જામનગર : ચાઇનાથી પ્રસરેલા HMPV નામના વાયરસ ધરાવતો એક પોઝિટિવ કેસ ગુજરાતમાં નોંધાતાં રાજ્ય આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. સાથો સાથ જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલમાં પણ તાકીદની બેઠક બોલાવાઈ હતી. જેમાં સંભવિત રોગના દર્દી માટે આઇસોલેશન વોર્ડ તૈયાર કરવા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
HMPV વાયરસ સામે તંત્ર સજ્જ : તાજેતરમાં જ HMPV નામનો એક વાયરસ પ્રસર્યો છે. આ વાયરસના લક્ષણો ધરાવતા એક દર્દીનો ગુજરાતમાં પોઝિટિવ રિપોર્ટ મળતાં જ રાજ્ય આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. રાજ્ય સરકારની સૂચના મુજબ જામનગરનું આરોગ્યતંત્ર અને સરકારી હોસ્પિટલનું તંત્ર પણ સાબદુ બન્યું છે.
જામનગર જી. જી. હોસ્પિટલ : જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં તબીબી અધિક્ષક ડો. દિપક તિવારીના અધ્યક્ષ સ્થાને સંબંધિત વિભાગના તબીબોની એક તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં એમ. પી. શાહ મેડિકલ કોલેજના ડીન ડો. નંદીની દેસાઈ, અધિક ડીન ડો. એસ. એસ. ચેટરજી , ઉપરાંત જુદા જુદા અન્ય વિભાગના તબીબો ઉપસ્થિત રહ્યા હતા.
30 બેડના બે આઇસોલેશન વોર્ડ તૈયાર : જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ઓક્સિજન, વેન્ટિલેટર, દવાનો જથ્થો ઉપરાંત બાળકોની સારવાર માટે જરૂરી HSNC મશીનરી વગેરે પણ ઉપલબ્ધ છે. ઉપરાંત જી. જી. હોસ્પિટલમાં કુલ 30 બેડ વાળા બે વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેથી જરૂર પડ્યે આ વોર્ડનો ઉપયોગ કરી શકાય. આમ છતાં પણ કોઈને તાવ- શરદી- ઉધરસ કે શ્વાસની બીમારી લાગુ પડે, તો નજીક ના આરોગ્ય કેન્દ્રમાં અથવા તો જી જી હોસ્પિટલનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
જાહેર જનતા જોગ સૂચન : ડોક્ટરોએ જણાવ્યું કે, આ એક જૂનો વાયરસ છે અને ન્યૂમોનિયા જેવા લક્ષણ ધરાવતી બીમારી છે. તેનાથી ગભરાવાની કોઈ જરૂર નથી. ખાસ કરીને પાંચ વર્ષથી નાના બાળકો અને 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને થોડી સાવચેતી રાખવી જરૂરી છે.