નવસારી : નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં આવેલા શ્યાદા ગામમાં બોગસ ડોક્ટર નયનકુમાર પાટીલ લાંબા સમયથી પ્રેક્ટિસ કરતો હોવાની માહિતી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળતા કહેવાતી ક્લિનિક પર જઈને રેડ કરતા ડોક્ટર દર્દીઓને ચકાસીને તેમને દવા આપતો હોવાની હકીકત સામે આવતા તેની ધરપકડ કરીને દવા કબ્જે કરવામાં આવી છે.
નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બાતમીના આધારે ખેરગામ તાલુકાના શ્યાદા ગામેથી ડિગ્રી વગરના બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે અને તેની અટકાયત કરીને તેની પાસેથી 35,000 રુપિયાથી વધુની દવાઓ કબજે લેવામાં આવી છે. સાથે ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસનર એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે...એસ. કે. રાય ( નાયબ પોલીસ અધિક્ષક )
દર્દીઓની સારવાર કરતા રંગે હાથ ઝડપાયો : નવસારી SOG પી.આઇ વી.જે. જાડેજા દ્વારા હેડ કોસ્ટેબલ સંતોષ સુનીલ તથા પોલીસ કોન્સ્ટેબલ કિરણ દિનેશભાઈને સૂચના આપવામાં આવી હતી કે ચીખલીના શ્યાદા ગામે પ્રમુખ નગર પાસે શ્રીજી ક્લિનિકમાં છેલ્લા 5 વર્ષથી સરકાર માન્ય રજીસ્ટ્રેશન અને ડિગ્રી વગર ડોક્ટર પ્રેક્ટિસ કરી રહ્યો છે. જેના આધારે રેડ કરતા મૂળ મહારાષ્ટ્રના નંદુરબારનો રહેવાસી આરોપી નયન સુભાષભાઈ પાટીલ દર્દીઓની સારવાર કરતા રંગે હાથ ઝડપાયો હતો.