છોટાઉદેપુર: આજના આધુનિક યુગમાં એલ્યુમિનિયમ, સ્ટીલના વાસણોના ઉપયોગનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. તો પણ ગામડાઓમાં આજે પણ માટીના વાસણોનો ઉપયોગ થતો હોય છે. ત્યારે તેની આજે પણ ડિમાન્ડ છે. ત્યારે છોટાઉદેપુરના અંબાલા ગામમાં 50 જેટલા માટીકામ હસ્તકલાના કારીગરો ક્લે માટીમાંથી નોનસ્ટિક વાસણો બનાવીને રોજગારી પ્રાપ્ત કરે છે. ત્યારે ETV BHARAT એ તેમની સાથે ખાસ વાતચીત કરી હતી.
ધણૂંક સમુદાય એ કળા જાળવી: છોટાઉદેપુરના અંબાલા ગામના ગમાણ ફળીયામાં રહેતા ધણૂંક સમુદાયના 50 જેટલાં કારીગરો ક્લે માટીના નોનસ્ટિક વાસણોની બાપ દાદાના સમયની હસ્તકલાને જાળવી રાખી છે. તેઓ ક્લે માટીના નોનસ્ટિક વાસણો બનાવી રોજગારી મેળવી રહ્યા છે. બાપદાદાના સમયથી ક્લે માટીની હસ્તકલામાં પારંગત એવા રડતિયાભાઈ ધણૂંકનો પરિવાર ક્લે માટીના વાસણો બનાવે છે. તેમજ આ માટીના વાસણો ઝારખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન રાજ્યોની હોટલોમાં પણ મોકલે છે.
કેવી રીતે બને છે વાસણો: હસ્ત કલાના કારીગરો સૌપ્રથમ કલે માટીને ગૂંદીને જુની માટીમાંથી વાસણને હાથથી આકાર આપે છે. વાસણો સૂકવવા માટે તેને તડકામાં રાખવામાં આવે છે. જેવા વાસણો સૂકાઈ જાય તેને જુદાજુદા પથ્થરોથી ઘસીને આકાર આપવામાં આવે છે. જે બાદ કારીગરો વાસણોને તાડના વૃક્ષના સૂકાયેલા પાંદડાની ભઠ્ઠીમાં તેને તપાવે છે. ત્યારબાદ કારીગર 1 કલાક બાદ આ વાસણોને ભઠ્ઠીમાંથી બહાર કાઢીને વાસણો પર ગેરુ અને લાખનું કોટિંગ ચઢાવે છે. ત્યારબાદ કારીગર ફ્રાઈ કરવાનું ઊંડુ કેલેડી બનાવી હાટ બજારમાં વેચાણ કરી રોજગારી મેળવે છે.