છોટા ઉદેપુર: જિલ્લાની જીવાદોરી માનવામાં આવતા નેશનલ હાઇવે 56 ઉપર ભારે વરસાદના કારણે શિહોદ પાસે ભારાજ નદીનો પુલ 26 ઓગષ્ટના રોજ તૂટી પડ્યો હતો. આ પુલ તૂટવાના કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તમને જણાવી દઈએ કે, આ બ્રિજ પહેલા 2.31 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ડાયવર્ઝન પણ તૂટી ગયું હતું. જેને કારણે જિલ્લાની જનતાને ત્રણ કિલોમીટરના બદલે 35 થી 40 કિલોમીટરનો ફેરી ફરવાનો વારો આવ્યો છે. પરિમાણે જિલ્લાની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે.
જનતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું: મહત્વપૂર્ણ બાબત એ છે કે, આ પુલ તૂટવાથી તેનો સૌથી વધુ અસર શિહોદ, શિથોલ, લોઢણ, સુષ્કાલ, મોટી રાસલી, પાવી જેતપુર, ઠલકી જેવા ગામોને થઈ રહ્યો છે. સમસ્યાનો નિવારણ લાવવા સ્થાનિક લોકોએ જનતા ડાયવર્ઝન બનાવવાનું નક્કી કરીને બનાવી દીધું છે. પાવી જેતપુરના વેપારીઓ, આસપાસના લીઝ ધારકો તેમજ નેશનલ હાઇવેના જૂના પાઇપ તેમજ બીજા નવા પાઇપ લગાવીને તેમજ સ્થાનિક સરપંચો, ધારાસભ્ય, સાંસદના પરોક્ષ સહકારથી આ જનતા ડાયવર્ઝન બનાવી દેવામાં આવ્યું છે. ડાયવર્ઝન કાર્યરત થતા જિલ્લાની જનતાને મોટી રાહત થઈ છે. ઉપરાંત ડાયવર્ઝન પરથી પસાર થતી વખતે રાહદારીઓના ચહેરા પર જંગ જીત્યા હોય તેવી ખુશી જોવા મળી રહી છે.