ગાંધીનગર :સરકારી બાબુઓ દ્વારા લેવાતી લાંચના વધતા કેસ બાદ વહીવટી તંત્રએ સરકારી કર્મચારીઓ સામે કમર કસી છે. સરકારે વર્ગ 3 ના કર્મચારીઓ પાસે પણ મિલકત સંબંધી માહિતી માંગી છે. સરકારના ત્રીજા વર્ગના કર્મચારીઓએ પણ હવે ફરજિયાત મિલકત પત્રક ભરવું પડશે. ભ્રષ્ટાચાર નાથવા સરકારે નવો અભિગમ અપનાવ્યો છે.
સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : રાજ્ય સરકાર દ્વારા વર્ગ 3ના કર્મચારીઓને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી ગુજરાત સરકારના વર્ગ 3ના કર્મચારીઓએ પણ ફરજિયાત મિલકત પત્ર ભરવું પડશે. વર્ગ 4 સિવાયના તમામ વર્ગના કર્મચારીઓએ એન્યુઅલ પ્રોપર્ટી રીટર્ન (APR) ભરવું પડશે. આ અંગે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી સરકારના કર્મયોગી એપ્લિકેશનમાં તમામ કર્મચારીઓને આવરી લેવા સૂચના આપવામાં આવી છે.
મિલકત પત્રક ભરવું ફરજિયાત :ગુજરાત સરકારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ 15 જુલાઈ પહેલા મિલકત પત્રક ભરવું પડશે. રાજ્યની તમામ વડી કચેરી તથા જિલ્લા કક્ષાની કચેરીઓએ આ બાબતનું મોનિટરિંગ કરવું પડશે. અધિકારી અને કર્મચારીઓએ LTC, રજા સહિત લાભોની વિગતો પણ ફરજિયાત ભરવી પડશે. ગુજરાત સરકારના પાંચ લાખથી વધારે કર્મચારીઓમાંથી 4 લાખથી વધારે કર્મચારીઓએ આ વિગતો 15 જુલાઈ સુધીમાં આપવી ફરજિયાત છે.
વર્ગ 3ના કર્મચારીઓ માટે સૂચન : સરકારી કર્મચારીઓએ સંપત્તિમાં રોકડ, બેંક ખાતાં, FD, સોના-ચાંદીના દાગીના, ખેતીની જમીન, રીયલ એસ્ટેટમાં કરેલું રોકાણ સહિતની તમામ વિગતો આપવી પડશે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના (GAD) એડિશનલ ચીફ સેક્રેટરી કમલ દયાનીની સહીથી બહાર પડાયેલા પરિપત્રમાં સરકારના ઉચ્ચ અધિકારીઓથી માંડીને કલાર્ક સુધીના તમામ કર્મચારીઓએ પોતાની તમામ સંપત્તિની વિગતો આપવા ફરમાન કર્યું છે.
- જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ ગાંધીનગર સ્થિત 'ફ્લડ કંટ્રોલ સેલ'ની લીધી મુલાકાત
- મધ્યસ્થી સહકારી બેંકમાં દૂધ મંડળીઓના ખાતા વધારવા માટે યોજાઇ વર્ચ્યુઅલ બેઠક