છોટાઉદેપુર:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યમાં પ્રવાસન સ્થળોનો બહુમુખી વિકાસ કરીને એક નવી કેડી કંડારી છે, જેના પરિણામ સ્વરૂપે ગુજરાતના નાનકડા હાફેશ્વર ગામે આજે પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિકસ્તરે વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. 2024માં શ્રેષ્ઠ પર્યટન ગામોની સ્પર્ધાની પ્રથમ આવૃત્તિમાં 795 ગામોની અરજીઓ બેસ્ટ ટૂરિઝમમાં મળી હતી, જેમાં વિલેજ કોમ્પિટિશનની બીજી આવૃત્તિમાં 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કુલ 991 અરજીઓ મળી હતી, જેમાંથી બેસ્ટ ટૂરિઝમ વિલેજ સ્પર્ધા 2024ની 8 કેટેગરીમાં 36 ગામોને વિજેતા તરીકે માન્યતા આપવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્યમાંથી છોટાઉદેપુર જિલ્લાના હાફેશ્વરની પસંદગી કરવામાં આવતા હાફેશ્વર ગામના લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે.
પ્રવાસન ધામના વિકાસ માટે 10 કરોડની ગ્રાન્ટ: મા નર્મદાના કિનારે અને પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે વસેલા હાફેશ્વર ગામનું પૌરાણિક શિવજીનું મંદિર નર્મદા નદીના જલસ્ત્રાવ વિસ્તારમાં ડૂબી ગયું છે, અને પ્રવાસીઓ નાવમાં બેસી જુના મંદિરની પ્રદક્ષિણા કરી દર્શન કરી રહ્યા છે. વર્ષ 2024માં 1 લાખથી વધુ પ્રવાસીઓએ હાફેશ્વરની મુલાકાત લીધી હતી, જેને લઈને ભારત સરકારના પ્રર્યટન મંત્રાલાય દ્વારા 8 હેરિટેજ કેટેગરીમાં વર્ષ 2024માં શ્રેષ્ઠ ગ્રામીણ પ્રર્યટન સ્પર્ધામાં હાફેશ્વર ગામને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ઉપરાંત પ્રવાસન ધામના વિકાસ માટે 10 કરોડની ગ્રાન્ટ ફળવવામાં આવી છે.