કચ્છ/વાપી/અમદાવાદઃગુજરાતમાં હાલમાં જ કેન્દ્રીય નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટ અને ટેક્સ સ્લેબની વાતને લઈને ઠેરઠેર અલગ અલગ બાબતોને લઈને મિશ્ર પ્રતિક્રિયાઓ જાણવા મળી રહી છે. ક્યાંક કોઈનો આવકાર છે તો ક્યાંક કોઈને બજેટની જાહેરાતમાં વાંધો પણ છે. જોકે લોકો આ વાંધા અને આવકાર કેમ છે તેનો તર્ક પણ આપી રહ્યા છે. તો આવો જાણીએ ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને વિરોધ પક્ષ સહિત કોણે બજેટ અંગે શું કહ્યું.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બજેટને આવકારો આપતા કહ્યું કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ રજૂ કરેલ કેન્દ્રીય બજેટ-2025 દેશના ગરીબ અને મધ્યમ વર્ગના કરોડો નાગરિકોની આશાઓ-અપેક્ષાઓની પરિપૂર્તિ કરનારું છે. આ બજેટને સમગ્ર ગુજરાત વતી હું આવકારું છું. મોદીએ આ વર્ષે મા લક્ષમીની સહુ પર કૃપા વરસાવનારું બજેટ હશે તેવું આ બજેટ હશે તેવી આશા વ્યક્ત કરી હતી. હવે આ બજેટની જાહેરાત થતા હું આવકારું છું. ઈન્કમટેક્સમાંથી 12 લાખ સુધીની આવક ધરાવતા લોકોને રાહત મળી છે. જે આવકારું છું. ગરીબ, યુવાન, મહિલા, અન્નદાતાઓના વિકાસને ગતિ આપનારું બજેટ છે. એગ્રીકલ્ચર, MSME, ઈન્વેસ્ટમેન્ટ અને એક્સપોર્ટના ચાર એન્જિનને ગતિ આપનાર મહત્વના વિષયો આ બજેટમાં આવરી લેવાયા છે. રાજ્યની સહભાગીતાથી પીએમ ધલ ધાન્ય યોજના ઓછી ઉત્પાદન ક્ષમતા ધરાવતા જિલ્લાઓ માટે શરૂ કરવામાં આવી છે તેને હું આવકારું છું. જુઓ વીડિયો તેમણે વધુમાં શું કહ્યું...
તો ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, ગુજરાતી તરીકે અપેક્ષા હતી, મોસાળે લગ્ન અને મા પીસરનાર છે. ત્યારે આપણા ગુજરાત માટે કંઈ ખાસ વ્યવસ્થા, મદદ જરૂર રહેશે. પરંતુ આપણા માટે કશુ નથી. હા બિહારની ચૂંટણી આવે છે એટલે ત્યાં મખાના માટે મખાના બોર્ડ, પટનાના એરપોર્ટથી લઈને વારંવાર બિહાર, બિહાર, બિહાર આવ્યું છે. પરંતુ વાસ્તવમાં આપણો હીરા ઉદ્યોગ, અનેક લોકોને રોજી આપતો ઉદ્યોગ મુશ્કેલીમાં છે. એને મદદ કરવા માટે કોઈ નક્કર વાત નથી. ટેક્સટાઈલ ઉદ્યોગ આપણો, જેના પર અનેક લોકો સુરતમાં નભે છે. નાયલોન યાન મોંઘુ થાય એવી વાત છે, આના વિશે વાત નથી. એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ અલંગમાં, તેના વિશે કોઈ વાત નથી. શિપ બિલ્ડિંગની વાત કરવામાં આવી છે, શિપ બ્રેકિંગ માટે નહીં.
12 લાખની સુધીની આવક પર કોઈ ટેક્સ નહીંની જાહેરાત પર તેમણે કહ્યું કે, જાહેરાત અને પછી શરતો છે એમાં કશુ મળવાનું નથી. નાણામંત્રીએ કહ્યું કે 12 લાખ કે 16 લાખવાળાને ટેક્સ નહીં ભરવો પડે, પરંતુ કહીને તેમણે એક વાત કહી દીધી કે, ઈન્કમ ટેક્સના કાયદામાં 31 અમેન્ડમેન્ટ હું અઠવાડિયામાં લઈને આવીશ. તેનો અર્થ શું થયો. અત્યારે બધા ઢોલ પીટે. 12 લાખ કમાઓ, 16 લાખ કમાઓ, ટેક્સ ગયો. એવી વાત નથી. નાણામંત્રીએ સ્પીચમાં જ કહ્યું છે, હું ઈન્કમટેક્સમાં અમેન્ડમેન્ટ લાવીશ તે આ વસ્તુઓને લાગુ પડશે. એટલે સરવાળે જ્યારે તે સુધારા આવે ત્યારે ખબર પડશે. જો આપવું જ હતું તો સીધું કહી દેવું હતું ને કોઈ શરત નહીં.
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કહ્યું કે, કેન્દ્રીય ભાજપ સરકારનું બજેટ ફરી એક વખત એ પ્રકારનું બજેટ છે કે ખર્ચના આંકડા બતાવવાના નહીં, સિદ્ધીના આંકડા બતાવવાના નહીં. શું પ્રગતિ થઈ તેના વિગતવાર વિવરણ હોય તે બતાવાયું નથી. દેશની મહિલાઓ સતત યાદ રાખે તે આધારે તેમના ઘરનું બજેટ ખોરવાય તેવી મોંઘવારી દરેક પાસા પર છે. યુવાનોને ડેમોગ્રાફિક ડિઝાસ્ટરની જેમ બેરોજગારી અને રોજગારની કોઈ વાત કરી નથી. 13.7 કરોડ રોજગાર છીનવી લીધા અને આશા પર પાણી ફેરવી દીધું. સાંભળવામાં સારું લાગે પણ ગરીબ વધુ ગરીબ થાય, બેરોજગારી વધે, દેખાડો કરીને સીટ વધારવાનું અને સરકારી જગ્યા હશે કે ખાનગીમાં જગ્યા? 50 ટકા મતદારો મહિલાઓ છે પણ તેમના માટે સ્પષ્ટ કોઈ સીધી જાહેરાત આ બજેટમાં જોવા મળતી નથી. જીએસટીના લીધે નાના-મધ્યમ ધંધાઓની હાલત ચોપટ થઈ ગઈ છે.
બિહારમાં જુની યોજના નવા નામ સાથે આપી છે. ગુજરાતને ઠેંગો બતાવ્યો અને અન્યાય કર્યો છે. લાંબા સમય સુધી ટેક્સમાં રાહતની માગણીઓ અમારા દ્વારા કરવામાં આવતી હતી. હાલ સરકારે 12 લાખ રૂપિયાની આવક સુધી ટેક્સમાં માફી આપી પણ આવા 12 લાખ રૂપિયા લોકો કમાણીના સાધનોનું ઉપાર્જન કેવી રીતે થશે તેનું કોઈ સ્પષ્ટીકરણ નથી. ગેસ, ડીઝલ, પેટ્રોલ પર સતત લૂંટ ચલાવાય છે. દેશનો સામાન્ય અને મધ્યમવર્ગનો માણસ અટવાઈ પડ્યો છે. ટેક્સ લીમિટ વધારી તેને હું આવકારું છું. સરકારી એકમો તોડી ખાનગીઓને લ્હાણી કરાવાઈ રહી છે, સરકારી નોકરીઓમાં ક્યારે ભરતીઓ આવશે તેની પણ સરકારે સ્પષ્ટતા કરી નથી. લાંબા સમયથી લાખો જગ્યાઓ બાકી છે. સરકારની નીતિ નથી નીયત નથી. લૂંટવા માટેનું આ બજેટ છે તેવું સ્પષ્ટ પણ અમારું માનવું છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગુજરાતને ભારોભાર અન્યાય થયો છે. આગામી સમયમાં બિહારની ચૂંટણી છે તો શું હવે ચૂંટણી લક્ષી બજેટ થવા માડ્યું છે. ટેક્સમાં 15થી 18 લાખની મોંઘવારીની દ્રષ્ટીએ હોવી જોઈએ તે નથી. ગુજરાત માટે નાના ધંધાઓ માટે કશું જ નથી. આ બજેટ માત્ર બિહારની ચૂંટણી લક્ષી છે તે દુખદ બાબત છે. આ રાજનીતિથી દેશનો વિકાસ નહીં થઈ શકે. ગુજરાતનો ટેક્સટાઈલ ઉદ્યોગ, મોરબીનો સિરામીક ઉદ્યોગ ડચકા ખાઈ રહ્યો છે, ખેડૂતો, એમેસએમઈ, એમએસપી વગેરે બાબતોએ હરખાવા જેવું નથી. સાવ નિરાસાજનક છે.
ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, નાણામંત્રીએ જે બજેટ રજૂ કર્યું છે. તે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને પ્રોત્સાહન આપનાર બજેટ છે. નોકરિયાત વર્ગને ઇન્કમટેક્સમાં 12 લાખ સુધીની જે રાહત આપવામાં આવી છે તેનાથી 12 લાખની આવક મર્યાદા વાળા દરેકને 80,000 સુધીનો ફાયદો થશે.
ગ્રાહકો વેપારીઓને આ બજેટમાં કરેલી જાહેરાતોથી ખૂબ જ લાભ મળશે. મેડિકલ સુવિધાઓ, ખેતી કામ કરતા ખેડૂતો માટે અને અર્બન એરિયાને ફાયદો કરાવતું આ બજેટ છે. MSME ને પણ આ બજેટમાં ઘણી રાહત આપવામાં આવી છે. લોનની મર્યાદા વધારી છે. ઉર્જા વિભાગમાં પણ અનેક નવી જાહેરાતો કરવામાં આવી છે. આમ દેશના દરેક નાગરિકને આ બજેટથી ફાયદો થવાનો છે.
તો એ જ રીતે વાપીના ઉદ્યોગકાર પ્રકાશ ભદ્રાએ જણાવ્યું હતું કે, MSME સેક્ટર અને ખેડૂતોથી માંડીને દરેકને માટે આ બજેટ આવકારદાયક બજેટ છે. MSME માટે આ બજેટમાં જે જાહેરાતો કરવામાં આવી છે તેનાથી આ ઉદ્યોગ ને બુસ્ટ મળશે. દેશમાં 45 ટકા જેટલો ફાળો તેમનો રહેલો છે. એટલે GDPને પણ બુસ્ટ મળશે. મોબાઈલ, બેટરી, ઇલેક્ટ્રોનિક્સ આઈટમ, ચામડું, કપાસ, ફૂટવેર જેવા અનેક સેક્ટરમાં પણ સારા પેકેજ આપવામાં આવ્યા છે. જેનાથી દેશમાં રોજગારી વધશે.
વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ સતીશ પટેલે જણાવ્યું હતું કે,MSME ઉદ્યોગને આ બજેટમાં કરેલી જાહેરાતોથી ખૂબ જ ફાયદો થવાનો છે. ઉદ્યોગોમાં કામ કરતા અને એક લાખ સુધીનો પગાર મેળવતા દરેક કર્મચારીને ટેક્સમાં ફાયદો મળવાનો છે. 2025 નું આ બજેટ 2047 ને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યું છે. બજેટમાં FDI માટે પણ સો ટકા સુધીનું ઇન્વેસ્ટમેન્ટ આવકારદાયક છે. અલગ અલગ સ્કીમનો લાભ ઔદ્યોગિક વિસ્તારને થશે. ટૂંકમાં આ 2025નું બજેટ વર્ષ 2047 ના વિકસિત ભારતનો એક ભાગ છે. અને તેને અમે તમામ ઉદ્યોગકારો આવકારીએ છીએ.
ઓટોમોબાઇલ સેકટર સાથે સંકળાયેલા કુંજલ શાહે જણાવ્યું હતું કે,સામાન્ય નાગરિકોને સહાયરૂપ થાય એ પ્રકારનું આ બજેટ છે. સામાન્ય વર્ગને આ બજેટમાં કરેલી જાહેરાતોથી તેમના ખર્ચમાં જે કાપ મુકવો પડતો હતો. તે હવે દૂર થશે. તેઓ ખરીદીમાં પોતાનું યોગદાન આપી દેશના વિકાસમાં તેમનો અમૂલ્ય સિંહફાળો આપી શકશે. બજેટમાં 13 જેટલી અલગ અલગ જાહેરાતો કરવામાં આવી છે. જે મહત્વની છે.
મહિલાઓ માટે, વૃદ્ધો માટેની જાહેરાતો ખૂબ જ અગત્યની હોય એ જ રીતે ખેડૂતો માટેની જાહેરાતો અને જિલ્લાના વિકાસ માટે કરેલી જોગવાઈઓથી કહી શકાય કે આ એક કમ્પ્લીટ બજેટ પસાર કરવામાં આવ્યું છે. ઓટોમોબાઇલ ક્ષેત્રે બેટરી, ઇલેક્ટ્રીક વ્હીકલમાં જે રાહત આપવામાં આવી છે તેનાથી આ ઉદ્યોગને પણ ખૂબ જ મોટો ફાયદો થવાનો છે. ટૂંકમાં સમગ્ર બજેટ જન સુખાકારી માટેનું સામાન્ય જનતાનું બજેટ છે. જેનાથી દેશની ઇકોનોમીમાં ખૂબ જ મોટો ગ્રોથ આવશે.