ખેડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં ભગવાન રાજાધિરાજને ધનુર્માસમાં એક મહિનો ખીચડીનો વિશેષ ભોગ ધરાવાય છે. ત્યારે કાળિયા ઠાકોરને આ ભોગ કેમ ધરાવાય છે અને શું છે તેની વિશેષતા ચાલો જાણીએ.
ધનુર્માસમાં રાજાધિરાજ રણછોડરાયજીને દરરોજ ખિચડીનો ભોગ ધરાવવામાં આવે છે. વર્ષમાં આ એક મહિનો એવો હોય છે જેમાં ભગવાન ખીચડી ખાતા હોય છે. ડાકોર ખાતે ધનુર્માસમાં બનતી તેજાના અને સૂકામેવાથી બનાવાયેલ ધનુર્માસની ખિચડીનું પણ વિશેષ મહત્વ રહેલું છે. ડાકોરની ધનુર્માસની ખીચડીનું ભાવિકો સહિત સ્વાદરસિકોમાં અનેરૂ મહત્વ રહેલું છે. ભાવિકો પણ ખીચડી બનાવી પ્રસાદીરૂપે વહેંચતા હોય છે.
ધનુર્માસમાં રાજાધિરાજ રોજ આરોગે છે ખિચડી: આ ખીચડીને ધનુર્માસની ખીચડી કહેવાય છે. જ્યોતિષ શાસ્ત્રો મુજબ 16 ડિસેમ્બરથી લઈ 15 જાન્યુઆરી સુધી સૂર્ય ધન રાશિમાં હોવાથી આ માસને ધનુર્માસ કહેવાય છે.
ધનુર્માસ દરમિયાન સવારે મંગળા આરતી બાદ ભગવાનને આ ખીચડીનો ભોગ ધરાવવામાં આવે છે. આ માસમાં ભગવાનની મંગળા આરતીનો સમય પણ બદલીને સવારે 6.15 કરવામાં આવે છે અને 8 વાગ્યાના અરસામાં ખીચડી ધરાવવામાં આવે છે. વર્ષમાં આ એક જ મહિનો એવો છે જેમાં ભગવાન ખીચડી ખાતા હોય છે. ત્યારે ભાવિકો પણ હોંશે હોંશે આ સ્વાદિષ્ટ ખીચડી પ્રસાદીરૂપે આરોગે છે. એવુ માનવામાં આવે છે કે, આ પ્રસાદ લેવાથી સૂર્યનું બળ પ્રાપ્ત થાય છે અને કાર્યમાં સિદ્ધિ મળે છે.
કેવી રીતે બને છે ધનુર્માસની ખીચડી: આ ખીચડી કાજુ, બદામ, પિસ્તા, દ્રાક્ષ, ખારેક જેવા સૂકામેવા તેમજ ગરમ મસાલાથી ભરપૂર હોય છે. ખીચડી તુવેરની દાળ અને જેટલા ચોખા એટલા જ ધીમાં બનાવવામાં આવે છે. ખીચડીની સાથે ભરેલા રવૈયા (રીંગણ )નું શાક અને કઢી ધરાવવામાં આવે છે.
ખીચડી આરોગવાનું મહત્વ: ધનુર્માસ દરમિયાન ઠંડી પડતી હોય છે જેમાં શરીરને વિશેષ પોષણની જરૂર રહેતી હોય છે. જેને લઈ રાજાધિરાજને સૂકામેવા અને મસાલાથી ભરપૂર ખીચડી ધરાવાય છે. ભગવાનને ખીચડીનો ભોગ આરોગાવી ઠંડી સામે રક્ષણ મેળવવાનો ભાવ કરાય છે. યાત્રાધામ ડાકોર ખાતે બનતી આ ખીચડીનું સ્વાદ રસિકોમાં અનેરું મહત્વ રહેલું છે અને તે દેશભરમાં વખાણાય છે.
'મંદિરમાં ધનુર્માસના ભોગનું વિશેષ મહત્વ' - પૂજારી: આ બાબતે મંદિરના પૂજારી સંજયભાઈ સેવકે જણાવ્યું હતું કે, "ડાકોર મંદિરમાં ધનુર્માસના ભોગનું વિશેષ મહત્વ છે. ધનના સૂર્યમાં ધાન અને મકરના સૂર્યમાં દાન એવા ધનુર્માસનો ભોગ ભગવાનને ધરાવવામાં આવે છે. ધનુર્માસ દરમિયાન ભગવાનને ખીચડીનો ભોગ ધરાવવામાં આવે છે. જેમાં દાળ, ચોખા, હળદર, મીઠું સહિત દરેક પ્રકારના ડ્રાયફ્રૂટ અને દરેક પ્રકારના તેજાના અને ચોખાની બરાબર ઘી સાથે ભગવાનને રીંગણનું રવૈયાનું શાક અને કઢી સાથે સવારે મંગળા ભોગ પછી ધનુર્માસનો ભોગ એક માસ દરમિયાન ધરાવવામાં આવે છે. ભક્તો એ પ્રસાદનો લાભ લઈ સૂર્યનું બળ પ્રાપ્ત કરે છે. બાર મહિનાના બાર સૂર્ય કહેવાય ધનુર્માસમાં સૂર્યનું બળ ઓછું હોવાથી ભગવાનને એક માસ ધાન ધરાવવામાં આવે છે. ભક્તો આ માસ દરમિયાન વિશેષ દર્શન કરવા આવે છે. ભક્તો દર્શન કરી અને પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે."
આ પણ વાંચો: