે ખાસ મુલાકાત કરી તેઓના આશીર્વચન મેળવ્યા હતા. આ આ ઉજવણીમાં સહકાર, મીઠા ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગના મંત્રી જગદીશ પંચાલ, અમદાવાદના મેયર પ્રતિભા જૈન, અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી અને અન્ય મહાનુભાવોએ ભાગ લીધો હતો.
અમદાવાદમાં ગુરુદેવ રાકેશજીની 20 વર્ષની પધરામણી નિમિત્તે કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાં હાજરી આપી (INFORMATION DEPT) પૂજ્ય ગુરુદેવએ EOના સભ્યો સાથે એક ખાસ મુલાકાત:આ ધર્મયાત્રા દરમિયાન પૂજ્ય ગુરુદેવએ આંતરપ્રિન્યોર ઓર્ગેનાઇઝેશન (EO)ના સભ્યો સાથે એક ખાસ મુલાકાત લીધી હતી, જેમાં સૌ સભ્યો તેઓશ્રીના પ્રવચનનો લાભ પામ્યા હતા. આ સાથે પાલડી ખાતે આવેલ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિરમાં મુમુક્ષુઓ પૂજ્ય ગુરુદેવના સ્વ હસ્તે થયેલ દિવ્ય પ્રતિષ્ઠાનો લાભ પામ્યા હતા. પૂજ્ય ગુરુદેવ રાકેશજીની પધરામણીથી થયેલ આંતરિક લાભ બદલ કૃતજ્ઞતા અનુભવી રહેલ હજારો મુમુક્ષુઓએ ધર્મોલ્લાસભેર આ ઉજવણીઓમાં ભાગ લીધો હતો.
આ પણ વાંચો:
- અમદાવાદના ગોતામાં રાજપૂત વિદ્યાસભા દ્વારા સમૂહલગ્ન, 30 નવયુગલે પ્રભુતામાં પગલા પાડ્યા, CMએ આપ્યા આશીર્વાદ
- કેદીને ટોર્ચર કરવાના કેસમાં, પોરબંદર કોર્ટે પૂર્વ SP સંજીવ ભટ્ટ અને કોન્સ્ટેબલને નિર્દોષ જાહેર કર્યા