જૂનાગઢઃ વર્ષ 2024-25ના બજેટ સંદર્ભે જૂનાગઢમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો અને મંતવ્યો રજૂ કર્યા છે. વિદ્યાર્થીઓ માને છે કે, પાછલા ઘણા વર્ષોથી બજેટની ખાધ અને દર વર્ષે કરવેરામાં રાહત છતાં આર્થિક સુધારાઓ સામાન્ય લોકો સુધી પહોંચતા નથી. જેની ખાસ ચિંતા કરીને કેન્દ્રીય નાણાં પ્રધાન સુચારું બજેટ રજૂ કરે તે આવકાર્ય છે.
દેશના આર્થિક વિકાસને વેગ મળે તે જરુરીઃ કેન્દ્ર અને રાજ્ય સરકાર કરવેરા વિહોણા હોવાની સાથે માળખાકીય સુવિધાઓમાં વધારો થાય તે પ્રકારના પૂરાંતવાળા બજેટને વિદ્યાર્થીઓ આવકારી રહ્યા છે. ભારત અત્યારે વિશ્વની સાતમા નંબરની આર્થિક મહાસત્તા છે. ચૂંટણીના સમયે આવી રહેલું બજેટ ભારતના આર્થિક વિકાસને વેગ મળે તે પ્રકારની નાણાકીય જોગવાઈઓ બજેટમાં કેન્દ્રીય નાણાંપ્રધાન કરે તેવા બજેટને આવકાર્યું છે.
કરવેરામાં રાહતથી મહિલા ઉદ્યમીને ફાયદોઃ આગામી કેન્દ્રીય અને રાજ્યના બજેટને લઈને અર્થશાસ્ત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ટેક્સમાં રાહત આપનારું હોવાની સાથે ખાસ મહિલા ઉદ્યમીઓને ટેક્સમાં વિશેષ રાહત આપવાની જોગવાઈ બજેટમાં થાય તેને હકારાત્મક ગણાવ્યું છે. કરવેરામાં ઘટાડો કે વધારો તેની હકારાત્મક કે નકારાત્મક અસરો પણ પડી શકે છે. હાલ ભારત જેવા મોટા દેશમાં કરચોરી સૌથી મોટી સમસ્યા છે. તેને લઈને બજેટમાં કોઈ યોગ્ય અને સચોટ જોગવાઈઓ થાય તેને સ્ટુડેન્ટ્સ યોગ્ય ગણી રહ્યા છે. જો કે ટેક્સ માળખામાં આગામી બજેટ માં કોઈ ફેરફારો કરવામાં આવે અને તેનું યોગ્ય અમલીકરણ થાય તો ટેક્સ ચોરી મા ઘટાડો અને ટેક્સ આપતા કરદાતાઓમા વધારો થવાની પણ પૂરી શક્યતા છે.
વર્ષ 2015 પછી પૂરાંતવાળા બજેટઃ વર્ષ 2015 પછી રાજ્ય સરકારે મોટેભાગે પૂરાંતવાળું બજેટ આપવાનો પ્રયાસ કર્યો છે. પૂરાંતવાળું બજેટ રજૂ કરતા પૂર્વે ભારતની અર્થવ્યવસ્થામાં પૂરતી રોકડ બેંકો મારફતે ફરતી કરવામાં આવે તો સરકારી ક્ષેત્રને આવકનો સોર્સ વધી શકે તેમ છે. જેને કારણે અન્ય સોર્સ પાસેથી જે લોન લેવાની સ્થિતિમાંથી છુટકારો મળી શકે. રાજ્યના બજેટમાં જે ફાળવણી કરવામાં આવે છે તેને વિભાગ અને જરૂરિયાતને અનુસાર આર્થિક જોગવાઈઓમાં સામેલ કરવામાં આવે તો પણ બજેટનો એક એક પૈસો ઉપયોગમાં આવી શકે છે. જેને કારણે સરકારની આવકમાં વધારો થઈ શકે.
બજેટમાં રોજગારીને પ્રાધાન્યઃ ખાસ કરીને યુવાનોને ધ્યાને રાખીને બજેટમાં બેરોજગારીના દરોમાં ઘટાડો અને નવી રોજગારીનું સર્જન થાય તે પ્રકારની આર્થિક જોગવાઈઓ આવશ્યક છે. વર્તમાનમાં રાજ્ય અને કેન્દ્રની સરકારો કેટલાક કિસ્સાઓમાં વિદેશથી લોન મેળવે છે. જે ભારતની અર્થવ્યવસ્થા માટે ખૂબ જ ઘાતક માનવામાં આવે છે. આપણા દેશની કમાણી લોન ચૂકવવામાં વિદેશ જતી રહે છે. જેથી દેશની કમાણી દેશના ઉપયોગમાં આવે તે પ્રકારે બજેટમાં જોગવાઈ થાય તો ભારતનુ અર્થતંત્ર વિશ્વની ત્રીજા નંબરની મહાસત્તા બનવા તરફ આગળ વધી શકે તેમ છે.
ડિફેન્સ અને એજ્યુકેશનમાં વધુ ફાળવણીઃ આગામી બજેટ સુરક્ષા, આરોગ્ય, શિક્ષણ અને વાહન વ્યવહાર માટે ખાસ મહત્વનું બની રહેશે. જેમાં સુરક્ષાબજેટમાં વધારો થાય અને સેનામાં ઉપયોગી સાધનો અને અન્ય જરૂરિયાતોનું ભારતમાં નિર્માણ થાય તે આવશ્યક છે. ભારતનું નાણું ભારતમાં રહેવાથી ભારતની અર્થવ્યવસ્થા મજબૂત બની શકે તેમ છે.